પદવીદાન સમારોહ:ડિગ્રીનો ઉપયોગ ધન કમાવવા નહીં સેવાના કામમાં પણ કરો

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસાંજી ધીરું પૂતરેથી જરાય ઓછયું નઇ; યુનિ.ના 12 મા પદવીદાન સમારોહમાં 21 દીકરીઓ સહિત 22 છાત્રને અપાયા ગોલ્ડમેડલ
  • યુવાઓને કર્તવ્ય, સમર્પણ અને વ્યકિતત્વથી પરીવાર, સમાજ અને દેશના ઉત્કર્ષ માટે યોગદાન આપવા રાજ્યપાલની શીખ

યુવાનો દેશની તાકાત છે. તેમાં પણ દિકરીઓને પ્રોત્સાહન મળતા દરેક ક્ષેત્રમાં તેઓ કીર્તિમાન સ્થાપી રહી છે.કચ્છ યુનિવર્સિટીના 12 માં પદવીદાન સમારોહમાં 22 ગોલ્ડમેડાલિસ્ટ છાત્રોમાંથી 21 દિકરીઓએ મેદાન માર્યું છે. જે દર્શાવે છે કે, મહિલાઓને જો ઉડવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવે તો તે પોતાનું સ્થાન જરૂર હાંસલ કરે છે તેવું જણાવતા રાજ્યપાલે કચ્છ યુનિવર્સિટીની કન્યા કેળવણીની સરાહના કરી હતી.કચ્છ યુનિવર્સિટીનો 12મો પદવીદાન સમારોહ મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે યોજાયો હતો.

ગુજરાતના રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 4965 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. સાથે જ 22 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલથી પ્રોત્સાહિત કરાયા હતા.દિક્ષાંત સમારોહમાં રાજયપાલે યુવાઓને ઉભરતા ભારતની તસવીર ગણાવતા જણાવ્યું હતું કે, મહિલાઓ સશક્ત થશે તો જ સમાજ, રાજય અને દેશ આગળ વધશે. તેમણે નારીની ઉન્નતિ માટે કામ કરનાર ગુજરાતના સપુત મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરીને તેમના જીવનના કેટલાક પ્રસંગો યુવાઓને વર્ણવ્યા હતા.વાઘા બોર્ડર પર યુવતીઓ AK47 હાથમાં લઈને ફરજ બજાવે છે,આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું કીર્તિમાન સ્થાપિત કર્યું છે.તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરીને મેળવેલી ડિગ્રીનો હેતુ માત્ર ધન કમાવવા ન કરવા પરંતુ ખરાઅર્થમાં માનવીય અભિગમ સાથે પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરવા અનુરોધ કર્યો હતો.

યુવાઓને પોતાના કર્તવ્ય, સમર્પણ અને પોતાના વ્યકિતત્વથી પરીવાર, સમાજ,રાજય અને દેશના ઉત્કર્ષ માટે યોગદાન આપવા શીખ આપી હતી.યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ યુનિવર્સીટીના વિકાસકામોની છણાવટ સાથે આગામી આયોજન જણાવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો.જી.એમ.બુટાણી, પરીક્ષા નિયામક તેજલ શેઠ,ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ કોમર્સમાં 1809 અને આર્ટ્સમાં 1712 વિદ્યાર્થીએ પદવી મેળવી
ગ્રામીણ પ્રદેશોથી બનેલા જિલ્લામાં કચ્છ યુનિવર્સિટી મહત્વનો ભાગ ભજવે છે. 12 કોલેજો સાથે શરૂ થયેલી કચ્છ યુનિવર્સિટીના નિર્દેશમાં આજે 45 કોલેજો કાર્યરત છે અને લાખો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીના 12મા પદવીદાન સમારોહમાં આર્ટસ વિષયના 1712 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના 653, કાયદાના 343, અભ્યાસના 209, વાણિજ્યના 1809, મેડિકલ ના 230 તો ફિલોસોફીના 12 વિદ્યાર્થીઓ મળી કુલ 4968 વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરતા પદવી આપવામાં આવી હતી.3059 વિદ્યાર્થીઓએ હાજર રહી પદવી મેળવી હતી અને 1907 વિદ્યાર્થીઓને પદવી તેમના ઘરે પહોંચાડવામાં આવશે.

