ભર ઉનાળે પાણી માટે પોકાર:નખત્રાણાના તલ-લૈયારીમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, હિજરત કરવી પડે તેવી સ્થિતીનું નિર્માણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુ અવાડાઓ પાણી વિના સૂકા બની જતાં માલધારીઓને પાણી માટે હાલાકી

નખત્રાણા તાલુકાના તલ-લૈયારી વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાથી હાલાકી પડી રહ્યાની ફરિયાદ ગામના લોકોએ કરી છે. ભર ઉનાળે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. મહિલાઓને ઘડાઓ-ટાંકીઓ લઈને દૂરદૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને લૈયારીમાં પાણી મુદ્દે હાલત ખરાબ છે. અહીં પાણી મળે છે પરંતુ રાત્રીના સમયે અને અપૂરતા પ્રમાણમાં જેના કારણે પાણીની તંગી સર્જાતી રહે છે.

લૈયારી ગામમાં પાણી માટે હિજરત કરવાની સ્થિતિ ઊભી થઈ

તલ-લૈયારી ગામના આગેવાનો જત અયુબ તુરપીયા, જત હાજી અબ્દુસ્સલામ, જત અલાના હાજી નાથુ, જત આરબ મિલણ, જત અમીન ખમીશા, જત અબ્બાસ અમીન અને અબુબકર જતના જણાવ્યા મુજબ ઉનાળાની શરૂઆત સાથે જ તલ-લૈયારી-ફુલાયમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જેમાં તલ-લૈયારી-ફુલાય વિસ્તાર પશુ પાલન વ્યવસાય માટે જાણીતો છે. ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે ગામડાના માલધારીઓ રખડી રહ્યાં છે. દર વર્ષે ઉનાળામાં દરમિયાન પાણીની સમસ્યા ઉદભવતી રહે છે. ગ્રામજનોએ એમ પણ કહ્યું હતું કે હજુ ઉનાળો પૂર્ણ થવાનો સમય બાકી છે ત્યારે પશુ પાલકોને પોતાનો માલ-ઢોરના નિભાવને લઈ હિજરત કરવાની ફરજ પડી છે.

લૈયારી ગામમાં 2500 લોકોની વસ્તી છે અને 6500 જેટલું પશુધન આવેલું છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી ઘાસ અને પાણીની તંગીના કારણે ભારે સમસ્યા સર્જાઈ છે. જેના કારણે માલધારીઓ ચિંતિત બન્યા છે. જો કે ગામની મહિલાઓ હાલ ગામના ટાંકાઓ બનાવેલા છે ત્યાંથી પાણી ભરીને તરસ છીપાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...