ક્રાઇમ:પરિવારને પ્રેમલગ્ન પસંદ ન આવતા વિરાણીથી દીકરીનું ફિલ્મી ઢબે કર્યું અપહરણ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે નાકાબંધી કરી નાગિયારી પાસે યુવતીને મુક્ત કરાવી

નખત્રાણાના વિરાણી ગામે રહેતી દીકરીએ પ્રેમલગ્ન કરતા તે વાતનું મનદુઃખ રાખીને ખુદ તેના માતા-પિતા સહિત પિયરપક્ષના સભ્યોએ અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે.ફિલ્મી ઢબે સર્જાયેલા આ ઘટનામાં જમાઈના પરિવારે પોલીસને જાણ કરી દેતા નખત્રાણા પોલીસે નાકાબંધી કરીને આ દીકરીને મુક્ત કરાવી હતી. આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી પ્રમાણે,વિરાણી ગામે રહેતા જેન્તી માલા ખજુરિયાએ દોઢ માસ અગાઉ કોડકી ગામની જ્યોતિકા પટેલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

છેલ્લા એક મહિનાથી જ્યોતિકા તેના પતિ સાથે વિરાણી ગામે રહેતી હતી.તે દરમિયાન રવિવારે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં GJ 12 BF 6927 નંબરની ઇનોવા કારમાં જ્યોતિકાના માતા-પિતા સહિત 6 સભ્યો તેને મળવાના બહાને ઘરે આવ્યા હતા અને સાસરીયાઓ સાથે બોલાચાલી કરી ફિલ્મી ઢબે મારકૂટ કરી હતી.જેથી દીકરીના સસરા માલાભાઈ દોડી આવ્યા ત્યારે એક શખ્સે તેને છરી બતાવી ઘરમાં ન જવા દઈ માથા અને ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી.બનાવને પગલે નજીકમાં આવેલ દુકાન ચાલક દોડી આવ્યો હતો.જેને પણ આરોપીઓએ છરી બતાવી હતી ત્યારબાદ આરોપીઓએ જ્યોતિકાને ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયા હતા.

ચકચારી અપહરણની ઘટનાની જાણ નખત્રાણા પોલીસને કરવામાં આવતા તાત્કાલિક માનકુવા પોલીસને જાણ કરી રસ્તામાં ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી હતી અને પોલીસની તાત્કાલિક કાર્યવાહીના કારણે નાગિયારી નજીક કારને અટકાવી લેવાઈ હતી.બાદમાં જ્યોતિકાને પુછતા તેણે પતિના ઘરે જવાનું કહ્યું હતું.બાદમાં સસરા માલાભાઈએ પુત્રવધૂના અપહરણ,એટ્રોસીટી સહિતની કલમો તળે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પીઆઇ રાકેશ ઠુમમરે આગળની તપાસ હાથ ધરી છે.આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...