દરેક ગ્રામજનોને સ્થાનિકે જ આરોગ્યની સેવાઓ મળી રહે એ માટે સરકાર દ્વારા ગામોમાં આરોગ્યના સબ સેન્ટર બનાવવામાં આવે છે પણ તેમાંથી મોટાભાગના આજેય બંધ હાલતમાં છે.પીએચસી અને સીએચસીમાં જ સ્ટાફ ઘટ સહિતની સમસ્યાઓ હોય ત્યારે સબ સેન્ટર કેવી રીતે ચાલુ રહે તે સવાલ પણ ઉઠવા પામ્યો છે.નલિયામાં સબ સેન્ટરનું નવું બિલ્ડીંગ ઉદ્ઘાટન વિના જ ખંડેર થઈ ગયું તેનો અહેવાલ તાજેતરમાં આ પ્લેટફોર્મ પરથી ઉજાગર કરવામાં આવ્યો હતો ત્યારે હવે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામમાં પણ આવી જ સમસ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
નેત્રા સીએચસી હસ્તક આવતા ઉખેડા ગામમાં કુલ 1400 ની વસ્તી છે.ઉખેડા અને રસલિયા ગામના લોકોને સ્થાનિકે આરોગ્યસેવાઓ મળી રહે એ માટે ઉખેડા ગામમાં સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે પણ મહત્વની વાત એ છે કે,છેલ્લા 3 વર્ષથી આ સબ સેન્ટરના તાળા ખુલ્યા જ નથી. જેના કારણે તેની દીવાલો જર્જરીત થઈ જવા સાથે સબ સેન્ટરના નામનું લખાણ પણ અદ્રશ્ય થઈ ગયું છે.
આ સબ સેન્ટર શરૂ કરવા માટે વારંવાર માંગણીઓ કરવામાં આવી છે છતાં તાલુકા કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ તસ્દી લેવામાં આવી નથી જે પણ એક હકીકત છે તંત્રના વાંકે હાલ ગ્રામજનોને જો કોઈ બીમારી કે તકલીફ ઊભી થાય તો સારવાર લેવા માટે 17 કિમી દૂર નખત્રાણા સુધી જવું પડે છે અને તેમાં પણ જો વાહનની વ્યવસ્થા ન હોય તો વધુ હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ સબ સેન્ટર તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.