અંજાર તાલુકાના સીનુંગ્રા પાસે આજે સોમવારે સવારે બાઈક સવાર બે યુવકો પુરઝડપે આવતી ટ્રક તળે આવી જતાં મોતને ભેટ્યા હતા. અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ માર્ગના રામકો કંપની નજીક સર્જાયેલા આ અકસ્માતમાં સિનુગ્રાના બે આશાસ્પદ નવયુવાનોના સારવાર મળે તે પૂર્વેજ કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું હતું. અંજાર પોલીસ દ્વારા હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અંજાર શહેરની ભાગોળે સિનુગ્રા-મુન્દ્રા હાઈવે ઉપર રામકો કંપની પાસે આજે સવારના અરસામાં ટ્રેઈલરે બાઈકને હડફેટે લેતાં બાઈકસવાર બંન્ને યુવકોના કરુણ મોત નિપજ્યાં હતાં. અલબત્ત અંજાર પોલીસ મથકમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અંજાર તાલુકાના સિનુગ્રા ગામના એજાજ અકબર લુહાર (ઉ.વ. 25) અને ઈરફાન હુશેન ચાવડા (ઉ.વ. 20)નું કરુણ મોત નિપજ્યું હતું.
બંન્ને યુવાનો બાઈકથી સિનુગ્રા જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રેઈલર તળે બાઈક આવી જતાં આશાસ્પદ યુવકો મોતનો કોળિયો બની ગયા હતા. અકસ્માત સર્જી બેકાબુ બનેલુ ટ્રેઈલર બાદમાં માર્ગ પરથી નીચે ઉતરી ગયું હતું. બાઈક ઉપર ટ્રક ફરી વળતા બાઈકનું કચ્ચરઘાણ નિકળી ગયું હતું. યુવાનોના મોતના પગલે સિનુગ્રા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.