મહિલાઓ પગભર બની:ભુજ હાટ ખાતે ચાલતા ત્રિ-દિવસીય હાથશાળ મેળામાં અબડાસાની મહિલાઓ નિર્મિત ખાદી આકર્ષણનું કેન્દ્ર બની

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 124 વડીલ મહિલાઓ કાલા કોટનથી ખાદી કાપડ બનાવી સ્વલંબી બની
  • હસ્તકલાની પરંપરામાં વાગડના દેશી કપાસનો પુન: પ્રવેશ

ભુજ હાટ ખાતે ચાલતા ત્રિ-દિવસીય હાથશાળ અને હસ્તકલા મેળામાં કચ્છની સામાજીક સંસ્થાના નેજા હેઠળ કામ કરતી અબડાસા તાલુકાની ખાદી કારીગર વડીલ બહેનો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઢળતી ઉંમર હોય , પતિ પણ દુનિયાને અલવિદા કહી દે અને આવકના સાધન ન હોય ત્યારે વૃધ્ધ મહિલાઓ માટે સ્વમાનભેર જીવવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. આવી જ કંઇક પરિસ્થિતીનો સામનો કરતી સરહદી અબડાસા તાલુકાની 124 વૃધ્ધ મહિલાઓ આજે ખાદીના વણાટકામના માધ્યમથી પગભર બની છે. ઉપરાંત એકબીજાની હુંફ મેળવીને આજે યુવાનોની જેમ સરકાર દ્વારા યોજાતા વિવિધ હેન્ડલુમ અને હસ્તકલા મેળામાં પોતાની કલા અને પ્રોડકટનું પ્રદર્શન પણ કરતી થઇ છે.

જીવન સંધ્યાએ ફરી રેંટીયો કાંતવાનો મોકો મળતા ફરી રેંટિયો કાતવાનું શરૂ થયું
છેલ્લા 4 વર્ષથી પૂન: રેંટીયો કાંતવાના કામ સાથે જોડાયેલા 85 વર્ષના જશુબા જાડેજા જણાવે છે કે, યુવાનીમાં રેંટીયો કાંતતા હતા પરંતુ સમય બદલતા આ કામ છુટી ગયું પરંતુ જીવન સંધ્યાએ ફરી રેંટીયો કાંતવાનો મોકો મળતા ફરીથી આ કામ ચાલુ કર્યું છે. આ કામના કારણે અમારો સમય સારી રીતે પસાર થઇ જાય છે, ઉપરાંત જે પણ આવક થાય છે તેનાથી અમારી જરૂરીયાતો પૂર્ણ કરવામાં મદદ મળી રહી છે. અમારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. વૃધ્ધા અવસ્થામાં અન્ય કોઇ પરિશ્રમ કરીને આવક મેળવવી શકય નથી ત્યારે રેંટિયો કાંતવાના કામથી અબડાસા તાલુકામાં અનેક વૃધ્ધ મહિલાઓને પૂરક રોજીરોટીનું સાધન પ્રાપ્ત થયું છે. વર્તમાન સમયમાં બારડોલી રેંટીયો, યરવડા ચરખો જેના પર ગાંધીજી પણ ઉન કાંતતા હતા તથા અંબર ચરખો આ ત્રણ પ્રકારના ચરખા પર કામ કરાઇ રહ્યું છે.

કાલા કોટન પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની ખાસિયત છે
જીવનના 7 દાયકા પસાર કરી ચુકેલા કૈલાશબા જાડેજા, રામબા જાડેજા વધુમાં જણાવે છે કે, કાલા કોટન પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની ખાસિયત છે. આ કપાસ માત્ર વરસાદી પાણી આધારીત જ ઉગે છે. કોઇપણ પ્રકારના કેમીકલના વપરાશ વગર તેનું વરસાદી પાણીથી ઉત્પાદન થાય છે. તેથી તેમાંથી બનતા ખાદીના કાપડની ખાસિયત વધી જાય છે. હાલ અબડાસા તાલુકામાં 14 ગામની અમારા જેવી અનેક મહિલાઓ ખાદી કારીગર તરીકે કામ કરી રહી છે. 125 ચરખા દિવસ-રાત લોકોના ઘરે ચાલી રહ્યા છે. જેટલું વધુ કામ થાય તે મુજબ મહિલાઓ આવક મેળવી શકે છે.

છુટક માર્કેટમાં ખાદી કાપડનું વેંચાણ થાય છે
ખાદી કારીગર જ્ઞાનબા જાડેજા જણાવે છે કે, છુટક માર્કેટમાં અમારા દ્વારા ઉત્પાદિત ખાદી કાપડનું વેંચાણ થાય છે. તે ઉપરાંત મોટા હોલસેલર, દેશની મોટી બ્રાન્ડ સીધી જ અમારી પાસેથી ખરીદી કરે છે. આ સાથે જાપાન સહીતના દેશોમાં પણ કચ્છની કાલા કોટન ખાદીની નિકાસ થાય છે. વર્તમાન સમયમાં સરકાર દ્વારા વિવિધ મેળામાં વેંચાણ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ અપાતું હોવાથી અમારી પ્રોડકટ લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે. સરકારના આ સહકારથી ઘરની બહાર નીકળીને અમે મેળાના માધ્યમથી લોકો સાથે સીધા જોડાઇ રહ્યા છીએ. બજાર સાથે કઇ રીતે સંકળાઇ શકાય તેની સમજ આવી છે. વધુ કામ કરવાની ઘગશ તથા અમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે.

સ્વમાન સાથે જીવન જીવવાનો મોકો મળતા મહિલાઓ ખુશ
વર્તમાન સમયમાં અબડાસા તાલુકામાં ચાલતા કાલા કપાસ પ્રોજેકટમાં જોડાયેલી 70 થી 80 ટકા મહિલાઓ 60 વર્ષથી ઉપરની છે. આમ, ઊન કંતાનના કામે ઢળતી સંધ્યાએ પહોંચેલી બહેનોના જીવનમાં પ્રકાશનું નવું કીરણ આપ્યું છે. આવક તો મળી રહી છે પરંતુ સ્વમાન સાથે તેમને જીવવાનો એક મોકો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...