શંકાસ્પદ સ્ત્રીએ ધમાલ મચાવી:તપાસમાં ગયેલી ભુજની મહિલા કોન્સ્ટેબલને ધોલ ધપાટ કરી, અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાની ભૂમિકા મુદ્દે તપાસ - પરપ્રાંતિય સ્ત્રીના બંને પગ બરાબર હોવા છતાં ઘોડી લઈને ફરતી હોવાની વર્તણુક પર લોકોએ શંકા દર્શાવી
  • ​​​​​​ભાનુશાલીનગરમાં રહેતા સ્થાનિક રહિશોએ આ મહિલા શંકાસ્પદ હોવાની કરી હતી અરજી

શહેરના ભાનુશાલીનગરમાં આવેલા સપના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી એક મહિલાની વર્તણુક શંકાસ્પદ હોવાની અરજી સ્થાનીકો દ્વારા કરવામાં આવી હતી.જેની તપાસ માટે ગયેલી ટીમના મહિલા કોન્સ્ટેબલ સાથે આ સ્ત્રીએ ધોલ-ધપાટ કરી એસઓજીના અન્ય પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકીઓ આપતા ભારે ચકચાર મચી ગઇ હતી.આ બનાવ સંદર્ભે સર્વગ્રાહી તપાસ શરૂ કરવામાં આવી છે.

નોટીસમાં સહી કરવાનો ઈન્કાર કરીને નાસી જવા પ્રયાસ કર્યો
કચ્છ સરહદી જિલ્લો છે અને અહીં રહેતી પરપ્રાંતીય સ્ત્રીના બંને પગ બરાબર હોવા છતાં તે ઘોડી લઈને ચાલે છે તેની વર્તણુક શંકાસ્પદ હોવાની માહિતી સાથે ભુજ એસઓજીમાં અરજી કરવામાં આવી હતી.જે અરજી અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગૃપએ તપાસ શરૂ કરી હતી. આ મહિલાને પૂછપરછ માટે એસઓજી કચેરી બોલાવાઈ હતી પણ તે આવી નહોતી. દરમિયાન મહિલા વીડી હાઈસ્કુલ પાસે હોતા તેને એસઓજી કચેરીએ આવવા જણાવાયું પણ તે ન આવી અને મકાનમાલિક સાથે ઝગડો કર્યો હતો આ દરમ્યાન એસઓજીની ટૂકડી જોડે ગેરવર્તાવ કરી જવાબ લખાવવા માટે આપેલી નોટીસમાં સહી કરવાનો ઈન્કાર કરીને નાસી જવા પ્રયાસ કર્યો હતો.

તપાસમાં સહકાર આપવાના બદલે ધમાલ મચાવી
​​​​​​​
જોકે બાદમાં તેને જીપમાં બેસાડી કચેરીએ લઈ અવાઈ પણ અહીં તપાસમાં સહકાર આપવાના બદલે ધમાલ મચાવી હતી. મહિલાએ પોતાનું નામ નબીના શ્રીઆમલેન્દુ નાગ હોવાનું, ઊંમર 50 વર્ષ અને પોતે અમદાવાદના થલતેજના વિનસ એપાર્ટમેન્ટમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.નબીનાની શંકાસ્પદ વર્તણૂંક જોઈને એસઓજીની ટીમ પીઆઇની હાજરીમાં ભાનુશાલીનગરના ઘરે જડતી લેવા ગઈ ત્યારે મકાનને બે તાળા મારેલા હતા. નબીનાએ તાળા ખોલવાનો ઈન્કાર કરી ફરી જબરજસ્તી કરી હતી. પોલીસ કર્મચારીઓએ તેના ગેરવર્તાવનું મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.

પૂછપરછ કરતાં ઉશ્કેરાઈને તે ધોલ ધપાટ કરી
​​​​​​​
ભારે માથાકૂટ બાદ માંડ માંડ તાળા ખોલાવી મકાનમાંથી લેપટોપ, મોબાઈલ ફોન, ડાયરી અને કેટલાંક દસ્તાવેજો મળી આવ્યા જે એસઓજી દ્વારા તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યા છે.આ દરમ્યાન એ ડીવીઝનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ સ્મિતા ગાલોરીયાએ તેની પૂછપરછ કરતાં ઉશ્કેરાઈને તે ધોલ ધપાટ કરી હતી.આ શંકાસ્પદ મહિલાએ હાજર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હિન્દી અને અંગ્રેજીમાં ગાળો પણ આપી હતી.જેથી બી ડીવીઝનમાં સરકારી ફરજમાં રૂકાવટ,ધોલ-ધપાટ,નોકરીમાંથી કાઢી મૂકાવવાની અને મારી નાખવાની ધમકી સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

SHE ટીમ બોલાવવી પડી
ભાનુશાલીનગરમાં સર્ચ માટે ગયેલા મહિલા કર્મચારી સાથે આ સ્ત્રીએ ડખ્ખો કરતા તેને કાબૂમાં લેવા માટે એસઓજીએ સ્થળ ૫૨ મહિલા પોલીસની ખાસ શી ટીમને બોલાવી હતી. જે બાદ તેને કન્ટ્રોલમાં લાવી અટકાયત કરી બી ડિવિઝન પોલીસમા લઈ જવાઈ હતી.

ઘરેથી ભુજના સરનામાનું આધારકાર્ડ મળી આવ્યું
આ મહિલા અહીં બે અઢી મહિનાથી રહે છે અને મૂળ અમદાવાદની વતની હોવાનું કહે છે પણ તેના ઘરેથી ભુજના સરનામાનું આધારકાર્ડ મળી આવ્યું છે જે બાબતને શંકાસ્પદ ગણી તેના ભારતીય નાગરિકત્વની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

વિવિધ મુદાઓ પર સર્વગ્રાહી તપાસનો ધમધમાટ
શરૂઆતથી ભાનુશાલી નગરમાં રહેતી આ પરપ્રાંતિય મહિલા તપાસમાં સહકાર આપતી નથી તેમજ ફરજમા રુકાવટ પણ કરી છે.જેથી કઈ બાબતો આ મહિલા છુપાવે છે તે મુદાઓ પર તપાસ કરવામાં આવી રહી છે તેમજ લેપટોપ અને મોબાઈલ પણ ચકાસવામાં આવ્યા છે. > વી.વી.ભોલા, SOG ભુજ પીઆઇ

મહિલાને કોર્ટના આદેશથી પાલારા જેલમાં મોકલી દેવામાં આવી
ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં આરોપીની અટકાયત કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવતા જેલહવાલે કરવાનો હુકમ કરાયો છે.જેથી તેને પાલારા જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. > કિરીટસિંહ વાઘેલા, પીઆઇ ભુજ બી ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...