ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજ દોઢ દાયકે મળેલા ‘સ્થાનિક’ ઉમેદવાર પર ભરોસો કરશે?

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મૃતિવન, સફેદ રણ અને ખેતિક્ષેત્રના વિકાસનો લાભ ભાજપને ફળશે કે કોંગ્રેસ, આપને લોટરી લાગશે? પાટીદાર ઉમેદવારો ને જ્ઞાતિગત પરિબળો પર મદાર

ભૂકંપ સ્મૃતિ વન, ધોરડોનું સફેદ રણ, કાળા ડુંગરનું પ્રવાસન હોય કે ભુજ શહેર આસપાસના ખેતરોમાં લહેરાતો પાક. જિલ્લા મથકની ધમધમતી કચેરીઓ, આર્થિક રીતે સમૃદ્ધ પટેલ ચોવીસીના કેટલાક ગામ અને સરહદને સાચવતા બન્ની પચ્છમના ગામોને આવરી લેતી ભુજ વિધાનસભા બેઠકની 2022ની ચૂંટણી ત્રિપાટીદારીય જંગ સમાન બન રહેવાની છે. ગત ત્રણ ટર્મ ભુજ શહેર અને તાલુકા સિવાયના ઉમેદવારોને ભાજપે લડાવ્યા અને જીતાડ્યા.

જ્યારે આ વખતે મૂળ નખત્રાણા તાલુકાના પણ ભુજમાં જ રહેતા જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલને જ્ઞાતિ સમીકરણના કારણે ચૂંટણી લડવા ભાજપે ઉતાર્યા છે, જીતાડશે કે કેમ તે આંતરિક રાજકારણ અને મતદારોના આંકલનના અંતે 8મીએ જ ખબર પડશે. કારણ કે સામે પક્ષે કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએ પહોંચેલા અને ભુજના ટ્વીન સિટી સમાન માધાપરના નવાવાસના સરપંચ અને વાસ્તવિક વિકાસકામોનો અનુભવ ધરાવતા ઉમેદવાર અરજણ ભુડિયા જંગમાં છે. જ્યારે એક મોકો ચાહતી આમ આદમી પાર્ટીના મિરજાપરવાસી ઉમેદવાર રાજેશ પિંડોરિયા બન્નેના મતોમાં ભાગ પડાવવા સ્પર્ધામાં છે, છતાં ચર્ચામાં નથી.

2022માં ભાજપમાંથી કડવા અને કોંગ્રેસ, આપમાંથી લેવા પટેલ સમાજના ઉમેદવારોના લીધે આ જંગ પટેલ જ્ઞાતિ વચ્ચે જંગ બની રહેવાનો છે. જેમાં એઆઇએમઆઇએમના શકીલ સમા અને અપક્ષોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. જોકે, ભુજ મત વિસ્તારના 18 આલમના મતદારોએ નક્કી કરવાનું છે કે વિધાનસભામાં ભુજનું પ્રતિનિધિત્વ કોણ કરે. હાલમાં રાજકીય વિશ્લેષકો ભુજની સ્થિતિ તરલ દર્શાવી રહ્યા છે. શહેરી અને ગ્રામીણ મતદારોની તુલનામાં બંને પક્ષે રાજકીય ભય સ્વીકારવો રહ્યો તેમ સમજાઇ રહ્યું છે, છતાં પલ્લુ શાસક તરફ નમે છે.

ભુજ મત વિસ્તારમાં ચૂંટણી પંચના ચોપડે કુલ 2,90,952 મતદારો નોંધાયા છે અને રાજકીય પક્ષોએ તૈયાર કરેલા આંકડાઓના અનુસંધાને સૌથી વધુ મત મુસ્લીમ મતદારોના છે. જેનો આંક અંદાજે છે. કુલ મતદારો પૈકીના 31 ટકા જેટલા 90552 મતદારો પરિણામમાં ચાવીરૂપ પરીબળ છે. ભુજ તાલુકાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આ મતદારોની સંખ્યા વધારે છે. 2022માં દુકાળ, વાવાઝોડું કે અતિવૃષ્ટિની આપત્તિ નથી આવી પરંતુ લમ્પી નામના રોગે ગૌવંશ પાલકોને હાલાકીમાં મૂક્યા હતા.

