ભુજ નગરપાલિકાની કુલ 5 કરોડ રૂપિયાની શહેરી વિકાસ યોજના 2022/23ની ગ્રાન્ટ મંજુર થઈ હતી, જેમાં પ્રથમ હપ્તામાં 2 કરોડ 50 લાખ રૂપિયા ઉપરાંત વરસાદમાં ખરાબ થયેલા માર્ગો માટે 20 લાખ મળીને કુલ 2 કરોડ 70 લાખ રૂપિયા ચૂકવાયા હતા, જેથી 2 કરોડ 30 લાખ રૂપિયા ચૂકવવાના બાકી રહેતા હતા.
જે રકમ વીજ બિલ પેટે 1 કરોડ 29 લાખ 24 હજાર અને શહેરમાં 2015થી 2021 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઈ.એસ.એસ.એલ. કંપનીને એલ.ઈ.ડી. લગાડવાનો ઠેકો અપાયો હતો. જેનો ખર્ચ અંતે નગરપાલિકા ઉપર જ નાખવામાં આવ્યો છે, જેથી આ વખતે 10 કરોડ 1 લાખ રૂપિયા કાપી લેવાયા છે. આમ, ભુજ નગરપાલિકા પાસેથી કુલ 2 કરોડ 30 લાખ રૂપિયા કાપી લેવાયા છે, જેથી ગ્રાન્ટમાંથી હવે એકેય રૂપિયો મળશે નહીં.
યુ.ડી.પી.ની બીજા હપ્તાની ગ્રાન્ટમાંથી કશું મળવાનું નથી
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે 17મી ફેબ્રુઆરીના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2022/23 અંતર્ગત ગ્રાંટની ફાળવણી કરી હતી, જેમાં કચ્છ જિલ્લાની 7 નગરપાલિકાઅો માટે 22 કરોડ 75 લાખ રૂપિયા મંજુર થયા હતા, જેમાંથી પ્રથમ હપ્તાના 12 કરોડ 37 લાખ 50 હજાર ચૂકવાઈ ગયા છે અને બીજા હપ્તાની 10 કરોડ 37 લાખ 50 હજાર રકમમાંથી વીજ બિલ પેટે 3 કરોડ 70 લાખ 24 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા છે.
ભુજ નગરપાલિકા પાસેથી કુલ 2 કરોડ 30 લાખ રૂપિયા કપાયા
પરંતુ, ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, સૌથી વધુ રકમ ભુજ નગરપાલિકા પાસેથી 1 કરોડ 29 લાખ 24 હજાર રૂપિયા કાપીને પી.જી.વી.સી.અેલ.ને ચૂકવી દેવાયા છે. એટલું જ નહીં પણ ભુજ અને અંજાર નગરપાલિકાની હદમાં લાગેલી એલ.ઈ.ડી. રોડ લાઈટ પેટે કુલ 1 કરોડ 18 લાખ 18 હજાર રૂપિયા કપાયા છે, જેમાં પણ સૌથી વધુ ભુજ નગરપાલિકા પાસેથી 1 કરોડ 76 હજાર રૂપિયા કાપી લેવામાં આવ્યા છે. આમ, સૌથી વધુ ભુજ નગરપાલિકા પાસેથી કુલ 2 કરોડ 30 લાખ રૂપિયા કપાયા છે, જેથી બીજા હપ્તા પેટે લેવા માટે કાંઈ બચ્યું જ નથી.
બીજા હપ્તાની નગરપાલિકા મુજબ સ્થિતિ | ||||||
નગરપાલિકા | ચૂકવવાની રકમ | વીજ બિલ કપાત | અેલ.ઈ.ડી. કપાત | કુલ કપાત | બાકી રકમ | |
ગાંધીધામ | 23000000 | શૂન્ય | શૂન્ય | શૂન્ય | 23000000 | |
ભુજ | 23000000 | 12924000 | 10076000 | 23000000 | શૂન્ય | |
અંજાર | 13500000 | 11758000 | 1742000 | 13500000 | શૂન્ય | |
માંડવી | 13500000 | 2209000 | શૂન્ય | 2209000 | 11291000 | |
ભચાઉ | 10250000 | 7059000 | શૂન્ય | 7059000 | 3191000 | |
રાપર | 10250000 | 2561000 | શૂન્ય | 2561000 | 7689000 | |
મુન્દ્રા બારોઈ | 10250000 | 513000 | શૂન્ય | 513000 | 9737000 | |
કુલ | 103750000 | 37024000 | 11818000 | 48842000 | 54908000 |
ફરીથી આયોજન કરવું પડશે : નગરપતિ
ખરાઈ કરવા માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરને કોલ કરીને હકીકત જાણવા કોશિષ કરી હતી. તો તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ હપ્તાની રકમ જમા છે. બીજા હપ્તાની રકમમાંથી વીજ બિલ પેટે પી.જી.વી.સી.એલ.ને અને શહેરમાં લાગેલી એલ.ઈ.ડી. પેટે ઈ.એસ.એસ.એલ.ને ચૂકવણું કરતા બાકી કાંઈ વધ્યું નથી. એ હકીકત છે, જેથી વિકાસ કામોનું ફરીથી આયોજન કરવું પડશે. અંજારને પણ કંઈ નહીં મળે ભુજ પાલિકાની જેમ અંજાર નગરપાલિકાને પણ યુ.ડી.પી.ની બીજા હપ્તાની ગ્રાન્ટમાંથી કશું મળવાનું નથી!
અોક્ટ્રોયની ગ્રાન્ટની રકમ વધારવી જરૂરી
ભૂકંપ બાદ રાજ્ય સરકારે ભુજ નગરપાલિકા ઉપર ઓક્ટ્રોય ઉઘરાવવા પ્રતિબંધ મૂકી દીધો હતો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસની કુલ ઓક્ટ્રોય આવક જેટલી ગ્રાન્ટ મંજુર કરી હોત તો સ્થિતિ આખી અલગ જ હોત.
હવે આમા વિકાસ કેમ થાય
ભુજ નગરપાલિકાને ચૂકવવાતી 5 કરોડની ગ્રાન્ટમાંથી અઢી કરોડ રૂપિયા કાપી લેવાતા હોય તો યુ.ડી.પી.ની ગ્રાન્ટમાંથી રોડ, ગટર, પાણી, સફાઈ સહિતના વિકાસ કામો કેમ થાય એ પણ એક પ્રશ્ન છે. જ્યાં સુધી ભુજ મત વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદ ચાવડા હરકતમાં આવી વીજ બિલના ચૂકવણા રાજ્ય સરકાર પાસે કરાવીને ગ્રાન્ટની રકમમાંથી કપાત બંધ નહીં કરાવે ત્યાં સુધી અા સમસ્યા રહેશે.
PGVCLનું માંગણું
ભુજ નગરપાલિકા ઉપર પી.જી.વી.સી.એલ. કુલ 50 કરોડ જેટલી રકમ માંગે છે અને દર મહિને 60 લાખ જેટલું બિલ આવતું જ જાય છે. જેની સામે ઓક્ટ્રોયની ગ્રાન્ટમાંથી દર ત્રણ મહિને માત્ર 13 લાખ ચૂકવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.