વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કરેલી પોતાની યુરોપ યાત્રા દરમિયાન ડેન્માર્કની મુલાકાત વેળાએ ત્યાંના રાણી માગ્રેથને કચ્છી રોગન કળાની કૃતિ ભેટ સ્વરૂપ આપી હતી. જેના અહેવાલો વિવિધ માધ્યમોમાં પ્રસારિત થયા હતા. ત્યારે શું છે આ રોગન કળા? જેના ખુદ વડાપ્રધાન આટલા ચાહક છે. તેમની વિદેશ યાત્રા પૂર્વે ખાસ કચ્છના નિરોણા ગામના અબ્દુલ ગફુર ખત્રીના પરિવાર પાસેથી આ કૃતિ તેમણે ઓર્ડર આપીને મંગાવી હતી.
એટલું જ નહિ આ પૂર્વે પીએમ મોદીએ તેમની વર્ષ 2014માં પ્રથમ અમેરિકાની મુલાકાત વેળાએ તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ કચ્છી રોગન કળાની કૃતિની ભેટ આપી હતી. તો 2006થી શરૂ કરવામાં આવેલી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પણ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન પધારતા વિદેશી મહેમાનોને આ રોગન કૃતિ આપવામાં આવતી રહી છે.
રોગન એ શું છે?
રોગન આર્ટ એક પરંપરાગત કાપડ પર કંડારવામાં આવતી ચિત્ર કળા છે. જેનો ઘણા વર્ષોથી કચ્છમાં લોકો ઉપયોગ કરતા આવ્યા છે. તેમજ આજે પણ અનેક પડકારો ઝીલ્યા બાદ રોગન કળા પોતાનું અસ્તિત્વ ટકાવવાની સાથે વિકાસની પાંખે સવાર થઈ છે. રાજાશાહી વખતે અમુક જ્ઞાતિની મહિલાઓ રોગન કસબના પહેરવેશ પહેરતી હતી અને ત્યારબાદ ઘર સજાવટ માટે તેનો ઉપયોગ થતો હતો. જ્યારે આજે રોગન આર્ટના વસ્ત્રો અને કૃતિઓ દેશ વિદેશમાં લોકો ખરીદતા થયા છે.
કેવી રીતે બને છે રોગન?
જિલ્લા મથક ભુજથી 40 કિલોમીટર દૂર ખાવડા તરફના માર્ગે આવેલા પાવર પટ્ટીના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ આમ તો અનેક હસ્તકળા ધરાવતું ગામ છે. પરંતુ અહીંના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરના કુલ 19 જેટલા એવોર્ડ મેળવનારા અબ્દુલ ગફાર ખત્રીના પરિવારના સુમારભાઈ ખત્રી સાથે વાત કરતા તેમણે વિસ્તૃત રીતે રોગન બનાવવાની સમજ આપી હતી.
સૌ પ્રથમ દિવેલને ગરમ કરી ઠંડુ કરવામાં આવે છે
રોગન એક ઘટ સ્વરૂપે કાપડ પર ચિત્ર ઉપસાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવતા કલર છે. આ કલર બનાવવા માટે સૌ પ્રથમ દિવેલ (એરંડીયું) તેલને એક પાત્રમાં ગરમ કરી બાદમાં ઠંડુ કરવામાં આવે છે. જે પ્રક્રિયા બે દિવસ સુધી દિવસ દરમિયાન સતત કરતા રહેવી પડે છે. જેના ત્રીજા દિવસે તે જેલી ફોમ તરીકે અસ્તિત્વમાં આવે છે. તેમાં ખાસ પ્રકારના 6 જેટલા કલરવાળા સ્ટોનને જમીનની લાદી પર ઘસીને તેનો ભુક્કો બનાવાય છે, જેને જેલી ફોર્મ સાથે મિશ્ર કરવામાં આવે છે અને બાદમાં ફરી પાણી ભરેલા ડબ્બામાં ઉમેરી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ વોટરપ્રુફ અને પ્રકાશપ્રુફ રોગન તૈયાર થાય છે.
