ભાસ્કર વિશેષ:ક્યાં ભીંતો રંગાતી હતી અને ક્યાં ‘આજનો ચૂંટણી પ્રચાર’

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં જ્યાં સુધી ‘રસોડા’ શરૂ ન થાય ત્યાં સુધી ચૂંટણી રંગ પકડતી નથી
  • વાગડ, બન્ની-પચ્છમ ઉપરાંત શહેરોમાં પણ હવે નવા વર્ષના સ્નેહમિલન શરૂ થશે

વોટ ફોર... જીતેગાભાઇ જીતેગા... ચલો... ચલો... એક સમય હતો કે જ્યારે ચૂંટણીનું રણશિંગુ ફુકાય એટલે ટાંગા, ઘોડાગાડી, જીપ, ટ્રેક્ટર, બેનર, પોસ્ટર, ભીંતચિત્રો અને સૂત્રોચ્ચાર સાથે સામૂહિક રીતે રાજકીય પક્ષના કાર્યકરો પોત પોતાના મુરતિયા અને પક્ષનો પ્રચાર કરતા હવે 2022ના ઇલેકશનમાં પ્રચારશસ્ત્ર તરીકે ટેરવાઓની કમાલ સમુ ‘સોશિયલ મીડિયા’ છે, ચૂંટણીના ધમધમાટમાં પ્રચારનો મુદ્દો પણ મહત્ત્વનો છે અને તેની બદલાયેલી પેટર્ન પણ ઉડીને આંખે વળગી રહી છે.

સરહદી કચ્છને સ્પર્શે છે ત્યાં સુધી ચૂંટણી આવતા જ સૌ પ્રથમ બલ્યુ ગળીના બેનરોથી દીવાલો ચિતરાતી અને માહોલ ગરમી પકડે અને કાર્યાલયોના ઉદ્દઘાટન થાય ત્યારે ધજા-પતાકા, મંડપ સાથે ‘ચા’નો દૌર શરૂ થતો જે ધીમેધીમે નાસ્તા વાટેથી સમૂહભોજન સુધી પહોંચતો પણ ટી.એન.શેષનના નામે ચૂંટણી પંચની અસલ આચાર સંહિતાનું પાલન કરવાની ક્રાંતિ થઇ અને એકી ઝાટકે આ ધાંધલ-ધમાલ પર રોક આવી ગઇ. 1990થી 96 વર્ષ સુધી આવેલો આ બદલાવ ચૂંટણી પર ‘વોચ’ રાખનારાઓ એક માઇલસ્ટોન ગણે છે. દેશના દશમા ચૂંટણી કમિશનર બનેલા શ્રીશેષને સનધિઅધિકારી તરીકે આખેઆખી ચૂંટણી પ્રક્રિયા જ બદલી નાખી એવું કહીં શકાય.

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા શામ-દામ-દંડ-ભેદની નિતીઓ અખત્યાર કરે એ પરંપરા છે તેથી આજે પણ એનો ઉપયોગ થાય છે પણ ટી.એન.શેષનના સમયથી આચારસંહિતાની જે અમલવારી થવા મંડી એ ચૂંટણીની નિષ્પક્ષતાના પાયામાં એક ચાવીરૂપ મુદ્દો બની. તેઓ 1990થી 96ના ગાળા દરમિયાન ચૂંટણી કમિશનર રહ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન દેશને પાંચ વડાપ્રધાન મળ્યા હતા.

કચ્છને સ્પર્શે છે ત્યાં સુધી જમાડે ઇ જગડુશા ‘એ ઉક્તિ ચૂંટણીમાં ગ્રામ્યક્ષેત્રમાં સતત ગાજે છે અને આચારસંહિતાની ઐસી કી તૈસી કહીને આજેય ‘રસોડા’ ખોલી દેવાય છે પણ હવે એમાં તકેદારી રખાય છે અને નોંધપાત્ર બાબત એ છે કે, ચૂંટણીમાં મતદારોનો ‘વોટ’ ખરીદવા ‘નોટ’ની સાથોસાથ દારૂનું ચલણ એટલી હદે ફુલ્યું ફાલ્યું છે કે, જાણે દારૂબંધીના આખેઆખા કાયદાનું જ બાષ્મીભવન ન થઇ ગયું હોય ! ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં જ નશીલો પદાર્થ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા, ચોક્કસ જગ્યાએ ‘ડમ્પ’ દઇને ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાતી ‘ચેકપોસ્ટો’ને પણ મ્હાત કરી દેવાય છે. ચૂંટણીપંચ જેટલું સખત થાય રાજકીય પક્ષો એટલા વધુ શાણા થતા જાય છે.

આ મતદારો માટેની બધી જ લાલચ, વયવસ્થા પ્રચારનો જ ભાગ છે અને તમામ રાજકીય પક્ષો પાસે આ વ્યવસ્થા માટે માહેર ગણાતાે એક કુશળ વહીવટી વર્ગ છે કે જે ‘કીસીકો કાનોકાન ખબર તક નહીં હોગી’ અને વ્યવહાર સંપન્ન કરીને પ્રશ્ન કે ઉમેદવારની તરફેણ કરી આપે છે તેથી નિષ્પક્ષ ચૂંટણીના દાવા સામે પણ ઘણીવાર પ્રશ્નાર્થ લાગી જાય છે.

સોશિયલ મીડિયાનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે તેવા ગાળામાં ચૂંટણી આવી હોવાથી આ વખતે તો પ્રચારની પેર્ટન એટલી બદલાઇ છે કે, વાત ન પૂછો ! મોબાઇલ ક્રાંતિ અને નેટકનેક્ટિવીટીમાં આવેલા ઝડપી બદલાવનો લાભ રાજકીય પક્ષોએ ખાસ ટીમો ઊભી કરીને લેવાનું શરૂ કર્યું છે અને નેટ પર રીતસર ધમાસાણ મચી જાય છે, આવા ચૂંટણી પ્રચારની આજથી 10 વર્ષ પહેલાં કોઇએ કલ્પના પણ કરી નહીં હોય !

ચૂંટણી પંચ ઠેર-ઠેર ચેકપોસ્ટ ઊભા કરી રોકડ-દારૂની હેરફેર રોકી શકે પણ ખિસ્સે ખિસ્સે પડેલા પ્રચારના વિસ્ફોટક સાધન સમાન મોબાઇલને તો ક્યાંથી રોકી શકે ? જોકે તેના પર નિયંત્રણ માટેની જોગવાઇઓ છે પણ તેના અમલીકરણ માટે ટી.એન.શેષન જોઇએ જે નથી. રાજકીય પક્ષોએ પોત પોતાના પ્રચારની અલગ અલગ તરકીબો અમલમાં મુકી છે જેમાં કોઇ ભળતા જ નામના યજમાન ઊભા કરીને નવા વર્ષના સ્નેહમિલન રૂપે સ્વાદિષ્ટ વ્યંજનો પિરસવાની એક યોજના પણ શહેરોમાં અમલી છે.

અન્ય સમાચારો પણ છે...