ગુજરાતમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની વહારે આવેલી રાજ્ય સરકારે પોલીસ દ્વારા લોક દરબાર હેઠળ પીડિતોની ફરિયાદો સાંભળવાનું અભિયાન શરૂ કર્યું છે. જેના અંતર્ગત આજે ભુજ શહેરના તાલિમ ભવન ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. આ વેળાએ લોકોએ લેખિત તેમજ મૌખિક આપવીતી જણાવતી ફરિયાદો કરી હતી. શહેર અને તાલુકાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં યોજાયેલી બેઠકમાં વ્યાજથી બચવા કાયદેસર મળતી લોન વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
ભુજ ખાતે યોજાયેલા લોક દરબાર બાદ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ચાલતા વ્યાજના વ્યવસાય સામે સરકાર દ્વારા શરૂ કરાયેલા 'એક તક પોલીસ'ને અભિયાન તળે પીડિત લોકોની ફરિયાદ પર ગંભીરતા પૂર્વક કામગીરી કરવામાં આવશે. આજે અમુક ફરિયાદો મળી છે. આ સિવાય જે લોકો જાહેરમાં ફરિયાદ ના કરી શક્યા હોય એવા લોકો કચેરી ખાતે મને રૂબરૂ મળીને પણ ફરિયાદ કરી શકશે. આ માટે પોલીસ વિભાગ અતિ ગંભીરતા સાથે કામ કરી રહી છે. આ મામલે આરોપીની અટક કે ફરિયાદ નોંધીને સંતોષ ના માની પીડિત લોકો પાસે વ્યાજના નામે પડાવેલી મિલકતો પણ મૂળ માલિકને પરત અપાવવાની કામગીરી કરવામાં આવશે. દરમિયાન લોક દરબારમાં ડીવાયએસપી આર બી જાડેજા, તથા શહેર અને આસપાસના પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.