ભુજમાં છરીથી હુમલો કરવાના અલગ અલગ બે બનાવોમાં બે યુવકોને ઇજા પહોંચી હતી. જ્યારે પોલીસ મથકે ચાર શખ્સો વિરૂધ ગુનો નોંધાવાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સેજવાડા માતમ પઠાણ ફળિયામાં રહેતા રિક્ષા ચાલક જબ્બાર હુશેન કુરેશીએ અમનનગર અને મદીનાનગરમાં રહેતા આસીફ ચાકી, અખ્તર ચાકી અને એજાજ છુછીયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે. બનાવ રવિવારે રાત્રીના પોણા અગ્યાર વાગ્યાના અરસામાં અમનનગર ત્રણ રસ્તા પર બન્યો હતો. ફરિયાદીની રિક્ષાની આગળ એક્ટિવા પડી હતી. જેથી ફરિયાદીએ એક્ટિવા વચ્ચે કેમ રાખી છે.
તેવું કહેતા ઉસ્કેરાઇ જઇને ત્રણેય આરોપીએ ફરિયાદીને માર માર્યો હતો.જેમાં આરોપી આસીફે ફરિયાદીને છરીના છાતીના જમણી અને ડાબી બાજુએ ત્રણ ઘા મારીને ઇજા પહોંચાડી હતી. ત્રણેય આરોપીઓએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અબડાસા તાલુકાના નૂધાતડ ગામે રહેતા પરેશ મોહન જોગી (ઉ.વ.18) એ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાજેશ સામજી કોલી રહે ભચાઉ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
બનાવ સોમવારે બપોરે ભુજના ગાયત્રી મંદિર પાસેના રિક્ષા સ્ટેન્ડ પર બન્યો હતો. ફરિયાદી અને આરોપી વચ્ચે લગ્ન પ્રસંગ દરમિયાન અંજાર ખાતે ઝગડો થયો હતો. તેનું મનદુ:ખ રાખીને આરોપી રાજેશએ ફરિયાદી પર છરીથી હુમલો કરીને હાથની કોણીના ભાગે ઇજા પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.