આદિપુરમાં રામબાગ રોડ પર દરરોજ હજારો વાહનોની અવરજવર છે ત્યારે અહીં જોખમી રીતે ફૂટપાથો પર દબાણ ખડકાઈ ગયા છે. મોટાભાગના માર્ગની ફૂટપાથ પર રાજકીય વગ ધરાવતા આગેવાનના રેસ્ટોરન્ટ તેમજ ફર્નિચરના દુકાનદારો દ્વારા માલસામાન ખડકીને માર્ગ સાંકડો બની ગયો છે. ત્યારે મહત્વના માર્ગ પર હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, સરકારી ક્વાર્ટર આવેલા હોવાથી અકસ્માતોનો ભય વધી રહ્યો છે. વહીવટીતંત્રને આ દબાણ અંગે જાણ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે તંત્ર જાણે ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવો તાલ ઊભો થઈ રહ્યો છે.
ગાંધીધામના ભારતનગરમાં થોડા દિવસ પહેલા એક ગાડી દુકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઇ હતી. આવી જ સ્થિતિ આગામી સમયમાં રામબાગ રોડ પર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રામબાગ હોસ્પિટલથી શરૂ થઇને સંતોષી માતા મંદિરના ચાર રસ્તા સુધીના માર્ગ પરની ફૂટપાથ જાણે દુકાનદારો માટે જ બની હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તો, આવી જ સ્થિતિ 64 બજારમાં જોવા મળી જાય છે.
લાંબા સમયથી આદિપુરની ફૂટપાથ પરના દબાણો અંગે ફરીયાદો ઉઠતી રહી છે. શહેરભરમાં તંત્ર જાણે ગાઢનિદ્રામાં હોય તેવી સ્થિતિ વચ્ચે દબાણ હટાવ ઝુંબેશની માંગ ઊભી થઈ રહી છે. શહેરભરમાં ફૂટપાથ પરના દબાણ કોઈ ગમખ્વાર અકસ્માતને નોતરે એ પહેલા પાલિકાતંત્ર કોઈ કામગીરી કરીને માર્ગો તથા ફૂટપાથ ખુલ્લી કરાવે તે જરૂરી બની ગયું છે.
પાલિકા એ કર્યો ફકત સરવે જ..!
આદિપુર સ્થિત ગાંધીધામ પાલિકા કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, આદિપુરમાં માર્ગ તથા ફૂટપાથ પરના દબાણો અંગે સરવે કરવામાં આવ્યો છે. જોકે, ઉચ્ચસ્તરેથી દબાણહટાવ કામગીરી અંગે કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તેવું પણ કહેવાઈ રહ્યું છે. ત્યારે પહેલા દિવાળીના તહેવાર અને બાદમાં ચુંટણીના કારણે કામ અટવાઈ ગયા હોવાની ચર્ચા વચ્ચે હવે દબાણ હટાવવા પાલિકા ગંભીર બને છે કે નહિ તે જોવાનું રહે છે.
તહેવારોમાં મંડપ બાંધીને વેપાર કરનારાની સમસ્યા
આદિપુરમાં દરેક તહેવારોના માહોલમાં માર્ગની નજીકમાં જ મંડપ બાંધીને માલસામાન વેચતા લોકોની સમસ્યા બહુ જ વ્યાપક છે. દિવાળીના સમયમાં આદિપુરમાં આવા 50થી વધુ મંડપ બંધાઈ ગયા હતા. હવે ઉત્તરાયણ નજીક જ છે ત્યારે માર્ગ પર મંડપ ખડકીને અકસ્માતને આમંત્રણ આપતા આવા હંગામી દુકાનદારો પર અંકુશ લગાવવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.