નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટ્રાકટ બેઝ પર આયુષ ડોકટર સહિતના આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે પણ છેલ્લા બે માસથી પગારનો મુદ્દો ગૂંચવાયેલો ઉભો થયો છે.બે - બે મહિનાથી પગાર ન થતા કર્મચારીઓને હવે ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કચ્છ જિલ્લામાં પણ દસેય તાલુકામાં 400 થી વધુ હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં કોન્ટ્રાકટથી નિયુકત થયેલા આયુષ તબીબ,નર્સિંગ સ્ટાફ,ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતનાઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના તમામ એકાઉન્ટ સિંગલ નોડલ સિસ્ટમ હેઠળ આવરી લેવાની કામગીરી ચાલી રહી હોવાથી ગ્રાન્ટના રૂપિયા ન આવતા પગાર અટક્યા હોવાનું કહેવામાં આવે છે.અંદાજે અઢી મહિનો થવા આવ્યો છતા બે મહિનાના પગાર થયા નથી.
સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા કર્મચારીઓના પગાર થયા નથી જેથી સામાન્ય પગારદાર કર્મચારીઓની હાલત સાવ કફોડી થઈ ગઈ છે હજી પણ કર્મચારીઓના પગાર ક્યારે થશે તે બાબતે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઈ ફોડ પાડવામાં આવતો નથી પગાર ન થવાથી કર્મચારીઓના વેકેશન પણ બગડયા હોય તેવો ઘાટ સર્જાયો છે.એકતરફ મોંઘવારીના કારણે ઘરના બજેટમાં 4 થી 5 હજારનો ખર્ચ વધી ગયો છે તેમાંય બે - બે મહિનાથી પગાર ન આવતા કર્મચારીઓની માઠી બેઠી છે તેવો હવે એક જ સવાલ કરી રહ્યા છે કે પગાર ક્યારે થશે ? નવાઈ વચ્ચે જવાબ કોઈ પાસે નથી.
તાલુકા કચેરીએથી રિપોર્ટ મોડો પહોંચે છે
સૂત્રોએ જણાવ્યું કે,જિલ્લામાં કર્મચારીઓના પગાર માટે 20 થી 20 તારીખનો મહિનો કરી દેવાયો છે આ માટે કર્મચારીઓની હાજરી સહિતની વિગતો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં મહીનાની શરુઆતની તારીખમાં મોકલવામાં આવે છે જેથી મોડેથી પગાર થતા હોવાનું અને ગ્રાન્ટ હોય તો પણ તારીખ થી તારીખના બદલે મહિના પછી જ સેલેરી જમા થાય છે.બીજીતરફ સરકારી આરોગ્ય કર્મચારીઓના દર મહિને પગાર થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.