ભવ્ય મેળો ભરાયો:વાગડનો સૌથી મોટો વોન્ધ રામદેવપીરનો ભાતીગળ મેળો બે વર્ષ બાદ અસલ રૂપમાં યોજાયો

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેળાની પૂર્વ રાત્રીએ આસપાસના ગામોથી સેંકડો ભાવિકો નેજો લઈ પગપાળા પહોંચ્યા
  • મનોરંજનના સાધનોની સહેલાણીઓએ આખી રાત મોજ માણી

ભચાઉ સામખીયાળી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા રામદેવપીર મંદિર ખાતે વાગડનો સૌથી મોટો બે દિવસીય ભાતીગળ મેળો કોરોનાકાળના બે બાદ આ વખતે અસલ રૂપમાં યોજાયો છે. દર વર્ષની જેમ ભાદરવા સુદ 11ના દિવસે યોજાતા મેળામાં માનવ મેદની ઉમટી રહી છે. જેમાં સ્થાનિક સાથે દેશ વિદેશના સહેલાણીઓ, ભાવિકો રાણુંજાના રાજા રામદેવપીર મહારાજના દર્શનનો લાભ લઇ રહ્યા છે. મેળાની પૂર્વ રાત્રીએ સામેના વિજપાસર ગામ ખાતેથી મુખ્ય નેજો આવી પહોંચ્યા બાદ મેળા સમિતિ દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અને વર્ષ 2019ના મેળા બાદ ફરી આ લોક મેળો રાત્રીએ રોશની અને લોકોની ભીડથી ભવ્ય બની ઉઠ્યો હતો. લોકોએ વહેલી સવાર સુધી ચકડોળ, ટોરા મોરા , મોતનો કૂવો અને ડિસ્કો રાઈડની સફર કરી મોજ માણી હતી. જ્યારે સવાર પડ્યા બાદ ફરી મેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.

ગ્રામીણ સંસ્કૃતિ ત્રાદસ થઈ ઉઠી
મેળામાં ભચાઉ અને તાલુકાના ગામોથી ભાવિકોને મેળા સુધી પહોંચવા એસટી વિભાગ દ્વારા ખાસ બસોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેની સાથે ખાનગી વાહનો પણ બે પૈસા કમાઈ લેવા ગઈકાલથી સતત દોડી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અને સલામતી વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. આસપાસ અને વાગડના ગામોથી રબારી, આહીર, ક્ષત્રિય, પટેલ, કોળી, અનુસૂચિત જ્ઞાતિના લોકો પરંપરા ગત વસ્ત્રોમાં સજ્જ થઈ મેળો મહાલવા પહોંચ્યા હતા. જ્યાં લોક સંસ્કૃતિના દર્શન થતા જોવા મળ્યા હતા. આ સિવાય મેળામાં વિવિધ સખી દાતા, સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આરોગ્ય, સફાઈ અને મતદાન સબંધી જાગૃતિ ફેલાવવા સાથે છાસ, પાણી અને જમવાની સેવા પૂરી પાડવામાં આવી છે.

મેળા સમિતિ દ્વારા આયોજન વ્યવસ્થા હાથ ધરાઈ
મેળાનો પ્રારંભ ગત રાત્રે માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભચાઉના મેઘુભા જાડેજા, અશોકસિંહ ઝાલા, જનકસિંહ જાડેજા, રાણીબેન કરશનભાઇ. હાજર રહ્યા હતા. મેળાની આયોજન વ્યવસ્થા મેળા સમિતિના નરસંગજી વાઘેલા, શૈલેન્દ્રસિંહ ફતુભા જાડેજા વગેરે સેવકગણ દ્વારા સંભાળવામાં આવી રહ્યાનું પૂજારી મહિપતસિંહ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...