• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Whirlwind Of Protest Against The Installation Of Power Poles And Lines Of Wind Turbines Without Permission In The Villages Of Powerpatti

રજૂઆત:પાવરપટ્ટીના ગામોમાં મંજૂરી વિના પવનચક્કીના વીજપોલ અને લાઇનો નખાતાં વિરોધનો વંટોળ

નિરોણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ લેવાયાનો આક્ષેપ
  • નિરોણાના સરપંચ સહિત 25 જેટલા ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત

પાવર પટ્ટીના 27થી વધુ ગામોમાં 3 વર્ષ પૂર્વે પવનચક્કીની કંપની દ્વારા જે તે સમયે ખેડુતોની અજ્ઞાનતાનો લાભ લઈને અને અમુક કિસ્સામાં મહિલા ખેડુત ખાતેદારો સાથે એગ્રીમેન્ટ, સોગંદનામાં કે સંમતિપત્ર લીધા વીના વીજલાઈનનું કામ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે કંપની સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં લેવાયા નથી તેવા આક્ષેપ સાથે નિરોણા, બિબર, અરલના સરપંચ અને ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં યોગ્ય કરવાની માગ કરી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે, પુષ્કળ વરસાદ થતાં આઇનોક્ષ કંપની દ્વારા ઉભી કરાયેલી વીજ લાઈનો વીજ પોલ પડી ગયા છે. જેના સમારકામ માટે કંપનીના માણસો અને ઠેકેદાર આવે છે ઘણા કિસ્સામાં કોર્ટ મેટર છે તો અમુક ખેડુતોએ પ્રશાસનને કરેલી અરજીઓનો નિકાલ કંપનીએ કર્યો નથી. જેથી ખેડુતો આ કામ માટે પ્રથમ પરમીશન એગ્રીમેન્ટ પેમેન્ટનું વળતર મળ્યા બાદ કામ કરવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કિસાનોને ઉલટુ સુલટું સમજાવાય છે.

કેટલાક ખેડુતોએ ચેક રિટર્નની ફરિયાદો પણ કરી છે. નિરોણાના સરપંચ નરોતમ ખેતા આહિર, નાની અરલના સરપંચ પ્રતિનિધિ દિલાવરસિંહ જાડેજા, બિબરના સરપંચ પ્રતિનિધિ નરેન્દ્રસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, પ્રવિણસિંહ જાડેજા સહિત 25 જેટલા ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં આ મુદ્દે યોગ્ય પગલા લેવાની માગ કરાઇ હતી.

વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવાની માગ
વીજ લાઈનની 20 વર્ષની નુકસાની અને વળતર અંગેના કિસ્સામાં નીતિ નિયમ મુજબ કરાર થતા હોય છે. એ અનુસાર રેવન્યુ ખાતાની મંજૂરી , જમીન અંગેના પંચનામા, લાઈન નીકળવા અંગેના નકશાની શીટ, ખેડુતોની સહમતી, સંબંધિત તમામ કચેરીઓની એન.ઓ.સી., સ્થાનિક ગ્રામ પંચાયતની એન.ઓ.સી. સહિતના દસ્તાવેજ ની ચકાસણી થાય તેવી માગ રજૂઆતમાં કરાઇ હતી.

માથાભારે તત્વોએ ખોટું વળતર લીધાનો આક્ષેપ
પંથકના માથાભારે લોકો જ્યાંથી વીજ લાઇન પસાર થાય છે ત્યાંની સરકારી જમીન પર કબજો જમાવી મોટી રકમ વળતર તરીકે મેળવી છે. જ્યારે ગરીબ અભણ ખેડૂતોને ખુદની માલિકીની જમીન પર નજીવું વળતર આપાયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. દોઢ માસ અગાઉ નિરોણા ભરૂડ નદીમા આવેલા પૂરના કારણે વીજ ટાવર પડી જતાં તેને ઊભો કરવા માટે કંપનીના માણસો આવ્યા હતા. આ સમયે બાકી રહેતું વળતર આપવાની માગ કિસાનોએ કરી હતી. તેમનો રોષ જોતા કંપનીએ કામ બંધ કરી દીધું હતું. સપ્તાહ બાદ આજુબાજુના માથાભારે લોકોને મોટી રકમ આપી વીજ ટાવર ઊભો કરી દેવાયો હતો તેવું આળ કેટલાક જાગૃત ગ્રામજનોએ મૂક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...