રાજયપાલની આ શૈલીથી વિદ્યાર્થીઓમાં રમૂજ પ્રસરી ગઈ
પદવીદાનમાં 22 ગોલ્ડ મેડાલિસ્ટમાંથી માત્ર એક જ પુરુષ વિદ્યાર્થી હતો અને બાકી સર્વે વિદ્યાર્થીનીઓ હોતાં આ વાતની નોંધ યુનિવર્સિટીના કુલાધિપતિ રાજ્યપાલે પણ લીધી હતી તેમણે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ સાથે રમૂજ ભરી વાત કરતા કહ્યું હતું કે 21 દીકરીઓ વચ્ચે આ એક પહેલવાને ગોલ્ડ મેડલ મેળવીને પુરુષ જાતિનું નામ બચાવી લીધું છે. જોકે,બીજી જ ઘડીએ વિદ્યાર્થિનીઓએ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે,વૈદિક કાળમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ અંતર હતું નહીં. વિદ્યાર્થિનીઓ પણ મોટા મોટા ઋષિઓથી સાક્ષર્થ થતી હતી. પરંતુ મધ્યકાળમાં દીકરીઓને અભ્યાસથી વંચિત રાખવામાં આવી ત્યારબાદ હવે લાગે છે કે વિદ્યાર્થીનીઓ એ બંધનમાંથી બહાર આવી છે અને દરેક રેકોર્ડ તોડે છે.

વિદ્યાર્થીઓને અપીલ, માંડવીના ક્રાંતિતીર્થની અચૂક મુલાકાત લ્યો
કચ્છ યુનિવર્સિટીનું નામ જે ક્રાંતિવીર શ્યામજીકૃષ્ણ વર્માના નામથી રાખવામાં આવ્યું છે તે વીર સપુતની જીવનગાથા વાંચીને તેમના પરથી પ્રેરણા લેવા તથા માંડવીના ક્રાંતિતીર્થની મુલાકાત લેવા માટે રાજ્યપાલે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

સ્વહિત છોડીને હવે સમગ્ર પરીવારની ચિંતા સેવજો
રાજયપાલે વૈદિક સંસ્કૃતિ પરથી યુવાઓને જીવનના ચાર પડાવ એવા બહ્મચર્યઆશ્રમ, ગૃહસ્થઆશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસ્થઆશ્રમ વિશે ઉંડાણપૂર્વક સમજણ આપતા જણાવ્યું હતું કે, હવે આવનારા સમયમાં તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશો તો સ્વહિત છોડીને આત્માના વિકાસને વધારતા સમગ્ર પરીવારની ચિંતા સેવજો.

કવિ ‘કારાયલ’ અને સાહિત્યકાર અજાણીને માનદ ડોક્ટરેટ : સન્માન જીવનની શ્રેષ્ઠ યાદગીરીમાં મોખરેનો પ્રતિભાવ
કચ્છી સર્જકો અને કચ્છી ભાષાના વિકાસ અને જતનમાં યોગદાન આપનારા કવિ નારાયણ જોશી ‘કારાયલ’ અને ઉમિયાશંકર અજાણીને આ પદવીદાન સમારોહમાં Ph.D ની માનદ પદવી આપીને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા હતા.આ સન્માનને સૌ કોઈએ વધાવી લીધો હતો.સન્માન મેળવ્યા બાદ બંને કચ્છી સાહિત્યકારોએ યુનિવર્સિટીનો આભાર માનવા ગર્વભેર શબ્દોમાં કહ્યું કે,આ સન્માન જીવનની શ્રેષ્ઠ યાદગીરીમાં મોખરે રહેશે.

યુજીસીના સચિવે હમીરસરને યાદ કરી છાત્રોની ખુશી વર્ણવી
આ પ્રસંગે અતિથિપદે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સંયુકત સચિવ ડો.રાજેશ વર્માએ વિદ્યાર્થીઓને સમાજને ઉપયોગી બનીને દેશના નિર્માણમાં યોગદાન આપવા શીખ આપી હતી.તેમણે કહ્યું કે,ભુજમાં હમીરસર તળાવ છલકાય તો લોકો ખુશ થઈ જાય છે તેવી ખુશી આજે પદવી મેળવતા વિદ્યાર્થીઓના ચહેરા પર દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...