કોબ્રા કરતા પણ ઝેરી ગણાતા ‘કોમન કેટ’ સર્પના દંશથી બેભાન થયેલા 8 વર્ષના બાળકને 7 દિવસની આઈ.સી.યુ. જેવી ઘનિષ્ઠ સારવાર આપી જી.કે. જનરલ હોસ્પિટલમાં બચાવી લેવાતા બાળરોગ વિભાગે વધુ એક સિધ્ધી હાંસલ કરી છે.અદાણી સંચલિત જી.કે. જનરલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને રેસિ.ડો. કરણ પટેલે કહ્યું કે, ભુજના 8 વર્ષીય ધ્રુવ નાગળાને સવારે 3.30 વાગ્યે જમીન ઉપર સૂતો હતો ત્યારે સાપે ગળામાં ડંખ માર્યો હતો. તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે બાળકના તમામ લક્ષણો નોર્મલ હતા છતાં સાપ કરડવાના પ્રોટોકોલ મુજબ તમામ સારવાર શરૂ કરી હતી.
પરંતુ, એક કલાક પછી સાપે પોતાનું ઝેરી સ્વરૂપ છતું કર્યું હતું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ બાળકના પાંપણ ઢળવા લાગ્યા હતા. શ્વાસ રૂંધાવા લાગતાં બાળક બેભાન થઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં ઝેર સંપૂર્ણપણે મગજમાં પ્રસરે તે પહેલા જ પીડિયા ટીમે સારવાર સાથે ધ્રુવને વેંટીલેટર ઉપર મૂક્યો હતો. છતાં સુધારો ન જણાતા ભારે ઈંજેકશનો આપવાની નોબત આવી હતી. સાથે સારવારનું સ્તર વધાર્યું હતું.
ઝેરની અસરનો અભ્યાસ કરતાં પીડિયા ટીમને લાગ્યું કે, બાળકને માત્ર સાપ જ નહીં પણ કોબ્રા કરતાં ખતરનાક ‘કોમન કેટ’ નામનો સર્પ કરડયો છે. ત્યારબાદ ભારે ઈંજેકશનોની અસર વર્તાવાની શરૂ થતાં સુધારો થયો હતો. પછી ક્રમશ: વેંટીલેટર બાદ સિમ્પલ ઓક્સિજન અને બાળક મોઢેથી ખોરાક લેતું થયું હતું. બાળકને પછી આઈ.સી.યુ. માંથી મુક્ત કરી તબીબી ટીમને લાગ્યું કે, બાળક ન્યૂરોલોજિકલ સ્વસ્થ છે. પછી 7 દિવસે રજા આપવામાં આવી હતી. આ સારવારમાં બાળરોગ વિભાગના ડો.લાવણ્યા પુસ્કરન પણ જોડાયા હતા.
કોમન ક્રેટ એક ઘાતક સાઈલેંટ કિલર
કોમનક્રેટ એ ભારતની ચાર ઝેરીલી સાપની પ્રજાતિ પૈકીનું એક છે. જે મોટાભાગે ભારતીય ઉપમહાદ્વીપમાં જોવા મળે છે. તેને બ્લ્યુ ક્રેટ અથવા ઇન્ડિયન ક્રેટ પણ કહેવાય છે. જે કાળા અને નીલા રંગનો હોય છે. અને 40 જેટલા વચ્ચે સફેદ ગોળ પટ્ટા હોય છે. આ સાપને કોમન ક્રેટ ઘાતક સાયલન્ટ કીલર કહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.