ભાસ્કર એક્સક્લુઝિવ:ઇ-વ્હીકલનો ઉપાડ વધ્યો : 279 વાહન માલિકોને 71.35 લાખની સબસીડી ચુકવાઇ

ભુજ19 દિવસ પહેલાલેખક: મીત ગોહિલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાલમાં 500થી વધુ ઇલેકટ્રીક વાહનો દોડે છે કચ્છના માર્ગો પર
  • દશેરા-દિવાળીના પર્વમાં પેટ્રોલ-ડીઝલના બદલે ઇલેકટ્રીક વાહનો વધુ વેચાય તેવી શક્યતા

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. હાલમાં તહેવારોની સિઝન હોઇ લોકો નવા વાહનો ખરીદતા હોય છે પરંતુ આ વર્ષે ઇન્જીન વાળા વાહનોને બદલે ઇલેકટ્રીક વાહનોનું ચલણ વધી ગયું છે. ગામડાઓથી માંડી શહેર સુધી જ્યાં જુઓ ત્યાં ઇલેકટ્રીક વાહન દેખાઇ રહ્યા છે. પેટ્રોલના ભાવમાં રાહત મળે તેમજ સરકાર દ્વારા સબસીડી પણ ચૂકવાતી હોઇ નવા ગ્રાહકો આ મોપેડ પર વધારે પસંદગી રાખતા હોય છે. સરકાર દ્વારા ગત 1 જુલાઇ-2021થી ઇલેકટ્રીક વાહનો પર સબસીડી જાહેર કરવામાં આવી છે.

ભુજ આરટીઓ કચેરીમાંથી જાણવા મળેલી વિગતો મુજબ કચ્છમાં અત્યાર સુધી 430 જેટલા ઇલેકટ્રીક વાહનો કચેરીમાં રજિસ્ટર થયા છે. જેમાં સબસીડી મેળવવા માટેની કુલ 279 વાહન માલિકોની અરજી મંજૂર થઇ જતા સરકારી નિયમો પ્રમાણે કુલ રૂા.71.35 લાખ રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવી છે. વાહન પ્રમાણે સબસીડી ઇસ્યૂ થતી હોય છે.

જે સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. તાજેતરમાં ગણેશમહોત્સવમાં ઘણા વાહનોની ખરીદી થઇ. જેમાં ઇલેકટ્રીક વાહનોનો ઉપાડ વધ્યો હતો. આ સિવાય જો વાત કરી એ તો આગામી સમયમાં નવરાત્રિ, દશેરા, ધનતેરસ અને દીવાળી જેવા શુભ દિવસો આવતા હોઇ ત્યારે વાહનોની ખરીદી વધી જાય છે. જેમાં આ વર્ષે ઇલેકટ્રીક મોપેડની ખરીદી ટોપ ગીયરમાં રહેવાની સંભાવના વધુ દેખાઇ છે.

ડીજીટલ ગુજરાત પોર્ટલ પર સબસીડી માટે અરજી કરી શકાય
ઇલેકટ્રીક વાહન ખરીદ્યા બાદ ગ્રાહક જાતે અથવા તો વાહન ડિલરની મદદ લઇ સબસીડી મેળવવા માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકે છે. જેમાં યોગ્ય પુરાવા હોય તો 10 જ દિવસમાં સબસીડી ખાતામાં જમા થઇ જાય છે. અન્યથા પુરતા પુરાવા ન હોય તો આરટીઓ દ્વારા અરજી રિજેક્ટ કરવામાં આવતી હોય છે.

ઇ-વ્હીકલનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ
હાલના સમયમાં ગ્રીન ઉર્જા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે મહત્તમ રીતે ઇ-વ્હીકલનો ઉપયોગ થાય તે જરૂરી છે. ઇલેકટ્રીક વાહનો વૃક્ષો માટે પણ હાનીકારક નથી. તેમજ વાહન ડીલરોને પણ ઇ-વ્હીકલ ખરીદતા પહેલાં ગ્રાહકોને કેટલી સબસીડી મળશે, શું પુરાવાઓ જોઇશે તે સંદર્ભે યોગ્ય માહિતી પુરી પાડવામાં આવે તે માટે તાકીદ કરવામાં આવી છે. > સી.ડી.પટેલ, આરટીઓ અધિકારી, ભુજ

અન્ય સમાચારો પણ છે...