કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિનો કાર્યકાળ પૂર્ણતાના આરે છે છતાં હજી સર્ચકમિટી બની નથી.શિક્ષણને લગતા અનેકવિધ પ્રશ્નો છે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસિનતાના કારણે યોગ્ય નિર્ણયો લેવાતા નથી.વહીવટી નિર્ણયો લેવા માટે સિન્ડિકેટ સભ્યોની જવાબદારી વિશેષ રહેતી હોય છે પણ કચ્છ યુનિવર્સિટીમાં મુદત પૂર્ણ થવા આવી છતાં સિન્ડિકેટના સભ્યો સરકારે નીમ્યા જ નથી.
જેમ સરકાર ચલાવવા માટે વ્યવસ્થિત માળખું હોય તેમ યુનિવર્સિટીનો વહીવટ ચલાવવા માટે વીસી, રજીસ્ટ્રાર, સિન્ડિકેટ સમિતિ અને સેનેટ સભ્યો હોય છે. યુનિવર્સિટી પાસે કાયમી વીસી અને રજીસ્ટ્રાર છે પણ મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી સિન્ડિકેટ નથી. સિન્ડિકેટમાં કુલ 4 સભ્યો હોય છે જેમાં બે સભ્યોની નિમણુંક સરકાર કરે છે જ્યારે બીજા બે નામ સેનેટની ચૂંટણી બાદ નક્કી થતા હોય છે.
સરકાર દ્વારા પોતાના સભ્યોના નામ જિલ્લા સંગઠન પાસેથી મંગાવવામાં આવે છે પણ કચ્છના પ્રજાકીય પ્રતિનિધિઓની ઉદાસીનતાના કારણે આ નામો મોકલવામાં આવ્યા નથી.જેથી આખી ટર્મ સભ્યો વિહોણી રહી હતી.જાણકાર સૂત્રો જણાવે છે કે,સિન્ડિકેટમાં 2 સભ્યોને સરકાર નિમે છે જે જિલ્લાના હોય અને બાકીના 2 સભ્ય સેનેટની ચૂંટણીના આધારે વોટિંગમાં નક્કી થાય છે.
સેનેટની ચૂંટણી થઈ નથી જેથી તેના 2 સભ્યોની વરણી ન થઈ પણ સરકારે પોતાના 2 સભ્યો જિલ્લામાંથી માંગણી થઈ હોવા છતા ધરાર મુક્યા નહિ.પરિણામે આગામી 28 માર્ચના તમામ સતામંડળોની સાથે સિન્ડિકેટની અવધિ પણ સમાપ્ત થઈ જશે.
આ બાબતે રજિસ્ટ્રાર પ્રો.ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું કે,ચાલુ ટર્મમાં સરકાર તરફથી કોઈ સિન્ડિકેટ સભ્યો મુકાયા નથી અગાઉ પત્રવ્યવહાર પણ કરવામાં આવ્યા હતા.સિન્ડિકેટ સભ્ય ન હોવાથી વિવિધ વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું પણ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ આ મુદ્દા ઉપાડવામાં આવ્યા હતા. જો કે સિન્ડિકેટની મુદત પૂર્ણ થવા આવી ગઇ છતાં સરકાર તરફથી કોઇ સદસ્ય 3 વર્ષની આ ટર્મમાં નિમણૂક પામ્યા ન હતા.
વિશ્વ વિદ્યાલયના વહીવટને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મુશ્કેલી
જો સિન્ડિકેટ સમિતિ હોત તો કચ્છ યુની.ના પદવીદાનની તારીખો ન બદલાઈ હોત તેમજ શિક્ષણ તેમજ વહીવટને લગતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ બેઠકમાં લાવી શકાયો હોત. સિન્ડિકેટ સભ્ય યુનિવર્સિટી અને સરકાર વચ્ચે સેતુ બનીને કાર્ય કરે છે.એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણય લેવાઈ જાય તે બાદ નિર્ણય સિન્ડિકેટના હાથમાં હોય છે.હાલમાં કુલપતિએ નિમેલા એકેડેમિક કાઉન્સિલના સિન્ડિકેટ સભ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.