ચક્કાજામ:નખત્રાણાના કોટડા જદોડર ગામની મહિલાઓએ દારૂ વેંચાણના વિરોધમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કર્યો

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં દેશી દારૂના દુષણ સામે મહિલાઓ રસ્તા પર ઉતરી અડધો કલાક નખત્રાણા માતાના મઢ માર્ગ પર ચક્કાજામ કર્યો હતો

નખત્રાણા તાલુકાના કોટડા જદોડર ગામની મહિલાઓએ આજે સોમવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ નખત્રાણા માતાના મઢ માર્ગ પર પહોંચી જઈ ગામમાં દારૂ વેંચાણ બંધ થવાની માગ સાથે રસ્તા રોકો આંદોલન કરી મુકતા ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકની 40 થી 50 મહિલાઓએ દેશી દારૂના કારણે પારાવાર મુશ્કેલી પડી રહ્યાની ફરિયાદ સાથે અડધો કલાક સુધી માર્ગ પર ચક્કાજામ કરી મુક્યો હતો. બાદમાં બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસના બે જમાદાર દ્વારા ઘટનાસ્થળે પહોંચી દારૂ વેંચાણ અટકાવી દેવાની ખાતરી આપતા ટ્રાફિક પૂર્વવત થયો હતો. જોકે બનાવના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી.

સપ્તાહ પૂર્વે પણ પોલીસમાં દારૂ અંગે રજૂઆત કરાઈ હતી
આ વિશે કોટડા ગામના જલુબાઈ જગોરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામની અમુક દુકાનમાં દેશી દારૂનું બેફામ વેંચાણ થઈ રહ્યું છે. જેના કારણે દારૂના નશામાં નસેડીઓ બિભસ્ત ગાળો બોલતા રહે છે. મહિલાઓને પસાર થવામાં પરેશાની થાય છે. ગરીબ વર્ગની મહિલાના પુરુષો આવકની રકમ દારૂમાં ખર્ચ કરી દેતા ઘરમાં ખાવા પીવાની પણ તકલીફ ઊભી થાય છે. આ તમામ પરિસ્થિતિમાંથી છુટકારો અપાવવા ગામની 15 થી 20 મહિલાઓ એક સપ્તાહ પૂર્વે પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી આવી હતી. તેમ છતાં બુટલેગરો વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ના આવતા આજે માર્ગ પર પહોંચી રસ્તા રોકી રાખી, દારૂ બંધીની અમલવારી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ રસ્તો ખુલ્લો કરાયો હતો. ગામના અન્ય લોકોએ પણ સહકાર આપવાની વાત કરી હોવાનું મહિલાએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...