પહેલી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીઓમાં કચ્છની છ બેઠકોનો સમાવેશ થયો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ અને એઆઇએમઆઇએમ સહિત અપક્ષો પણ જંગમાં છે ત્યારે રાત ઓછીને વેશ ઝાઝાની જેમ પક્ષો તથા ઉમેદવારોએ મતદારોને તેમના તરફી વાળવાના પ્રયાસો પૂરજોશમાં શરૂ કર્યા છે. સામાજિક બેઠકોનો દૌર, ધર્મ પ્રવાસ વચ્ચે સંગીત પ્રચારનું આકર્ષણ વધુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
જાહેરસભાઓ, રેલીઓ, વોર્ડ બેઠક, સમાજના લોકો સાથેની બેઠકો ઉપરાંત મુખ્ય પક્ષોએ વાહનોમાં મ્યૂઝિક સીસ્ટમ ગોઠવીને રસિયો રૂપાળો જેવા ગીતની થીમ લઇને ગીતો વગાડતાં તેમના ઉમેદવારને મત આપવા હાકલ કરી રહ્યા છે. બે દિવસથી ગીતો વાગતા વાહનો ફરતાં થતાં ભુજમાં હવે ચૂંટણીનો પ્રચાર જામ્યો હોવાનું લોકો અનુભવી રહ્યા છે. રસિયો રૂપાળો રંગ રેલિયો જેવા ગીતના અંતે આવતા શબ્દો ઘેર જવું ગમતું નથી એ 8મી ડિસેમ્બરે ભુજ સહિત સમગ્ર કચ્છની 6 બેઠકના 6 વિજેતા ઉમેદવાર સિવાય માટે વાસ્તવિક બનશે. લોકોને હાલમાં તો આવા પ્રચારમાં મનોરંજન મળે છે પણ ત્યારે ખરેખર ઘેર જવું ગમશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.