વાગડ વિસ્તારના રાપર તાલુકાના આડેસર ગામે ગત તા. 25 નવેમ્બરના રોજ આરોપી પતિ તેની પત્નીનું બેરહેમીપૂર્વક ખૂન કરી ફરાર થઈ ગયો હતો. આ હત્યા તેણે ફોન પર સતત વાત કરતી પત્નીને કોઈ શખ્સ જોડે લફરું છે તેવું માની કરી હતી. પતિએ પત્નીનો મોબાઈલ ફોન લઈ તેની પાસે મોબાઈલનો પાસવર્ડ માગ્યો હતો, જેણે પાસવર્ડ આપવાની ના કહેતા શખ્સે ઉશ્કેરાઈને પત્નીનું ગત તા. 25 નવેમ્બર, 2021ના રોજ કુહાડી વડે પત્નીનું માથું ધડથી અલગ કરી નાખી, એક આંગળી પણ કાપી નાખી હતી. જેથી ક્રૂરતાપૂર્વક હત્યા કરીને નાસી ગયાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ હતી. ફરાર આરોપીની અમદાવાદના સરખેજમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.
હત્યાના કેસમાં નાસતાં ફરતા વોન્ટેડ પતિ હિતેશને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજમાંથી પકડી પાડ્યો છે. આ ગુના બાબતે આરોપી સરખેજમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછતાછમાં તેણે જણાવ્યું કે હંસાના ચારિત્ર્ય પર શંકા હોઈ મોબાઈલનો પાસવર્ડ આપવા બાબતે રાત્રે તેને ઝઘડો થયો હતો. આખી રાત તે જાગ્યો હતો. સવારે નોકરી પર જવા તૈયાર થતો હતો ત્યારે હંસા સૂતી હતી. નિદ્રાધીન હંસાને જોઈ તે એકાએક ઝનૂની બની ગયો હતો. તેણે નિદ્રાંધીન હંસાને માથામાં કુહાડી ઝીંકી બેહોશ કરી દીધી હતી.
ત્યારબાદ તેની લાશનું કુહાડીથી ગળુ કાપી ધડથી અલગ કરી દીધું હતું. હંસાએ પહેરેલી સોનાની વીંટી ના નીકળતાં તેણે તેની એક આંગળી કાપી નાખી હતી. હિતેશ ચોરી કરવાની વૃત્તિ ધરાવે છે. અગાઉ તે ચોરીના બે ગુનાઓમાં સાણંદ પોલીસના હાથે ઝડપાયો હતો. પત્નીનો ફોન અમદાવાદના લાલ દરવાજા ખાતે વેચી મારીને તે મુંબઈ જતો રહ્યો હતો. ત્યારબાદ થોડોક સમય મોરબી આવીને રોકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.