પાણીની ભયંકર કટોકટી:કચ્છના 3 પાડોશી જિલ્લા સહિત સિંધમાં પાણીની અછત; આ પાર કે પેલે પાર બન્ને દેશોમાં પાણીની અછત

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાયકાનો સૌથી કપરો ઉનાળો, સર્વત્ર પાણીની પડોજણ
  • સામેપાર પાકિસ્તાનના બદિન, થટ્ટા અને સુજાવલ જિલ્લામાં પશુઓ તો ઠીક લોકોને પીવાના પાણી માટે ફાંફાં, કેનાલો પર રેન્જર્સને તૈનાત કરાયા

કચ્છના સરહદી ગામોમાં હાલ પાણીની ભયંકર કટોકટી ઊભી થઇ છે. તેવી જ પરિસ્થિતિ સામે પાર છે ! એટલે કે કચ્છને અડીને આવેલા પાકિસ્તાના બદીન, થટ્ટા અને સુજાવલ જિલ્લામાં પાણીની ભયંકર તંગી ઊભી થઇ છે. છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હોવાનું કહેવાય રહ્યું છે. પશુઓ તો ઠીક લોકોના પીવાના પાણી માટે ફાંફાં પડી રહ્યાં છે. સ્થિતિ એઠલી ખરાબ છે કે પાણીની કેનાલો પર પાકિસ્તાની રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા છે. પોતાના પાકને બચાવવા ખેડૂતો વિવિધ શહેરોના માર્ગો પર ઉતરી પાણીની માંગ કરી રહ્યા છે.

કરાચી, થટ્ટા અને આસપાસના વિસ્તારો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત - કીંજાર તળાવ છે. જ્યાં આ વર્ષે પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે. પાકિસ્તાનના વિવિધ સમાચાર માધ્યમો પ્રમાણે હાલ આ પ્રાંતો 42 ટકા પાણીની અછતનો સામનો કરી રહ્યા છે અને ખેડૂતોને ભય છે કે જો એક અઠવાડિયામાં પાણી છોડવામાં નહીં આવે તો તેમનો ખરીફ પાક પામશે.

બદીનના દરિયાકાંઠાના વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે કે “ક્યાંય પાણી નથી.” “અમારી પાસે અમારા ઢોર માટે પણ પાણી નથી. અમારી પાસે પીવા માટે પૂરતું પાણી નથી. બદીન, થટ્ટા અને સુજાવલ સહિતના દરિયાકાંઠાના પટ્ટાના રહેવાસીઓ પહેલાથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે પરંતુ આ સિઝનમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. થટ્ટા પ્રાંતના નીચલા ભાગો જ નહીં, સિંધના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે.

સિંધના સિંચાઈ વિભાગના જવાબદારો લાચાર છે. તેઓ કહી રહ્યા છે કે ગયા વર્ષે પ્રાંતમાં લગભગ 22 ટકા પાણીની અછત હતી. આ વર્ષે 42 ટકા પાણીની અછત છે. સિંધના નગરોમાં પીવાના પાણીની અછત છે. કિંજર તળાવમાં પાણીનું સ્તર 40 ફૂટ સુધી ઘટી ગયું છે. “ડેડ લેવલ 42 ફૂટ છે અને જો તળાવમાં પાણી છોડવામાં નહીં આવે, તો સૌથી ખરાબ પ્રકારની પરિસ્થિતિ હશે થશે. સિંધુ નદીમાં પાણીની અછતને કારણે સિંધના તમામ નાના અને મોટા શહેરોમાં પાણીનો સંગ્રહ ભયજનક સ્તરે પહોંચી ગયો છે. ​​​​​​​નોંધનીય છે કે “સિંધ નદીના પાણી પર નિર્ભર છે. જ્યારે પંજાબ પાસે ભૂગર્ભ જળ જેવો અન્ય વિકલ્પો છે.

ખેડૂતો અને સિંચાઈ વિભાગના અધિકારીઓનો દાવો છે કે છેલ્લા 10 વર્ષમાં આ વર્ષે પાણીની તંગી સૌથી વધુ છે. ખેડૂતોએ કહ્યું કે સિંધમાં ખરીફ સિઝન શરૂ થઈ ગઈ છે અને પાણીની અછત તેમને આર્થિક રીતે ખરાબ સ્થિતિમાં ધકેલી દેશે. તેઓએ સિંધ સરકાર પાસે પાણીની તંગીનો મામલો તાત્કાલિક ધોરણે ફેડરલ સરકાર સાથે ઉઠાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન સિંધના વિવિધ વિસ્તારોમાં પાણીની ચોરી રોકવા માટે રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

સિંધને પોતાના હિસ્સાનું પાણી ન મળ્યું: સિંધ મુખ્યમંત્રી
સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે કહ્યું હતું કે પ્રાંતમાં પાણીની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. તેઓએ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે “અમને (સિંધ) પોતાના હિસ્સાની સામે 40 ટકા ઓછું પાણી મળ્યું જેના કારણે કપાસના પાકને અસર થઈ છે. પાણીનું વિતરણ ન્યાયપૂર્ણ રીતે કરવામાં આવતું નથી. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં પીપીપીની સરકાર દરમિયાન પ્રાંતમાં પાણીની અછત નહોતી.

પાકિસ્તાનના પંજાબ પ્રાંત સામે ઉઠતો રોષ
સિંધમાં પાણીની અછતના પગલે ફરી આ વિસ્તારના લોકો પાકિસ્તાનના પંજાબ પ્રાંત સામે રોષે ભરાયા છે. પહેલેથી જ સિંધને અનેક બાબતોમાં અન્યાયનો સામનો કરવો પડે છે. તેવામાં સિંધુ નદીના પાણીમાં પણ પંજાબ વધારે લાભ લઇ જતો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેના પગલે સોશિયલ મીડિયામાં સિંધના લોકો પંજાબ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.​​​​​​​

સિંધમાં કેનાલોનું વિશાળ નેટવર્ક છતાં આવી સ્થિતિ
એક સમય એવો હતો કે જ્યારે કચ્છમાં સિંધુ નદી વહેતી હતી. જોકે સામેપાર સિંધુ નદી આજે પણ લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. સિંધમાં આટલા વર્ષોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે કેનાલોનું વિશાળ નેટવર્ક ઊભુ કરાયું છે. કચ્છ સરહદની લગોલગ પણ આ કેનાલો આવેલી છે. પરંતુ હાલ સિંધુ નદીમાં જ પાણી ઘટી ગયુ હોવાથી આ કેનાલો પણ ખાલીખમ છે.

અન્ય સમાચારો પણ છે...