ચોપડા પૂજનનું મહત્ત્વ:ધંધાના હિસાબમાં લેપટોપ અને કમ્પ્યુટરનો ઉપયોગ વધતા ચોપડા માત્ર પ્રતિક બની ગયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પહેલાં ચોપડાની પછી કમ્પ્યુટરની પૂજા કરવામાં આવે છે - Divya Bhaskar
પહેલાં ચોપડાની પછી કમ્પ્યુટરની પૂજા કરવામાં આવે છે
  • ડિજિટલ યુગ છતાં ચોપડા પૂજનનું મહત્ત્વ ઘટ્યું નથી, પૂજામાં 1 ચોપડો હજુ મુકાય છે
  • અગાઉ 30 થી 40 દિવસ સુધી વેપારીઓ રાત્રે પણ કામ કરતા, હવે અઠવાડિયામાં જ ઓર્ડર પૂર્ણ

દિવાળી પર્વ દરમિયાન ચોપડા ખરીદી અને પૂજનનું અનેરું મહત્ત્વ છે. જોકે હાલના ડિજિટલ યુગમાં પણ ચોપડા પૂજનનું મહત્ત્વ ઘટ્યું નથી. નવી પેઢી કમ્પ્યૂટર પર વધુ કામ કરે છે, પરંતુ વડીલોના કહેવાથી દિવાળી પર્વ નિમિત્તે તેઓ એક ચોપડો ખરીદીને તેની પૂજા કરે છે અને ત્યારબાદ કમ્પ્યૂટરની પૂજા કરે છે. જેના કારણે હિસાબ માટે વપરાતા ચોપડા હવે માત્ર પ્રતિક બની ગયા છે.

જોકે આ વખતે ચોપડાના ભાવમાં 55 ટકા સુધીનો વધારો થયો છે. ચોપડા પૂજનમાં વેપારીઓ રોજમેળ, ખાતાવહી, કલેક્શન બુક, ઉઘરાણી બુકનો સમાવેશ કરે છે. ઘણા વેપારીઓ આજે ચોપડાની શુકનવંતી ખરીદી કરશે. સોમવારે દિવાળીના દિવસે નાના-મોટા સૌ વેપારીઓ ધંધાની પ્રગતિ માટે મા લક્ષ્મીના પૂજન સાથે ચોપડાનું પણ પૂજન કરશે.

જો આમ જ રહ્યું તો, 5 વર્ષ બાદ ચોપડા ભૂતકાળ બની જશે
આજની પેઢી અને સંસ્થાઓ હિસાબ ડિજિટલી રાખે છે. કાગળનો ભાવ પણ 25 થી 30 ટકા વધી જતા ચોપડા મોંઘા થયા છે. અગાઉના વર્ષોમાં દિવાળી નિમિત્તે એટલા ઓર્ડર આવતા કે દિવાળી પૂર્વે 30 થી 40 દિવસ નાઇટ કરવી પડતી પરંતુ આ વખતે માત્ર છેલ્લા અઠવાડિયામાં જ ઓર્ડરની પૂર્તતા થઇ છે. જો આમને આમ જ રહેશે તો પાંચ વર્ષ બાદ ચોપડા પૂજન ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. હાલ માત્ર શકન પૂરતી ખરીદી થઇ રહી છે. > રાજન મહેતા, વેપારી

કચ્છી દટ્ટાની માંગ વધુ પણ આ વર્ષે ભાવ વધીને 50 થયા
કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છીઓમાં દિવાળી દરમિયાન કચ્છી દટ્ટાની માંગ વધુ હોય છે કારણ કે આ તારીખિયામાં દરેક પેજ પર કચ્છની માહિતી, તિથી અને કચ્છમાં ઉજવાતા તહેવારોની માહિતી હોય છે, જેથી દર વર્ષે લોકો કચ્છી દટ્ટા અચૂક ખરીદતા હોય છે, પરંતુ આ વર્ષે તેના ભાવમાં પણ વધારો થતા ગત વર્ષના 35ની તુલનાએ આ વખતે રૂા. 50 જેટલા ભાવ થઇ ગયા છે .

અન્ય સમાચારો પણ છે...