હિન્દુ સમાજમાં જેને માતાની ઉપમા આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં જેના શરીર અંદર 33 કરોડ દેવનો વાસ દર્શાવવામાં આવ્યો છે તે ગાયની, મરણ બાદ દુર્દશા થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. નખત્રાણા નગરમાં ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ગાયના મૃતદેહને ઢસડીને લઈ જતા દ્રશ્યો લાગણીશીલ વ્યક્તિઓ માટે દુઃખદ બન્યા છે. નોંધનીય છે કે નખત્રાણામાં હાલ ગૌ વંશમાં લમ્પી રોગ વ્યાપકપણે ફેલાયો છે, જેને લઈ અહીં દૈનિક બે-ત્રણ પશુનાં મરણ થઈ રહ્યા છે. જેમને ઢસડીને લઇ જવાતો વીડિયો વાઇરલ થતાં લોકોની લાગણીઓ દુભાઇ છે.
પશુને ઢસડવાથી અન્ય જીવો માટે તે સંક્રમણનું વાહક બની શકે
ઢોરવાડાના અભાવે પંચાયત દ્વારા ગામથી બે કિલોમીટર દૂર મૃત પશુઓનો નિકાલ કરવામાં આવે છે, પરંતુ આ માટેની પ્રક્રિયા દુઃખ ઉપજાવનારી બની છે. તો વળી જાહેર માર્ગ પર મૃત પશુને ઢસડવાથી અન્ય જીવો માટે તે સંક્રમણનું વાહક બની શકે છે. જો કે તંત્ર દ્વારા હવે આવું નહિ બને તેમ જણાવવામાં આવ્યું હતું.
નિકાલ માટે પંચાયત દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો
નખત્રાણામાં હાલ ગૌ વંશમાં ફેલાયેલા લમ્પી રોગના કારણે શહેરના મણિનગર, પ્રાચી નગર સહિતના વિસ્તારમાં પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. ખાસ કરીને ઉપયોગ બાદ બેઘર કરી દેવાયેલી ગાયો વિના સારવાર મરણ પામી રહી છે. જેના નિકાલ માટે પંચાયત દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને ઠેકેદારના કામદારો મૃત ગાય અને નંદીને ટ્રેક્ટર ટ્રોલીના બદલે તેની પાછળ બાંધીને ઢસડી જાય છે.
હવે આવું ના બને તે માટે નવા સાધન વિકસાવાશે - તલાટી
આ અંગે તલાટી રમેશ માલીને પૂછતાં તેમણે કહ્યું હતું કે આ દ્રશ્યો દુઃખદ છે અને પંચાયતના ધ્યાનમાં પણ આવ્યા છે. તેથી હવે આવું નહિ બને, જેની જાણ પણ કોન્ટ્રાક્ટરને કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં હાઇડ્રોલિક ટ્રોલી દ્વારા મૃત પશુઓનો નિકાલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.