મેળો જામ્યો:વાગડનો સુપ્રસિદ્ધ રવેચી માતાજીનો ભાતીગળ મેળો પરંપરાગત રીતે ભરાયો, લોક સંસ્કૃતિ ખીલી ઉઠી

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ રાત્રીએ નામાંકિત કલકરોની સંતવાણી યોજાઈ
  • મનોરંજનના સાધનો, ખાણીપીની અને વિવિધ ખરીદીની લોકોએ મોજ માણી

વાગડના રાપર તાલુકામાં આવેલા રવ ગામ નજીકના પૌરાણિક યાત્રાધામ રવેચી માતાજીના મંદિર ખાતે આજે ભાદરવા સુદ આઠમના દિવસે પરંપરાગત ભાતીગળ મેળો ભરાયો છે. જેમાં સ્થાનિક સાથે સમગ્ર કચ્છ અને મુંબઇ વસતા ભાવિકો ખાસ માતાજીના દર્શને આવી પહોંચ્યા છે. કોરોના કાળ બાદ આ વર્ષે ખરા રૂપ માં મેળો આકાર પામ્યો છે. મેળા અંદર વાગડ વિસ્તારના ગ્રામીણ લોકો પોતાના પરંપરાગત પ્રાદેશિક વસ્ત્રો અને મોંઘાદાટ ઘરેણાઓ પહેરી મેળો મહાલવા ઉમટી પડ્યા છે. જેને લઈ એક સ્થળે વિવિધ લોક સંસ્કૃતિના પણ દર્શન થઈ રહ્યા છે. મેળા નિમિતે અનેક વિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા છે.

મેળાની પૂર્વ રાત્રીએ ગૌ સેવાના લાભાર્થે સંતવાણી યોજાઈ
પૂર્વ રાત્રીએ ગાયોના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં રૂ. 7 લાખની રકમ એકઠી થઈ હતી. તો આજે વહેલી સવારથી મેળો માણવા માટે કચ્છ, વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અનેક સ્થળોએથી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. લોકોએ ખાણીપીણ ના સ્ટોલ, રમકડાં, ચકડોળ, મોતનો કુવો, નાટક તથા અન્ય મનોરંજનના સાધનોની મોજ માણી રહ્યા છે. રાપર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. મેળા દરમિયાન માતૃશ્રી કાનીબેન સેજપાર કરમચંદ પારેખ પરિવાર દ્વારા ઠાકરશી પારેખના સ્મરણાંરથે છાશ કેન્દ્ર રાખવામાં આવ્યું છે. આ સેવા પારેખ પરિવાર દ્વારા છેલ્લા એકવીસ વર્ષ થી રાખવામાં આવી રહી છે. મેળામા મહંત ગંગાગીરીજીના માર્ગદર્શન હેઠળ રવેચી મિત્ર મંડળના કાર્યકરોએ આયોજન વ્યવસ્થા જાળવી છે.

મેળામાં વિદેશી નાગરિકો પણ જોવા મળયા
કાયદો અને વ્યવસ્થા જાળવવા બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની અધ્યક્ષતામાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી એસઓજી પીઆઈ એસ. એમ. ગડુ તથા રાપર પોલીસના જવાનો ચુસ્તપણે ફરજ બજાવી રહ્યા છે. જીલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ઉમેશ સોની, રવિલાલ પારેખ, મેહુલ જોશી, લાલજી કારોત્રા, ભિખુભા સોઢા, હઠુભા સોઢા, વાલજી વાવીયા, નિલેશ માલી, શૈલેષ ચંદે, ધર્મેન્દ્ર શિયારીયા, ભાવિન કોટક મુળજી પરમાર સહિતના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મેળો માણવા અને લોક સંસ્કૃતિ નિહાળવા તથા કેમરાના કચકડે આ દ્રષ્યોને કંડારવા સ્થાનિક સાથે ફ્રાંસ, યુએસએ ઇટલી, બ્રિટિનના વિદેશી નાગરિકો પણ જોવા મળયા હતા.

અન્ય સમાચારો પણ છે...