ભુજમાં આજે મંગળવારે નાગ પંચમીના ભુજિયા ડુંગર ખાતે મેળો યોજાશે. જિલ્લામાં પડેલા સારા વરસાદ અને કોરોનાકાળ બાદ પ્રથમ વખત યોજાતા અા મેળાને માણવા સ્થાનિક સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. નાગપંચમીની ઉજવણી નિમિતે 293 વર્ષની રાજ પરંપરા મુજબ ભુજિયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે તા.2/8ના શોભાયાત્રા નીકળશે. કચ્છ મહારાણી પ્રિતીદેવીની ઇચ્છા અનુસાર પૂજા, અર્ચના દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાના હસ્તે સવારના 9.30 વાગ્યે કરાશે.
બાદમાં, રાજપરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી રામજીભાઇ સંજોટ, ઠાકોરને તિલક કરશે પછી, સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવશે. ભુજંગદેવ ખેતરપાળ દાદાનો મેળો તેમજ શાહી સવારી જે છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવી હતી તે પરંપરા મુજબ ફરીથી કરાશે. રાજ પરિવારમાંથી આશરે 20 પ્રતિનિધિઓ પૂજન વિધિ માટે પ્રાગમહેલ, દરબારગઢથી નીકળી ભુજીયા ડુંગર પર દર્શન કરવા માટે પહોંચશે.
હિંગલાજ માતાજીની યાત્રાએ જતા 9000 નાગા બાવાઓએ કચ્છને યુદ્ધમાં અપાવ્યો વિજય
કચ્છ પર વિદેશીઓના અવારનવાર આક્રમણો થતા હતા. આથી કચ્છના રક્ષણ માટે મહારાઓ ગોડજીએ ભુજીયા ડુંગર પર તેમજ ભુજના ફરતે કિલો બનાવવાનું શરૂ કર્યું હતું. આ કિલ્લાનું કામ મહારાઓ દેશળજી (પહેલા)એ પૂર્ણ કરાવ્યું હતું. તે જ સમયે ઈ.સ.1729માં અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર સાથે ભુજ પર ચડાઈ કરી હતી. કચ્છના મહારાઓ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીના સરદારી હેઠળ શેરબુલંદખાનના લશ્કર સાથે ભુજીયા ડુંગર પર ઘમાસાણ યુદ્ધ થયું હતું.
તે વખતે જયપુરથી આવેલા 9000 નાગાબાવાની જમાત બલુચિસ્તાન ખાતે હિંગલાજ માતાજીની યાત્રાએ જતા હતા અને ભુજમાં વિસામો લીધો હતો. વિદેશી આક્રમણની ખબર મળતા, તેઓ પણ આ યુદ્ધમાં ભુજના રક્ષણ માટે લડ્યા, રોહા જાગીરના ઠાકોર જીયાજીએ લડાઈ કરતા કરતા, શેરબુલંદખાનની તલવાર છીનવી લીધી અને તેને મારી હરાવતા કચ્છનો વિજય થયો હતો.
તે દિવસ શ્રાવણ સુદ નાગપંચમીનો હતો. મહારાઓ દેશળજી (પહેલા) શાહી સવારી લઈ, ભુજિયા ડુંગર પર આવી, ખેતરપાળ દાદાની પૂજા અર્ચના કરી અને સર્વે સેનાપતિઓનું સન્માન કર્યું અને શેરબુલંદખાનની તલવાર રોહા જાગીરના ઠાકોરને ભેટ કરી, તેનું બહુમાન કર્યું હતું. આજે પણ આ તલવાર રોહા જાગીરના ઠાકોર પુષ્પદ્રસિંહ પાસે સાચવેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.