મેડિકલ સેવાના નામે મતભૂખ દેખાઈ:બે નવા શહેરી આરોગ્ય કેન્દ્ર શરૂ પણ મામાનું ઘર કેટલે જેવો તાલ....

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવીરનગરમાં જૂની કેશવનગર ગ્રામ પંચાયતની ખંડેર ઇમારતમાં દવાખાનું ખોલાયું પણ ડોકટર અને સ્ટાફ નથી, સાધનોના નામે માત્ર એક ટેબલ

કચ્છમાં આરોગ્ય સેવાની સુધારણાની ગુલબાંગો વચ્ચે સરકારી તબીબોની ઘટ પણ એટલી જ અડચણરૂપ બનતી રહી છે. હયાત દવાખાનાઓમાં ડોકટર સહિતનો સ્ટાફ નથી તેવામાં ભુજમાં વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય તે પૂર્વે બે નવા શહેરી આરોગ્ય કેન્દ્રનો અારંભ કરવામાં આવ્યો હતો પણ હકીકત ચકાસતા તદ્દન ઊલટું ચિત્ર સામે આવ્યું છે. શહેરીકક્ષાના અારોગ્ય કેન્દ્રમાં અાવતા 2 દવાખાનામાં સૂરલભીટ રોડમાં તો હજી જગ્યા નક્કી નથી થઈ અને મહાવીરનગરમાં જે સ્થળની પસંદગી થઈ છે ત્યાં સુવિધાના નામે મીંડું છે. જેથી આ સુવિધા હાલ ભુજ માટે મામાનું ઘર કેટલે... જેવી ઉક્તિની જેમ છે.

ભુજમાં નવા શરૂ કરાયેલા બે શહેરી આરોગ્ય કેન્દ્રનો વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના હસ્તે શહેરી આરોગ્ય કેન્દ્ર 4 મહાવીરનગર અને અને નંબર 5 સુરલભીટ રોડનો વિધિવત અારંભ કરાયો હતો. પરંતુ એક આરોગ્ય કેન્દ્ર હજુ બન્યું જ નથી. તો , બીજામાં લોકોની સારવાર કરવા કોઈ તબીબો જ નથી. ‘ભાસ્કર’ની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, મહાવીરનગરમાં જૂની કેશવનગર ગ્રામ પંચાયતની બિલ્ડીંગમાં આ દવાખાનું શરૂ કરાયું છે પણ અહીંના સ્થાનિકોને જ તેની ખબર નથી. અેક સમયની ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ સાવ ખંડેર પડ્યું છે. હાલ બે ઓરડામાંથી એક વપરાશમાં પણ ન લઈ શકાય એટલો ગંદો છે.

આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધા આપવા માટે તબીબો કે નર્સ તો નથી જ પરંતુ ચિકિત્સા માટેના સાધનોના નામે માત્ર એક ટેબલ છે. આંગણામાં ધૂળનું સામ્રાજ્ય અને દરવાજામાં ઉધઇ છે તેવા મકાનમાં શરૂ કરાયેલા આરોગ્ય કેન્દ્ર વિશે કોઈને જાણ થાય તેવું બોર્ડ પણ અહીં નથી. બીજી તરફ સુરલભીટ રોડ પર પણ નવું દવાખાનું શરૂ કરાયું હોવાનો દાવો છે પણ તપાસ કરતા અહીં તો હજી જમીન પણ ન મળી હોવાનું સામે આવ્યું છે. જેથી ક્યારે આ વિસ્તારના લોકોને સેવા મળશે તે અનિશ્ચિત છે પણ સૂત્રો એમ કહે છે કે,જીઆઇડીસીમાં ત્રણ-ચાર જૂની દુકાનો તોડીને નવું દવાખાનું બનાવવામાં આવશે પણ હાલના તબક્કે આ બંને દવાખાના લોકસુવિધા માટે ઉપલબ્ધ બની શક્યા નથી જે હકીકત છે.

હાલની મિશ્ર ઋતુમાં દવાખાનું શરૂ હોય તો લોકોને વધુ લાભ મળે
હાલમાં શિયાળો અને ઉનાળાનો ઋતુ સંક્રમણકાળ છે. અાવા સંજોગોમાં લોકોને શરદી, ઉધરસ, તાવ તથા સામાન્ય બિમારીનો વાવર ફેલાવાની સંભાવના હોય છે. અાવામાં અારોગ્ય કેન્દ્ર ચાલુ હોય તો સ્થાનિક વિસ્તારના મહાવીર નગર, જય નગર, ગણેશ નગર, અરિહંત નગર, પ્રમુખસ્વામી નગરના લોકોને વધુ લાભ મળી શકે તેમ છે.

મહાવીરનગરમાં સાધનો ન પહોંચ્યા તેના પહેલા ઉદ્ઘાટન માટે નેતા પહોંચી ગયા

અગાઉના આયોજન પ્રમાણે મહાવીરનગરમાં પંચાયતની ઇમારતમાં સુધારણા અને સફાઇકામ કરી જરૂરી સાધનો વસાવી તેનું ઉદઘાટન કરવાનું હતું પણ તાત્કાલીક આદેશ વછૂટતાં કોઈપણ જાતના સાધનો લાવી ન શકાયા અને કેન્દ્ર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું.

રીબીન ન મળતાં નાડાછડી કાપીને ઉદઘાટન કરાયું હતું
ગણતરીના કલાકોમાં ઉદ્ઘાટન કરવાનું નક્કી થતા રીબીન મળી શકી ન હતી. જેથી નાડાછડી બાંધવામાં અાવી હતી. બપોરે ચૂંટણી જાહેર થવાની સંભાવના હોવાથી શહેરી આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન સમારોહ બપોરે 2.30 વાગ્યાના બદલે સવારે 9.30 વાગ્યે યોજી દેવાયો હતો.

દર 50 હજારની વસ્તીએ એક ક્લિનિક શરૂ થાય
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર 50 હજારની વસ્તીએ શરૂ કરી શકાય છે. હાલ ભુજમાં 3 ક્લિનિક હતા.જે બાદ બે નવા UPHC શરૂ કરવામાં આવ્યા છે પણ તેમાં કોઈ સુવિધા જ નથી.સૂત્રો કહે છે કે, હવે ડિસેમ્બરમાં ચૂંટણી પૂર્ણ થાય પછી જ અહીં સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે.

બોર્ડ પણ નથી લગાવાયું : સ્થાનિક રહીશો અજાણ
જૂની કેશવનગર ગ્રામ પંચાયતની બિલ્ડીંગ લાંબા સમયથી ખંડેર છે.જ્યાં દવાખાનું શરૂ કરાયું છે પણ અહીં કોઈ જાતનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી. જેથી સ્થાનિક રહીશો જ ખુદ અજાણ છે કે અહીં હવે ખંડેર મકાન નહિ પણ દવા અને સારવાર મળશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...