• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • When The Name And Amount Were Bid For The Construction Of The New Office, The Worker Asked C.R. Asked Patil Directly; "We Will Provide Funds But How Much Will You Give?"

કાર્યકરોમાં સોપો:નવા કાર્યાલયના બાંધકામ માટે કાર્યકરે સી.આર. પાટીલને સીધું પૂછી લીધું; ‘અમે તો ફંડ આપશું પણ તમે કેટલું આપશો?’

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ઘડી સન્નાટા બાદ તરત જવાબ અપાયો કે, ખૂટતી રકમ પ્રદેશ ભાજપ આપશે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ શનિવારે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવ્યા હતા, જેમાં ભુજ શહેરના ટાઉનહોલમાં કાર્યકર બેઠક દરમિયાન મીરજાપર પાસે 14000 ફૂટ જેલા બાંધકામવાળા કચ્છ ભાજપના નૂતન કાર્યાલયના નિર્માણ માટે દરેક કાર્યકરના નામ સામે દર્શાવેલી રકમના યોગદાનન માહિતી અપાતી હતી. જે પ્રસંગે ભરત સંઘવીએ સીધેસીધું સી.આર. પાટીલને પૂછી લીધું કે, અમે તો રકમ ફાળવશું પણ તમે કેટલી રકમ આપશો, જેથી બે ઘડી સન્નાટો છવાઈ ગયો હતો. પરંતુ, તરત જ જવાબ અપાયો કે, ખૂટતી રકમ પ્રદેશ ભાજપ આપશે.

શનિવારે આખો દિવસ પ્રદેશ ભાજપ અધ્યક્ષે કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીમાં નિર્ધારીત સવારે 9.30 વાગે કાર્યક્રમ હતો. પરંતુ, 3 કલાક મોડા પહોંચ્યા હતા. ત્યારબાદ કચ્છ ભાજપના નૂતન કાર્યાલયનું ભૂમિ પૂજન, બાઈક રેલી સહિતના કાર્યક્રમને કારણે ટાઉનહોલમાં રાખેલી કાર્યકર બેઠક પણ નિર્ધારિત 11.30 વાગ્યાને બદલે છેક અઢી વાગે શરૂ થઈ હતી. જે 4.30 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં કચ્છ ભાજપના નૂતન કાર્યાલયના નિર્માણ માટે કોણ કેટલું ફંડ આપશે એની રકમ સહિતની માહિતી અપાતી હતી.

સૌ પાસેથી તગડી રકમ વસુલાતી હતી. સીધું નામ બોલીને કોને કેટલી રકમ આપવાની છે એ આંકડો જ બોલાતો હતો. જેનાથી કેટલાક વાકેફ ન હતા. જે દરમિયાન ભાજપના કે અન્ય કોઈપણ કાર્યક્રમ દરમિયાન મંચ સુધી પહોંચી જતા ભરત સંઘવીએ સીધેસીધું પ્રદેશ ભાજપને જ પૂછી લીધું કે, અમને તો તમે કહેશો એ રકમ ફાળવવાની છે. પરંતુ, તમે કેટલી રકમ ફાળવશો, જેથી એક સમય શિસ્તનું પર્યાય ગણાતા ભાજપની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો વિચાર સુદ્ધા ન કરતા કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. જોકે, તગડી ફંડની રકમની ઉઘરાણી કરનારા પાસેથી જ ઉઘરાણી શરૂ થતા સ્થિતિ સંભાળતા કહેવાયું હતું કે, જે રકમ ખૂટશે એ પ્રદેશ ભાજપ આપશે. આમ, કાર્યાલય માટે ઉઘરાણું કરનારાને જ ઉઘરાણીની રકમ આપવાનો તાલ સર્જાયો હતો.

