સરહદી જિલ્લા કચ્છમાં સૌથી વધુ પશુધન છે તેવા બન્ની વિસ્તારમાં પાણી માટે કાયમ કચવાટ રહેતો હોય છે. પાણી પુરવઠા દ્વારા 1985 માં પાઇપલાઇન બીછાવામાં આવી હતી તેને 2005માં ફરીથી નંખાઈ, પરંતુ માઈલ્ડ સ્ટીલના પાઇપ હોવાથી કાટ લાગવાને કારણે સપ્લાય પર અસર પડતી હતી. ગત ડિસેમ્બર 2021 માં નવી પાઇપલાઇન કુકમા સંપથી ભિરંડીયારા સુધી મુખ્ય અને શાખા પાઇપનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે આ માસના અંતે પૂર્ણ થતા કુલ 290 કિમીની એક્સપ્રેસ પાઇપલાઇન દ્વારા છેવાડાના ગામ સુધી નિર્વિઘ્ને પાણી પહોંચાડી શકાશે.
2011 ની વસ્તી ગણતરી મુજબ બન્ની પચ્છમ વિસ્તારમાં 1.11 લાખ માનવ વસ્તી સામે 1.98 લાખ પશુધન હતું. મતલબ અંદાજે બમણા પશુઓ ધરાવતો આ વિસ્તાર ઘાસચારાને લઈને તો સમૃદ્ધ છે પરંતુ પાણી માટે કાયમી તંગી અનુભવતો વિસ્તાર છે. હવે એક્સપ્રેસ પાઇપલાઇન શરૂ થતા ઘણા અંશે રાહત થશે. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.જી. રામાનુજે આપેલી માહિતી મુજબ કુકમા સંપથી ધર્મશાળા સુધીના આ વિસ્તારમાં પાણીની ખપત 2.25 કરોડ લિટર પ્રતિદિન છે, તેની સામે 1.75 કરોડ લિટર પુરવઠો આપવામાં આવે છે.
બાકી 0.50 કરોડ લિટર સ્થાનિક બોર તેમજ ડેમમાંથી પૂર્તતા કરવામાં આવે છે. હાલ જે કામ આ માસના અંતે પૂર્ણ થવાનું છે તેમાં 169 કિલોમીટર પીવીસી અને 129 કિલોમીટર ડી.આઇ.ની પાઇપ લાઇન 90 mm થી 250 mm વ્યાસના પાઇપ ફિટ કરવામાં આવ્યા છે. જેને કારણે પાણી સપ્લાય કરવામાં થતો અવરોધ નિવારી શકાશે.
સરકાર પાણી વિતરણ માટે માત્ર માનવ વસ્તીની ગણતરી કરે છે
ભુજ તાલુકાનો બન્ની અને પચ્છમ વિસ્તાર માનવ વસ્તી કરતા બમણું પશુધન ધરાવે છે. સરકાર દ્વારા પાણી વિતરણની એક એવો અંદાજ કરવામાં આવે છે કે, પ્રતિદિન એક વ્યક્તિને 100 લીટર પાણી મળવું જોઈએ. માટે જે કોઈપણ યોજના અમલી બને તેમાં માત્ર માનવ વસ્તીના આંકડા ગણવામાં આવે છે પશુઓને માનવ કરતા પણ વધુ પાણીની જરૂરત હોય છે પરંતુ પાણી પુરવઠા વિભાગને વિતરણ કરવા માટે તે વસ્તી ધ્યાને લેવામાં ન આવતી હોવાથી પણ પાણીની ખેંચ ઉભી થાય છે.
બન્નીમાં પાણીની એક હજાર કિમીથી વધુ લંબાઈની પાઇપલાઇન
કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ વિશાળ જિલ્લો છે. તેમાં ભુજ તાલુકાના બન્ની અને પચ્છમ વિસ્તાર કિલોમીટરોમાં ફેલાયેલો છે આ વિસ્તારમાં નાના ગામો ઉપરાંત અનેક વાંઢ આવેલી છે. દરેક સુધી પાણી વિતરણ કરવું અશક્ય છે આમ છતાં એક હજાર કિલોમીટરથી વધુ લંબાઈની પાઇપલાઇન પથરાયેલી છે. પાણી પુરવઠા દ્વારા વધુને વધુ અંતરિયાળ ગામો સુધી વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ છે. માલધારીઓની વસાહત એવા અહીં પશુઓ બમણાથી વધુ હોવાને કારણે પાણીની બૂમ દર ઉનાળાની શરૂઆતથી જ ઉઠતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.