કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8-એ પરના પ્રવેશદ્વાર સુરજબારી માળિયા વચ્ચેના હરિપર પાસે મધ્યરાત્રીએ ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. બાદમાં સુરજબારી હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા બાદ હાલ ધીમી ગતિ સાથે વાહનો આગળ ધપી રહ્યા છે. અહીં માર્ગ પરના બ્રિજનું ફરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે વાહનોની રફતાર પર અસર પડી છે તેમાં વનવે કરાયેલા માર્ગ પરજ ટ્રેલર અકસ્માત થતા ટ્રાફિક સમસ્યા ઉદ્દભવી હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી સૌરાષ્ટ્ર તરફ જતા માર્ગ પરના હરિપર પાસે ટ્રાફિકજામની કાયમી સમસ્યા રહેતી આવી છે. જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ભારે પરેશાની સહન કરવી પડતી હોય છે. ક્યારેક દર્દીને તાકીદની સારવાર માટે બહાર લઈ જતી એમ્બ્યુલન્સ તો ક્યારેક બહારથી અખબાર લઈ આવતી પ્રેસની ગાડીઓ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે. જે સ્થળે આજે ફરી એક વખત ટ્રાફિક સમસ્યા સર્જતાં લોકોના વાહનો એકમાર્ગીય રસ્તા પર ધીમી ગતિ સાથે આગળ વધી રહ્યા છે. અંદાજિત 10 મિનિટના સ્થાને એક કલાકનો સમય માર્ગ પસાર કરવામાં લાગી રહ્યાનું લોકોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.