જ્યાં વર્ષો સુધી દુષ્કાળ પડતા હોય કે વરસાદ ઓછો પડતો હોય છે ત્યારે પાણી માટે જનજીવન અને અબોલ પશુ, પક્ષીઓને પોતાના જીવનના અસ્તિત્વ માટે ખુબ સંઘર્ષ કરવો પડતો હોય છે.
અહીંયા કચ્છના છેવાડાના આંતરિયાળ ગામ એવા કોટડા મઢ ગામની નજીક આવેલ મમરા તળાવની વાત કરતા 75 વર્ષના હાજીયાણી હવાબાઈ જણાવે છે કે વર્ષો પહેલાં જયારે સાત સાત દુષ્કાળ પડતા તો પણ આ તળાવમાં પાણી ખૂટતું જ ન હતું તે સમયે કોટડા મઢ ઉપરાંત કંઢોરા ગામના લોકોનો પાણીનો એક માત્ર સ્ત્રોત માત્ર મમરા તળાવ હતું. નર્મદા પાણી પુરવઠાનું પાણી કચ્છમાં પહોંચ્યું ન હતું ત્યારે કોટડા મઢ, કંઢોરા ગામના લોકો પીવાના પાણીનો ઉપયોગ આ તળાવ માંથી કરતાં હતા.
વરસાદના પાણીથી ભરાતા આ તળાવની આજુ બાજુ ક્ષારીય પટ હોવા છતાં પાણી મીઠુ પીવાલાયક અને એકદમ સ્વચ્છ રહે છે. અત્યારે પણ ઉનાળાના છેલ્લા દિવસોમાં પાણીની તખલીફ હોય, લાઈનમાં પાણી ન આવે ત્યારે ગામલોકો મમરા તળાવનું પાણી પીવા માટે વાપરે છે.અત્યારે ઉનાળાના આકરા તાપમાં દરરોજ પાંચસો-સાતસો પશુઓને આ તળાવનું પાણી પીને રહે છે. ગામજનો રમઝાન માસમાં રોજા છોડતી વખતે આ પાણીને પીવું ઉત્તમ માને છે. કોઈ ચામડીનો રોગ થયો હોય તો આ તળાવના પાણીથી ન્હાવાથી રોગ મટી જાય છે અેવી વાયકા છે.
મમરા તળાવની વાત કરતા એક જુબાની એવી પણ છે કે અહીં તળાવમાં કોઈ ન્હાવા કે કપડાં ધોવા જતાં નથી. પશુઓ અને પ્રાણીઓ પણ આ તળાવમાં ન્હાતા નથી. ફક્ત પાણી પી ને જ બહાર નીકળી જાય છે. કોઈ કુદરતી હાજત માટે તળાવનો પ્રત્યક્ષ ઉપયોગ કરી શકતું નથી.
ગામ લોકો આ તળાવના પાણીને ગળણીથી ગાળતા પણ નથી, લોકવાયકા છે કે જે કોઈ જીવ આ તળાવમાં ન્હાય, કપડાં ધોવે કે પાણીનો બગાડ કરે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. અત્યંત શુષ્ક અને વેરાન ભૂમિ પર પાણીનો એક માત્ર સ્તોત્ર મમરા તળાવ જે કોટડા મઢ ગામ માટે કુદરતની દેન છે. જેણે હંમેશા વિકટકાળે કેટલીય જિંદગીઓને જીવંત રાખી હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.