કચ્છની સૌથી મોટી સહકારી સંસ્થા, પશુપાલકોની જીવાદોરી અને જિલ્લામાં શ્વેતક્રાંતિનું સર્જન કરનાર કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની આજે બુધવારે અંજાર ખાતે નાયબ કલેક્ટર અંજારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં સરહદ ડેરીના ચૂંટાયેલા નિયામક મંડળની મિટિંગમાં કચ્છ કુરિયનના હુલામણા નામથી જાણીતા અને સરહદ ડેરીના સ્થાપક વલમજીભાઈ આર. હુંબલની સતત પાંચમી વખત ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે વિશ્રામભાઈ રાબડીયાની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
આ વિશે નવ નિયુક્ત ડેરીના ચેરમેન વલમજીભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 2009માં સ્થાપિત ડેરીની શરૂઆત માત્ર 300 લીટર દૂધ સાથે કરવામાં આવી હતી અને રૂ. 1500નું ચુકવણું કરતી હતી. આજે દૈનિક 5.30 લાખ લીટર દૂધ એકત્ર કરી રોજના સવા બે કરોડ રૂપિયાનું ચુકવણું કરી રહી છે અને વર્ષે 800 કરોડની ગ્રોથ રેટ ધરાવે છે. જેનો શ્રેય પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને વિવિધ સહકારી મંડળી તેમજ સરકાર અને જિલ્લા સંઘઠનને આભારી છે. ખેડૂત કલ્યાણ હેતુ સ્થાપિત સરહદ ડેરી કલ્પનાથી પણ વિશેષ પુરવાર સાબિત થઈ છે.
વલમજીભાઈ હુંબલની કોઠા સૂઝ બૂઝ, આવડત અને સહકારી ક્ષેત્રે બહોળા અનુભવને કારણે સરહદ ડેરીએ વિતેલા વર્ષોમાં અનેક શિખરો સર કર્યા છે. જેમાં મુખ્યત્વે 2 લાખ લીટરનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો પ્લાન્ટ, ખાણ દાણનો પ્લાન્ટ ત્તેમજ કચ્છ જિલ્લાના ગામડે ગામડે દૂધ સહકારી મંડળીઓની સ્થાપના વગેરે મહત્વના રહ્યા છે. સરહદ ડેરી કચ્છ જિલ્લાના પશુપાલકોના સુખમાં સાથીદાર અને દુખમાં ભાગીદાર હમેશા બની છે અને બનતી રહેશે એવું વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.