કચ્છમાં બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે જીવલેણ અકસ્માતની ઘટનાઓ લગાતાર બની રહી છે. હજુ ગત સપ્તાહેજ ભુજના પાલારા જેલ નજીક ત્રિપલ અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોનો ભોગ લેવાયો હોવાની ઘટના તાજી છે ત્યાં આજે ફરી ભુજના માનકુવા નજીક ટ્રક હડફેટે બાઈક સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યાં છે. ભુજ તાલુકાના નગીયારી ગામના બે યુવકોના મોત થતા ભુજ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. બન્ને હતભાગી યુવકોના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા જ્યાં વહીવટી પ્રક્રિયા બાદ યુવકોના મૃતદેહ પરિવારને સોંપમવામાં આવ્યા છે. આ અંગેની વિધિવત ફરિયાદ યુવકોની દફનવિધિ બાદ કરવામાં આવશે એવું માનકુવા પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતની ઘટના અંગે માનકુવા પોલીસ મથકના તપાસ કરતા પીએસઆઇ હસમુખ ભહ્મભટ્ટ સાથે વાત કરતા તેમણે પ્રાથમિક માહિતીના આધારે વિગતો આપતા જણાવ્યુ હતુ કે આજે શુક્રવાર સવારે 11. 17 વાગ્યાના અરસામાં માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચડી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અંગેની વિધિવત ફરિયાદ હવે નોંધાશે હાલ પ્રાથમિક માહિતીના આધારે અકસ્માતની રાહે તપાસ હાથ ધરવામાં આવી છે. અલબત્ત હતભાગી નવયુવાનોના મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમના પરિજનોના આક્રદથી વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં બેફામ દોડતા માલવાહક વહોનના કારણે સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.