રાજ્યમાં સૌથી વધુ પશુધન અને સૌથી વધુ રોગચાળો પણ ફેલાયો છે તેવા કચ્છ જિલ્લાની મુલાકાત અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે લીધી હતી. એક તરફ હજારોની સંખ્યામાં ગૌવંશ આ લમ્પી ચર્મ રોગને કારણે મોતને ભેટયા છે, ત્યારે હવે રહી રહીને આવવું અને કોઈપણ જાહેરાત કર્યા વગર સમીક્ષા કરી ગાંધીનગર પરત જ ફરવું હતું, તો તેના કરતાં વીસી (વિડિયો કોન્ફરન્સ) કરીને પણ ચિતાર મેળવી શક્યા હોત. મૃત ગૌવંશ માટે કોઈ પેકેજ જાહેર ન થતા માલધારીઓ અને પશુપાલકોમાં નિરાશા વ્યાપી હતી.
મંગળવારે સવારે ભૂપેન્દ્રભાઈ પટેલ લમ્પીથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવાની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવી હતી. બાદમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ પ્રવર્તમાન પરિસ્થિતિ અને કામગીરીની વિગતે માહિતી આપી હતી. જે મુજબ જિલ્લામાં 38,141 પશુઓ લમ્પીથી અસરગ્રસ્ત છે. જેને ક્વોરેન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લામાં 26 જેટલા સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. જિલ્લામાં વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી 2.26 લાખથી વધુ પશુધનનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આ હેતુસર છ લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે. 222 પશુચિકિત્સા અધિકારીઓ, 713 પશુધન નિરીક્ષકો સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં જોડાયા છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના વધુ 175 લોકોને મોકલી રસીકરણ સઘન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સાથે આ મુલાકાતમાં કૃષિ કલ્યાણ, સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા અગ્રણી કેશુભાઈ પટેલ વગેરે પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
સરકાર કહે છે મૃત્યુ બે હજાર જ્યારે વાસ્તવમાં 25 હજારથી વધુનો સંસ્થાઓનો અંદાજ
સરકારે જિલ્લાના 585 ગામોમાં 38 હજાર અસરગ્રસ્ત પશુઓની સંખ્યા કહી હતી. તથા 1974 ના મૃત્યુ થયાનું કહ્યું હતું, જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ મુન્દ્રા અને ભુજ બે તાલુકામાં જ અંદાજે 25 હજાર જેટલી ગૌવંશનું મૃત્યુ થયું છે. સમગ્ર કચ્છમાં તો આંક આંકડો એથી ઘણો વધુ થઇ જાય. જો કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા દ્વારા જણાવવામાં આવ્યું તે મુજબ જિલ્લામાં 58 જેટલી પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ સેવારત છે. 3467 કેસ જ એક્ટીવ કેસ છે. પચાસ હજાર પશુઓને સારવાર આપવામાં અવેલી છે એટલું જ નહીં 2.26 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા 3.30 લાખ પશુઓનું સઘન રસીકરણ કરવાનો એક્શન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
CM આવ્યા તે પહેલા જ ચાર ગાયોના મૃતદેહ ખસેડાયા
ટપોટપ પશુઓ મરી રહ્યા છે તે સત્ય છે તેની પ્રતીતિ કરાવતી ઘટના આજે બની હતી. મુખ્યમંત્રીની ભુજ મુલાકાત અગાઉ જ કોડકી રોડ સ્થિત સેન્ટરમાં ચાર ગાયના મૃત્યુ થયા હતા. જેને સીએમ આવે તે અગાઉ જ સ્થળ પરથી ખસેડી લેવામાં આવી હતી. જો કે, આ સિલસિલો ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે, સંસ્થાના પ્રયત્નો સરાહનીય છે. વિશ્વ હિન્દુ પરિષદ, જથ્થાબંધ બજાર સમિતિ અને સુધરાઈના સંયુક્ત ઉપક્રમે ચાલતી સેવા બાદ પણ રોગ તીવ્ર ફેલાઈ ગયો હોવાથી કાબૂ મેળવવામાં સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.