વર્ચ્યુઅલ ભૂમિપૂજન:રેકર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં હરિપર રોડ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે નવી ચેરિટી કચેરીનું નિર્માણ થશે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના ચેરિટી ભવનનું ભૂમિપૂજન સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાના ભુજ ખાતે તૈયાર થનારી ચેરિટી કચેરીનું ભૂમિપૂજન બુધવારે સંપન્ન થયું હતું. રાજ્યના 8 જિલ્લાને નવા ચેરિટી ભવનની ઇમારત મળવા જઈ રહી છે ત્યારે આ ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાની ભુજ ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, રાજ્યના ચેરિટીતંત્રએ ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટ ડિજિટલાઈઝ કર્યાં છે. આ રેકર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ઈન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટીતંત્રના યોગદાનની સરાહના કરી હતી.

તેમણે જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટીતંત્રએ પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે.

કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જિલ્લાઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રીના હસ્તે આ ઓનલાઈન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના હેડકર્વાટર ભુજમાં હરિપર રોડ પર આ નવી કચેરી માટે જમીન ફાળવવામાં આવી છે. આ ભવનના નિર્માણથી ભૂજમાં લિટિગન્સને સરળતાથી ન્યાય મળશે. આ ઉપરાંત, આધુનિક ભવન હોવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને એક જ જગ્યાએ તમામ સુવિધા ઉપલબ્ધ થશે.

આ પ્રસંગ્રે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, આસિસન્ટ ચેરિટી કમિશનર એન.સી.પાટડિયા તથા સંબંધિત વિભાગના અધિકારીઓની સાથે કચ્છ જિલ્લાના વિવિધ સેવાભાવી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...