ભુજની ભાગોળે મીરજાપર રખાલ તરફથી આવતા પાણીને સંગ્રહી અને તેને તળાવ સ્વરૂપ રાજાશાહીના સમયમાં આપવામાં આવ્યું. ત્યાંથી કેનાલ વાટે હમીરસર તળાવમાં પાણી પહોંચાડવા સુદ્ધાંની વ્યવસ્થા તે સમયે કરવામાં આવી હતી. જેની સફાઈ માટે થોડા થોડા અંતરે કુવા બનાવવામાં આવતા તેને 24 કૂવાની આવ તરીકે ઓળખવામાં આવે છે.
આ તળાવ ફરીથી સુંદર અને ફરવાનું સ્થળ બની શકે તેવું રમણીય બનાવવા સતાધીશો આગળ વધી રહ્યા છે. પરંતુ 2011 માં ભુજમાં પૂર આવ્યું ત્યારે નજીકની સર્જન કાસા સોસાયટીના ઘરોમાં પણ પાણી ભરાયુ હતું. તેને નજર સામે રાખીને રહેવાસીઓએ ગુરુવારે સાંજે સુધરાઇ પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. તેમજ સ્થળ પર જઈ કઈ રીતે ઉકેલ આવે તે અંગે મુક્ત મને સૂચન કર્યા હતા.
સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ આર ઠક્કરની ઓફિસમાં સર્જન કાસાના પ્રતિનિધિ મંડળ, પ્રમુખ અને મુખ્ય અધિકારી જીગર પટેલે દરેક પાસા પર ચર્ચા કરી હતી. ઊમાસર જે તે સમયે પથ્થરની ખાણ હોવાથી અને કુદરતી ઓગન હોવાથી સોસાયટીમાં પાણી નહિ ભરાય તેવી આ જમીનના લેન્ડ ડેવલોપેન્ટ કરનાર પાર્ટીએ જમીન ઊંચી લીધી નહોતી.
ખૂબ વરસાદ આવતા 2011માં આ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રહેવાસીઓએ હાલ કુદરતી ઓગન છે તેને બે ફૂટ નીચો ઉતારવાનો મત વ્યક્ત કર્યો હતો. તો તકનિકી રીતે તે કેટલું શક્ય છે તે ઇજનેર દ્વારા લેવલ લઈ નિર્ણય લઈ શકાય તેવું પ્રમુખે કહ્યું હતું. વધુ વાસ્તવિકતા સ્થળ પર ગયા બાદ ખબર પડે તેવા સૂર સાથે બધા તળાવની મુલાકાત લીધી હતી.
જ્યાં પ્રશાસન તરફથી પ્રમુખે 24 કૂવાની આવમાં પાણી કઈ રીતે આવે તે વિચારવા પર ભાર મૂક્યો હતો. તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લામાં 75 તળાવ બનાવવા અપીલ કરી છે, ત્યારે તંત્ર આ તળાવને પુનર્જીવિત કરવા ગંભીરતાથી લઈને ઝડપ કરે છે. સોસાયટી તરફથી રમેશ ગરવા, પરેશ મકવાણા, રમેશ ઠક્કર, મનીષ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા. પ્રોટેક્શન વોલ બાબતે માંગણી કરી હતી, જે અંગે નિર્ણય લેવા કલેકટર નક્કી કરે તેવો એક અભિપ્રાય વ્યક્ત કરાયો હતો.
સોસાયટીમાં પાણી ન ભરાય તે માટે વ્યવસ્થા થઈ શકે : મુખ્ય અધિકારી
સર્જન કાસા સોસાયટીના રહેવાસીઓ એ તળાવનો વિરોધ નથી કર્યો, પણ તેમના ઘરમાં પાણી ન ભરાય તેના વિશે સુધરાઇ વિચારે તેવું જણાવતાં નગર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે એક ઉપાય બતાવ્યો કે જો, પ્રોટેક્શન વોલ બને અને ત્યાં સ્લૂઝ વાલ મૂકવામાં આવે તો તળાવ બાજુનું પાણી રોકી શકાય. સોસાયટીમાં પાણી ભરાય તો તે પણ તળાવ બાજુ વાળી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.