હર ઘર તિરંગા:‘ઝંડાવાળા કાકા' એ બે દાયકામાં પચાસ હજારથી વધુ વહેંચ્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ સમાજસેવી શહેરની શાળાઓમાં બાળકોને ત્રિરંગા આપી રાષ્ટ્રપ્રેમ જગાવે છે

પંદરમી ઓગષ્ટ સ્વતંત્ર દિવસના અવસર પર દેશવાસીઓને ત્રણ દિવસ માટે નિવાસ સ્થાન અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન પર ત્રિરંગો લહેરાવવા આહ્વાન કરાયું છે. જ્યારે ભુજના અનવર નોડે 2002 થી આ અભિયાન નિસ્વાર્થ ચલાવી રહ્યા છે. પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ શાળાઓ, સરકારી કચેરી અને મીડિયા હાઉસ જઈને ઉજવણી કરી છે. 20 વર્ષમાં અંદાજે પચાસ હજારથી વધુ ઝંડા વહેંચ્યા છે.

2001 માં ધરતીકંપ બાદ થોડા સમયમાં જ ખાનગી નોકરી ગુમાવી ત્યારબાદ તરત જ સ્ટેશનરીનો વ્યવસાય શરૂ કર્યો. ત્યારે જ રાષ્ટ્રના સન્માન સમાન ધ્વજ નાના નાના બાળકો સુધી કેમ પહોંચાડવા તે વિચાર સ્ફૂર્યો, અને શરૂ થયો દર વર્ષે બે વખત રાષ્ટ્રીય પર્વ ઉજવવાનો સિલસિલો. ભાજપ, કોંગ્રેસ અને 2014થી ફરીથી ભાજપના કાર્યકર બનનાર અનવર હજી સંપૂર્ણ રાજકારણી નથી તેવું નિખાલસ થઈને સ્વીકારતા કહે છે કે, બાળકોને ત્રિરંગા આપતી વખતે ભવિષ્યની પેઢી દેશપ્રેમી થશે તેવી ભાવના થાય છે.

નાની વયે જ દેશ પ્રત્યે આદર વધે તો આવનારી પેઢી વધુ મજબૂત બનશે. સરકારી કચેરીઓમાં એટલા માટે કે, તેઓ પણ દેશની એક પ્રકારે સેવા જ કરે છે. જ્યારે મીડિયાનું તો કામ જ સમાજને જાગૃત કરવાનું છે. માટે આ ત્રણેય ક્ષેત્ર મહત્વના છે. હર ઘર તિરંગા અભિયાન જરૂર સરાહનીય છે. ખરેખર તો ત્રણ દિવસ રાષ્ટ્રીય ધ્વજ લહેરવવા ન માત્ર સ્વાતંત્ર્ય દિન પરંતુ પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી આ રીતે કરવી જોઈએ.

અમૃત મહોત્સવ નિમિત્તે 7500 ઝંડા વિતરણની ઇચ્છા
અત્યાર સુધી દર રાષ્ટ્રીય પર્વ પર સરેરાશ બે થી અઢી હજાર ધ્વજ આપતા અનવરભાઈએ ઈચ્છા દર્શાવી હતી કે, ભારતની આઝાદને 75 વર્ષ પૂરા થયા છે, તેના ઉપલક્ષમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશ વિદેશમાં થનાર છે, ત્યારે ભુજમાં પણ બાળકો, કર્મચારીઓ અને મીડિયા કર્મીઓ સુધી જઈને સાડા સાત હજાર ઝંડા આપવા છે. સોમવારે આ રાષ્ટ્રીય પર્વ આવે છે માટે એક દિવસ અગાઉ શનિવારે જ શાળાઓમાં વિતરણ કરશે.

દુકાન પાસે 1 દિવસમાં 700 રાષ્ટ્રધ્વજ વહેંચ્યા
રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણીઅે દર વખતે ભુજના સેવાભાવી કાર્યકર અનવરભાઇ નોડે દ્વારા વિવિધ શાળાઅોમાં રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરાય છે. અાઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તેમણે નવા વિચાર સાથે અા વખતે શહેરના જાહેર સ્થળો કે, જયાં લોકોની વધારે ભીડ હોય તેવા વિસ્તારોમાં લોકોને 500 રાષ્ટ્રધ્વજ અાપવાનું નક્કી કર્યું હતું, જો કે લોકોના ઉત્સાહને જોતાં 700 ત્રિરંગાનું વિતરણ થયું હતું.

શહેરની સ્વૈચ્છિક સંસ્થાએ રવિવારે વિતરણ કર્યું તો 1 હજાર રાષ્ટ્રધ્વજ મિનિટોમાં ઉપડી ગયા, વધુ 500 મંગાવાશે
શહેરમાં રવિવારે સવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 1 હજાર રાષ્ટ્રધ્વજ નિ:શુલ્ક અાપવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. પરંતુ, લોકોનો ધસારો અેવો હતો કે મિનિટોમાં તમામ રાષ્ટ્રધ્વજનું વિતરણ થઈ ગયું અને અે પછી પણ લોકોનો ધસારો ચાલુ રહ્યો હતો, જેથી નામ અને મોબાઈલ નંબર નોંધીને તાત્કાલિક કોલ કરી લઈ જવા બોલાવાશે અેવું જણાવાયું હતું, જેથી લોકો મોડા પહોંચ્યાના ભાવ સાથે ઉદાસ થઈ પરત ફર્યા હતા! ભુજ તાલુકા અેકમના ચેરમેન અશોક પટેલે જણાવ્યું હતું કે, 1000 રાષ્ટ્રધ્વજના વિતરણની વ્યવસ્થા રાખી હતી.

પરંતુ, લોકોનો ધસારો જોઈને હજુ વધુ 500 જેટલા રાષ્ટ્રધ્વજ મંગાવ્યા છે. જે અાવતા જ પેન્ડિંગ માંગણી સંતોષાશે. કચ્છ જિલ્લામાં 3500 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવાના હતા. પરંતુ, લોકોની લાગણી જોતા સંખ્યા 7500 ઉપર પહોંચી જશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, નગરપતિ ઘનશ્યામ ઠક્કર હાજર રહ્યા હતા. નરોત્તમ પોકાર, રાજેશ પોકાર, ભાવિક ભગત જહેમત ઉઠાવી હતી. અાભારવિધિ અેસ.ટી. પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...