લોક સુનાવણીનો વિરોધ:ભુજના મોખાણા પાસે સૂચિત સ્ટીલ પ્લાન્ટને લઈ યોજાયેલી લોક સુનાવણીનો ગ્રામજનોએ વિરોધ કર્યો

કચ્છ (ભુજ )4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુમાં લંપિ રોગ, વાવણી કાર્યમાં વ્યસ્તતા અને કંપનીના રિપોર્ટથી નારાજ લોકોએ સુનાવણીનો વિરોધ નોંધાવ્યો
  • અધિકારીઓની સમજાવટ બાદ સુનાવણી યોજાઈ

ભુજ-દુધઈ ધોરીમાર્ગ તરફ આવેલા મોખાણા ગામ પાસે ખાનગી એકમ દ્વારા સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. જેના અંતર્ગત આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત ગ્રામજનોએ કામગીરીના પ્રારંભે કંપની વિરુદ્ધ નારાજગી દર્શાવી લોક સુનાવણી હાલઘડી મુલત્વી રાખવા તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોની માગ હતી કે, હાલ ગામના પશુપાલકો પોતાના ગૌ વંશમાં ફેલાયેલા લમ્પી રોગના ઈલાજમાં અને ખેડૂતો વાવણી કાર્યમાં વ્યસ્ત છે. તેમજ કંપની દ્વારા તંત્રમાં જે રિપોર્ટ રજૂ કરાયો છે તેમા અનેક ખામીઓ છે તેની પૂર્તતા થયા બાદ સુનાવણી યોજાય. જોકે, અધિકારીઓની સમજાવટ બાદ સુનાવણી યોજાઈ હતી.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે લોક સુનાવણી યોજી હતી
મોખાણા પાસે યોજાયેલી લોક સુનાવણી વિશે સ્થાનિકના ભગુભાઈ આહીરના જણાવ્યાં અનુસાર મોખાણા ગામની હદમાં અંબિકા સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની સ્થાપના પૂર્વે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેના પ્રારંભે સ્થાનિક અને આસપાસના ગ્રામજનોએ સુનાવણીનો વિરોધ કર્યો હતો. સુનાવણી પૂર્વે કરવામાં આવતી જાહેરાતથી ગામના અનેક લોકો અજાણ હોવાથી આવી શક્યા નથી.

લોકોના ભારે વિરોધ વચ્ચે લોક સુનાવણી સંપન્ન
વધુમાં જણાવ્યું કે, માલધારીઓ પશુઓની સારવારમાં અને ખેડૂતો ખેતી કાર્યમાં વ્યસ્ત છે. તેમજ કંપની દ્વારા જીપીસીબી સમગ્ર રજૂ કરેલા રિપોર્ટમાં રાષ્ટ્રીયપક્ષી મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કંપની હસ્તકની જમીનમાં આવેલો બોર હજુ સુધી ખેતીલક્ષી નોંધાયેલો છે. જે ગેર વ્યાજબી છે. આ પ્રકારના અનેક કારણોસર લોકોએ સુનાવણી મુલત્વી રાખવા ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે, કંપનીના અધિકારીઓ સાથે સરકારી તંત્રના અધિકારીઓએ લોકોને સમજાવી પોતાના પ્રશ્નો રજૂ કરવા શાંત કર્યા હતા. લોકોના ભારે વિરોધ વચ્ચે લોક સુનાવણી સંપન્ન કરવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ વેળાએ ઉપસ્થિત લોકોએ કંપની દ્વારા નિયમોનું પાલન કરાય એવી આશા સેવી હતી.

અન્ય સમાચારો પણ છે...