A4 સાઈઝની કૃતિને 3થી 10 દિવસનો સમય લાગે છે
રોગન તૈયાર થઈ ગયા બાદ કલાકાર દ્વારા વિવિધ પ્રકારના કાપડ પર જીવંત ચિત્રો ઉપસાવવામાં આવે છે. જેમાં શુદ્ધ કોટન કાપડ, ખાદી સિલ્ક, ટસર સિલ્ક અને રો સિલ્ક પર સુંદર આકૃતિ કંડારવામાં આવે છે. A4 સાઈઝમાં બનાવવામાં આવતી કોઈ એક ચિત્ર કે આકૃતિ બનાવતા કલાકારને 3થી 10 દિવસ સુધીનો સમય લાગે છે. ખૂબીની વાત એ છે કે ચિત્ર ઉપસાવતા પહેલા કાપડ પર કોઈ જ આકૃતિ દોરવામાં નથી આવતી. તેમજ સીધું જ મગજ અને હૃદયના સમન્વય થકી હાથ વડે કાપડ પર રંગોને ઉતારી ચિત્ર બનાવવામાં આવે છે. જેને એક પ્રકારે જીવંત ચિત્ર પણ કહી શકાય, કારણ કે તેમાં ભૂલનો કોઈ જ વિકલ્પ રહેતો નથી. સંપૂર્ણ સમર્પિત ભાવ સાથે કૃતિ તૈયાર કરવામાં આવે છે.
પરિવારની આઠમી પેઢી આ કળા ક્ષેત્રે હાલ સક્રિય
સુમાર ખત્રી સાથે આગળ વાત કરતા જાણવા મળ્યું હતું કે રોગન કલા વર્ષો જૂનો કસબ છે. તેમના પરિવારની આઠમી પેઢી આ કળા ક્ષેત્રે હાલ સક્રિય છે. કચ્છની વાત કરવામાં આવે તો 60 વર્ષ પૂર્વે કુલ 4 પરિવારમાં રોગન કળા હતી. જેમાં નિરોણા ગામમાં બે પરિવાર છે. ભુજના ખાવડામાં એક અને ભચાઉ તાલુકાના ચોબારી ગામનો એક પરિવાર રોગન કલા ધરાવતો હતો. આજે અહીં આ કસબ હયાત છે.
લોકો રૂ. 2 હજારથી લઇને રૂ. 10 હજારની કૃતિ ખરીદે છે
જો કે તે સમયે થતું રોગન જાડું અને થોડું રફ હોતું. તેનો મુખ્યત્વે મહિલાઓ પહેરણના ઘાઘરા અને ઘર સજાવટ માટે ઉપયોગ કરતી હતી. જ્યારે આજે રોગનને આર્ટ તરીકે લોકો સ્વીકારી રહ્યા છે અને રૂ. 2 હજારથી લઈ રૂ. 10 હજાર સુધીની રોગન કૃતિ ખરીદી રહ્યા છે. આ માટે અમારી વેબસાઈટ પણ છે અને વોટ્સએપ મારફતે પણ તેનું વેચાણ કરી રહ્યા છીએ.
ઓબામાને આપેલી કૃતિ બાદ કળા વિખ્યાત બની
અલબત્ત એક સમયે કચ્છમાં પડતા દુષ્કાળના સમયે આ હસ્તકળા નામશેષ થવાના આરે પહોંચી ગઈ હતી. રોગન પર આધારિત પરિવારને ખાવા પીવાના પણ સાંસા હતા. ત્યારે વર્ષ 1985માં અબ્દુલભાઇ અને તેમના પરિજનોને રાજ્ય સરકારની ગુર્જરી કલા અંતર્ગત રોગન કળાનો ઓર્ડર મળ્યો હતો અને સાટા-બાટા વ્યવસ્થાના સમયે તેમને બળ મળ્યું અને તેમાં ફરી સક્રિય બન્યા હતા.
અંતે 2006 દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી અને તેમને મળ્યા બાદ તેમને ઓર્ડર મળ્યા અને આ કળાનો પ્રચાર થયો હતો. ખાસ કરીને વર્ષ 2014માં અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાને આપેલી રોગન કૃતિ બાદ આ કળા જગ વિખ્યાત બની હતી અને આજે જગ પ્રિય બનવા તરફ આગળ વધી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.