સુવિધા:આડેસરથી હળવદનો રણરસ્તો પુનર્જીવિત કરાય તો વાગડ અને ઝાલાવાડને થશે બહુવિધ ફાયદા

ગાગોદર3 દિવસ પહેલાલેખક: દિલીપ પંચાલ
  • કૉપી લિંક
  • એકલ-બાંભણકાના રણ માર્ગને આખરી મંજૂરી મળી ગઇ છે ત્યારે સરકાર ઘૂડખર અભયારણ્યનું બહાનું આપે છે, ગીરમાં જંગલ વચ્ચેથી છે રસ્તો અને રેલ માર્ગ !

ભચાઉ તાલુકાના એકલ માતાથી ખડીરના બાંભણકા સુધીના મહત્વપૂર્ણ માર્ગને તાજેતરમાં જ વહીવટી મંજૂરી મળતાં વાગડના જ અન્ય એક રણમાર્ગ માટે સરકાર વિચારણા આદરે એવી હિમાયત થઇ રહી છે. આ રસ્તો છે રાપર તાલુકાના આડેસરથી મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાઓને સાંકળતા ટીકર-હળવદ સુધીનો.

રાજ્ય સરકાર આ વિસ્તાર ઘૂડખર અભયારણ્ય હેઠળ આવતો હોવાનું કહી અચકાટ અનુભવે છે પણ ગીરમાં તો જંગલ વચ્ચેથી રસ્તો અને રેલમાર્ગ પસાર થાય જ છે ને. અહીંના લોકો આ દલીલ આગળ ધરવા સાથે એમ પણ કહે છે કે કચ્છના આ નાના રણમાં અભયારણ્ય વચ્ચે હજારો એકર જમીનમાં મીઠાના કારખાનાઓ ચાલે છે, જ્યાં હિટાચી જેવા મશીનો પણ કાર્યરત છે. કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીના સાંસદો, ધારાસભ્યોએ રણમાર્ગની મંજૂરી માટે સરકારમાં સબળ રજૂઆત કરવી જોઇએ.

મોરબી સિરામીક ઉદ્યોગને લાભ: અન્ય માલપરિવહન સરળ બને !
મોરબીના સિરામીક ટાઇલ્સ ઉદ્યોગ માટેનું રો-મટિરીયલ વાગડમાં મળી રહે છે. મોરબી જિલ્લાના હળવદને જોડતો નાના રણનો રસ્તો સાકાર થાય તો ઉદ્યોગને ફાયદારૂપ બની શકે. માલ પરિવહન કરતાં અન્ય વાહનોનો વ્યવહાર અનુકુળ બને.

વાગડના વાહનો 8 મહિના રણ માર્ગેથી આવન-જાવન કરે છે
કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી હળવદ સુધી રણ રસતો ફરી વિકસાવાય તો લોકોનો સમય અને નાણા બચી શકે. અત્યારે પણ વાગડના અનેક લોકો આડેસર-પલાંસવાથી રણમાર્ગે ખાનગી વાહનો આઠ-મહિના અવરજવર કરે છે. ફક્ત ચોમાસામાં નાના રણમાં પાણી ભરાઇ જતાં રણમાર્ગ બંધ થઇ જાય છે. જેવું પાણી ઓસરે કે તરત આ માર્ગ પર વાહનો દોડતા જોવા મળે છે. આમ ચાર માસ બંધ રહે છે. રોડ બનતાં આ રૂટ બારમાસી બની જાય.

ધ્રાંગધ્રાથી ચિત્રોડની બસ રણ રસ્તે દોડતી હતી
કચ્છના કોઇ લોકોને ભાગ્યે જ ખબર હશે પરંતુ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી વાયા હળવદ-ટીકરથી રણ માર્ગે કચ્છના વરણુ, આડેસર, પલાંસવા, ગાગોદર થઇ ચિત્રોડ આવતી. અહીં રાત્રી રોકાણ કરી સવારે એજ રસ્તે પરત જતી. સાંય ગામના બુઝુર્ગ ખુમાણસિંહ જાડેજાએ જણાવ્યું કે દાયકાઓ પૂર્વે અમે આ રૂટ પર એસ.ટી. બસની મુસાફરી કરી છે તે સમયે ચિત્રોડથી ધ્રાંગધ્રાનું ભાડું દસથી બાર રૂપિયા જેટલું હતું. બસ હેન્ડલ મારીને ચાલુ કરવામાં આવતી.

ધોળાવીરાના પર્યટકોને અંતર અને ખર્ચ ઘટી જાય
ગુજરાતના અન્ય પ્રદેશોના પર્યટકોને જો વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લેવી હોય તો અત્યારે વાયા સુરજબારી, સામખિયાળીથી ચિત્રોડ, રાપર થઇને જવું પડે છે, એના બદલે અમદાવાદ-ધ્રાંગધ્રા હઇાવેથી આવતા વાહનો સીધા હળવદ પછી ટીકર, આડેસરના રણ માર્ગે આવે તો અંદાજીત 100 કિ.મી.નું અંતર તેમના માટે ઘટી જાય.

તો વાગડના ધર્મસ્થાનો ધબકી ઉઠે
સુરેન્દ્રનગર જિલ્લાના-ઝાલાવાડના લોકોને વાગડના રવેચી મોમાઇમોરા, વ્રજવાણી જેવા ધર્મસ્થાનોના દર્શને આવવાનું ખુબ સરળ બની જાય.

આડેસરથી હળવદ 150 કિ.મી. છે, એ અંતર 100 કિ.મી. થઇ જાય !
આડેસરથી હળવદના શોર્ટકટ રણ માર્ગને પાકો-બારમાસી રસ્તા તરીકે વિકસાવય તો કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી હળવદ ફક્ત 50 કિ.મી.નું જ અંતર થઇ જાય ! અત્યારે ઈડેસરથી સામખિયાળી થઇને હળવદ જવું પડે છે, જે 150 કિ.મી. થાય છે વળી લોકોના સમય અને રૂપિયા વધારે ખર્ચ થઇ રહ્યા છે.

ખાનગી મીની બસ પણ આવ-જા કરતી
સાંયના અન્ય વયોવૃધ્ધ ગ્રામજન વાઘજીભાઇ પટેલે કહ્યું કે દસ-પંદર માણસો બેસી શકે એવી ખાનગી મીનીબસ પણ દાયકાઅો પૂર્વે ચિત્રોડથી ધ્રાંગધ્રા વચ્ચે ચાલતી. વાગડના લોકો જે તે સમયે કંડલા જતા, ત્યાંથી આગબોટમાં નવલખા ઉતરતા અને ત્યાંથી મોરબી, હળવદ અને ધ્રાંગધ્રા સુધી આવનજાવન થતી.

ઘુડખર જોવા આવતા મુલાકાતીઓ વધે
એક મહત્વનો મુદ્દો એ પણ છે કે રણ માર્ગ ચાલુ થાય તો મેગાસ્ટાર અભિતામ બચ્ચને ઘૂડખર જોવા માટે કરેલી જાહેરાત વધુ ફળદાયી બને. જંગલી ગધેડા જોવા આવનારની સંખ્યા વધી જાય. વળી અા પ્રવાસીઓને 35થી 40 કિલોમીટર સુધી સળંગ રણનો નજારો માણવા મળે.

અન્ય સમાચારો પણ છે...