અભયમ:.... ને જ્યારે 12 વર્ષની તરૂણી મુંબઇથી ભુજ આવીને રેલવે સ્ટેશને છ કલાક બેઠી રહી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષમાં કચ્છમાં 1341 મહિલા સુધી પહોંચીને કરાઇ મદદ
  • ગંભીર કિસ્સાઓમાં મહિલાઓને સહાય
  • કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાન

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા અને મુશ્કેલીના સમયે મદદરૂપ થવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં એક-એક રેસ્ક્યુ વાન કાર્યરત છે. ગત એક વર્ષ દરમિયાન અભયમ દ્વારા જિલ્લામાં કુલ 1341 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર મદદ પહોચાડી સફળ કામગીરી કરવામાં આવી છે. એક કિસ્સામાં મુંબઈથી પ્રેમીને મળવા ભુજ આવેલી 12 વર્ષની તરૂણી છ કલાકથી ભુજના રેલવે સ્ટેશન પર બેઠી હતી. રેલવે કર્મચારી દ્વારા અભયમમાં જાણ કરતા તુરંત ઘટના સ્થળે પહોચી અભયમ દ્વારા તરૂણીને હંગામી આશ્રય આપી તેના પરિવારને સોપવામાં આવી હતી.

અભયમ્ હેલ્પલાઈનને સફળ આઠ વર્ષ પૂર્ણ થયા છે. જેમાં કચ્છમાં અભયમ હેલ્પલાઈન હેઠળ ગત એક વર્ષમાં કુલ 1341 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર મદદરૂપ બની છે. કચ્છમાં અભયમ મહિલા હેલ્પલાઈનમાં પશ્ચિમ કચ્છમાં કામગીરી કરતા કાઉન્સિલર ખુશ્બુ પટેલ, શિલ્પારાઠોડ અને ભુવા પૂનમ જયારે પૂર્વ કચ્છમાં કામગીરી કરતા નિરૂપા બારડ અને લક્ષ્મી ગુપ્તા દ્વારા 774 કિસ્સાઓમાં કુશળ કામગીરી કરી સમસ્યાનો સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. જયારે અન્ય 528 જેટલા ગંભીર કિસ્સાઓમાં મહિલાને મદદરૂપ થવા માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર અને સખી વન સ્ટોપ સેન્ટર સુધી લઇ જઈ કાર્યવાહી કરવામાં આવી છે.

ઝપાઝપી સમયે ફોન જોરથી હલાવતા હેલ્પલાઈન પર કોલ થઇ શકે : એપ્લીકેશનની વિશેષતા

  • મહિલાઓ માટે કટોકટીના સમયે મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવેલ અભયમ હેલ્પલાઈનના એપ્લીકેશનમાં ઘણી વિશેષતાઓ છે.
  • સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા મદદ મેળવી શકાય છે.
  • કટોકટીના સમયે ફોનને જોરથી હલાવતા ફોન કર્યા વગર મદદ મેળવી શકાય છે.
  • પીડિત મહિલાનું ગુગલ લેટ લોંગ સાથે ચોક્કસ સ્થળ મળી રહે છે.
  • મુશ્કેલીભરી સ્થિતિમાં મદદ માંગનાર મહિલાના પાંચ જેટલા સગા-સબંધીને પણ એસએમએસ દ્વારા થાય છે જાણ.
અન્ય સમાચારો પણ છે...