આમ આદમી પાર્ટીના 6 કાર્યકરો ભાજપી બન્યા
આમ આદમી પાર્ટીના ચિરાગ ધનજી પટેલ, વિપુલ બાબુલાલ પટેલ, ધર્મેન્દ્ર જયંતિ દેત્રોજા, રજત જયંતિ હળપાણી, હાર્દિક અમૃત સુથાર, જયેશ ચંદુભાઈ રૂડાણીએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

શહેર કોંગ્રેસના માજી પ્રમુખને ભાજપમાં પ્રવેશથી અટકળો
એક સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રહી ચૂકેલા અને છેલ્લે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનેલા રવિન્દ્ર ઉર્ફે રવિ ત્રવાડીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈએ કેસરીઓ ખેસ પહેરાવ્યો હતો. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે કેસરી ટોપી પહેરાવી હતી. એ સમયે વાસણભાઈ આહિર, દિનેશ ત્રિવેદી, વિનોદ ચાવડા પણ મંચસ્થ હતા.

વાસણભાઈને ના પાડ્યા બાદ અચાનક કોંગ્રેસીને પ્રવેશથી આશ્ચર્ય
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત કચ્છ આવેલા સી.આર. પાટીલની મુન્દ્રા રોડ પાસે સરપંચો અને કાર્યકરોની વિશાળ સભા યોજાઈ હતી, જેમાં વાસણભાઈએ પોતાના પ્રવચનમાં કોંગ્રેસીઓ ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે. એવું બોલી આગળ વધુ બોલે એ પહેલા જ તેમને અટકાવી દેવાયા હતા અને સી.આર. પાટીલે કહ્યું હતું કે, વાસણભાઈ, ભાજપના કાર્યકરો ઉપર વિશ્વાસ રાખો. આપણાને હવે કોંગ્રેસીઓને પ્રવેશ નથી આપવાનો. જે બાદ અચાનક નગરસેવક તરીકે પણ પરાજય પામેલા અને એવડું મોટું માથું ન ગણાતા રવીન્દ્ર ત્રવાડીને પ્રવેશ અપાતા આશ્ચર્ય ફેલાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કદાચ વાસણભાઈએ દિનેશ ત્રિવેદી પાસે રજુઆત કરી હશે અને દિનેશ ત્રિવેદીએ સી.આર. પાટીલ પાસે દબાણ કર્યું હોય. જે દબાણ લાવવામાં અને મનાવવામાં જ સમગ્ર કાર્યક્રમ 3 કલાક મોડું શરૂ થયું હોય. બીજી બાજું સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ અગાઉ વાસણભાઇ આહિર જિલ્લા ભાજપને વિશ્વાસમાં લીધા વિના સીધેસીધું કરવા ગયા હતા, જેથી બનીઠનીને બેઠેલા અંજારના કોંગ્રેસીને ત્યારે પ્રવેશ મળ્યો ન હતો.

અગ્રીમ હરોળના કાર્યકરો સાથે બેઠકે 3 કલાક મોડું કર્યાની અટકળો
પ્રાપ્ત વિગતો મુજબ પ્રદેશ ભાજપ અધ્યક્ષની સૌથી પહેલા અગ્રીમ હરોળના કાર્યકરો જોડે બેઠક યોજાવાની હતી, જેમાં લાંબી ચાલી હતી, જેથી 3 કલાક જેટલો લાંબો સમય વીતી ગયો હતો. જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી.

પરંતુ, સૂત્રોએ જણાવ્યું હતું કે, ફંડની તગડી રકમ નક્કી કરવા ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં 3 દાવેદારોમાંથી પટેલ દાવેદારને ભુજ મત વિસ્તારમાં ટિકીટ ફાળવવી કે માંડવી મત વિસ્તારમાંથી ટિકીટ ફાળવવી એ દરખાસ્ત ઉપરાંત માંગણી કરનારા કેટલાક કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં સમાવવા મુદ્દે વાદ વિવાદે મોડું કરાવ્યું છે. જોકે, એ માત્ર અટકળો અને અફવા જ ગણાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...