એ મુદ્દાઓ જો યાદ કરવામાં આવે અથવા તેની તુલનામાં કાળાડુંગર અને ધોરડોની આરપારના શિરમોર પ્રવાસનની ઉજળી બાજુ જોવામાં આવે તે સ્થિતિમાં લઘુમતિ મતોમાં વિભાજન થાય તો ભાજપના મતોની સંખ્યા સુધરી શકે. તેની સામે કોંગ્રેસના કમિટેડ મતો તેમની તાસીર પ્રમાણે પડે તો ભુજની બેઠકના પરિણામો પરિવર્તિત થઇ શકે. ગ્રામીણ લોકોએ વિકાસ પણ જોયો છે અને પરંપરાગત સમસ્યાઓ સામે પણ ઝઝૂમવાનું ચાલુ છે. એક મહત્વની વાત એવી પણ ઉભરી રહી છે કે, ગ્રામ્ય સ્થરમાં વિકાસ અવગણના પામેલ છે.

જેમ ભાજપને પ્રવાસન ક્ષેત્રનો લાભ થઇ શકે તેમ આંતરિક જૂથબંધીનો અને જ્ઞાતિ સમીકરણનો મુદ્દો પણ નડતરરૂપ ચિંતાજનક છે. લેવા પટેલ સમાજના અંદાજે મતદારો 36148 છે. તેમાં અમુક ગામના મતોમાં ગાબડા પડી શકે છે. લોહાણા જ્ઞાતિના 14715 અને જૈન સમાજના 11695 મતો હોવા છતાં ટિકીટ ન મળ્યાનો શહેરી અસંતોષ એલાર્મિંગ છે. કારણ કે, વેપારીઓ સમાજ સંચાલનની ભૂમિકામાં અગ્રેસર હોય છે અને વેપારીવર્ગની નારાજગી તેના સંલગ્ન કામદારો સુધી પ્રસરે છે. પરિણામે ભાજપને સહન કરવાનો વારો આવી શકે. બીજી તરફ, ડબલ એન્જિન સરકાર અને ખૂદ વડાપ્રધાનની લોકપ્રિયતા ભાજપને પુન: વિજયી બનાવવા તરફ પણ લઇ જતી ભાસે છે.

આવા તારણો દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર કામ કરી જાણે છે તેના લાભાલાભ માધાપરના નવાવાસ વિસ્તારના રહેવાસીઓએ અનુભવ્યો હોવાનું પ્રાથમિક ચિત્ર છે. માધાપર અને સમગ્ર ભુજ બેઠક વચ્ચે મોટો તફાવત તેના વિસ્તારનો છે એ પણ ભૂલાય નહીં. લેવા પટેલ સમાજને આ વખતે મળેલી ટિકીટ વિધાનસભાનો માર્ગ મોકળો કરશે તો ભવિષ્યમાં પણ સમાજની નોંધ લેવાશે અન્યથા સમાજના લોકોને યોગ્ય સ્થાન ન મળે તેમ પણ પ્રચાર થઇ રહ્યો છે.

તેની સામે કડવા પાટીદારોના મત 4099 જેટલા છે. અનુસૂચિત જાતિના સમાજના 27,056 મતો, બ્રાહ્મણોના 19,921 મતો ચૂંટણીના ચમકારા સમાન છે. મતદારોએ ધારી લીધું છે કે કોને જીતાડવા પરંતુ રાજકીય લોકોને ઠમઠોરવા અહિંસક ભય વર્તાવવો પણ પરોક્ષ રીતે ચર્ચામાં રહ્યું છે. જોવાનું એ પણ છે કે, આ બેઠક જિલ્લા મથકની બેઠક છે અને દિલ્હી ઉપરાંત ગુજરાત ગાદીનશીન નેતાઓની નજર પણ અહીં રહેતી હોય છે ત્યારે મતદારોનું મન ક્યાં ઠરે છે એ જોવાનું રહ્યું.

જૈન અને લોહાણા ઉમેદવાર જ સતત બે વખત ધારાસભ્ય બન્યા
13મી વિધાનસભા સુધીના ચૂંટણીના પરિણામો જોઇએ તો જૈન અને લોહાણા સમાજના ઉમેદવાર સતત બે વખત ધારાસભ્ય બન્યા હતા. તેમાં મુકેશ ઝવેરી અને ડો. નીમાબેન આચાર્યનો સમાવેશ થાય છે. તવારિખ મુજબ, 1962માં સ્વતંત્ર પક્ષમાંથી ગુલાબશંકર ધોળકિયા, ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારોનો વાયરો ફૂંકાયો અને 1967માં ડો. મહિપતરાય મહેતા, 1972માં રામજીભાઇ ઠક્કર, 1975માં કુંદનલાલ ધોળકિયા, 1980માં મોહનભાઇ શાહ, 1985માં કુમુદિનીબેન પંચોલી, 1990માં પુષ્પદાન ગઢવી, 1995 અને 1998માં મુકેશ ઝવેરી, 2002માં શિવજીભાઇ આહિર, 2007માં વાસણભાઇ આહિર, 2012 અને 2017માં ડો. નીમાબેન આચાર્ય ધારાસભ્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...