જીવલેણ અકસ્માત:સુખપર રોહા પાસે કાર બાઇકની ટક્કરમાં ત્રણ વર્ષના બાળક સહિત બે જણાના મોત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ઘટનામાં મોટી રાયણના માસુમ, ગાંધીધામના વયસ્કનો જીવ ગયો
  • ઘાયલ મોટર સાયકલ​​​​​​​ ચાલકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો

નખત્રાણા તાલુકાના મંગવાણા અને સુખપર રોહા નજીક શુક્રવારે સવારે સર્જાયેલા કાર અને બાઇકના અકસ્માતમાં માંડવી તાલુકાના મોટી રાયણના કાર સવાર ત્રણ વર્ષના માસુમ બાળકનું અને ગાંધીધામના વૃધ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે બાઇક ચાલકને હાથ પગમાં ફેકચર સહિતની ઇજાઓ પહોંચતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવને પગલે પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ સવારે નવ વાગ્યાથી દસ વાગ્યાના અરસામાં ભુજ-નલિયા રોડ પર મંગવાણાથી સુખપર રોહા જતા રોડ પર વળાંકા પર બન્યો હતો. ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા સામજીભાઇ કારાભાઇ ઘેડા (ઉ.વ.37) અને આત્મારામભાઇ થાવરભાઇ મહેશ્વરી (ઉ.વ.65) પોતાના કબજાની મોટર સાયલથી નલિયા તરફ જતા હતા. ત્યારે સુખપર રોહા પાસે સામેથી આવતી કારે તેમની બાઇકને અડફેટે લેતાં બાઇકમાં પાછળ બેઠેલા આત્મારામભાઇને ગંભીર ઇજાઓ થવાથી તેમનું સ્થળ પર મૃત્યુ થયું હતું.

જ્યારે કારની અંદર બેઠેલા મોટી રાયણ ગામના ધ્યાનશ રક્ષિતભાઇ પટેલ (ઉ.વ.3)ને છાતીના ભાગે ઝાટકો વાગતાં સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક સામજીભાઇ ઘેડાને પગ હાથ અને શરીરે ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ એએસઆઇ પ્રવિણભાઇ વાણીયાએ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કચ્છના ધોરીમાર્ગો સતત રક્તરંજિત બની રહ્યા છે, અવાર-નવાર બનતી ઘટનાઓમાં નિર્દોશ માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઇ રહી છે. જે ઘણી ચિંતાજનક બાબત છે. હાલની વેકેશનની સીઝનમાં પણ અકસ્માતોનું પ્રમાણ અચાનક ઉંચકાયું છે.

ભચાઉના શિકરા પાસે અજાણ્યા વાહન અડફેટે રાહદારીએ જીવ ગુમાવ્યો
ભચાઉ તાલુકાના શિકરા નજીક બંધડીના રસ્તે 5 દિવસ પહેલાં અજાણ્યા વાહન અડફેટે ચડેલા સામખિયાળી ગામના રાહદારી ગોવાભાઇ રતનાભાઇ રબારીને બન્ને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા દમ તોડ્યો હતો. પબાભાઇ ગોવાભાઇ રબારીની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...