અકસ્માત:નાગોરની ગોલાઈ પાસે બાઇક બાવળોની ઝાડીમાં ઘૂસી જતા બે પિતરાઈ ભાઈઓના મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સ્પીડમાં હોવાથી બન્યો બનાવ
  • ગળપાદર પાસે 5 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ચાલકે દમ તોડ્યો

તાલુકાના નાગોર-રાયધણપરની ગોલાઈ પાસે બાઇક બાવળોની ઝાડીમાં ઘુસી જતા બે પિતરાઈ ભાઈઓના મોત થતા પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.બાઇક સ્પીડમાં હોવાથી આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.તો ગળપાદર પાસે 5 દિવસ પહેલાં ડિવાઇડરમાં ટ્રક અથડાયા બાદ ચાલકે સારવાર દરમીયાન દમ તોડ્યો હોવાની ઘટના નોંધાઇ છે.

માધાપર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે,નાગો૨ જૂથ ગ્રામ પંચાયતમાં આવતા પુરાશર વાંઢમાં રહેતા હયાત મુતલબ સુમરાએ માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,નાગોર-રાયધણપર રોડ પર આવેલી ગોલાઈ પાસે આ બનાવ બન્યો હતો.હતભાગીનો ભત્રીજો શકુર અને દીકરો મીસરી ઘરેથી સાંજે સાડા પાંચના અરસામાં બાઈક પર જવા નીકળ્યા હતા પણ રાત સુધી પરત ન આવ્યા દરમ્યાન ભાઈ કરિમનો ફોન આવ્યો કે,છોકરાઓ ગોલાઈ પાસે બાવળોની ઝાડીમાં પડયા છે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે.જેથી પરિવારજનો ઘટનાસ્થળે દોડયા અને બંનેને ગંભીર હાલતમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

તો મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રહેતા યોગેન્દ્રકુમાર હરિપ્રસાદ છીપાએ એ-ડિવિઝન પોલીસ મથકે જણાવ્યું હતું કે, તા.26/5 ના રોજ ગળપાદર નજીક ભીમાણી કાંટા પાસે ટ્રક ચાલક નંદકિશોર રામસ્વરૂપ મેઘવંશીએ સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક ડિવાઇડરમાં ટકરાઇ હતી જેમાં ચાલક નંદકીશોરનો ડાબો હાથ કપાઇ જવા ઉપરાંત માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. એ-ડિવિઝન પોલીસે મૃતક નંદકીશોર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

ગાંધીધામમાં ટ્રેઇલર બીજા ચાલકના પગ ઉપરથી ફર્યો
કંડલા ફ્રી ટ્રેડ ઝોનના લાલ ગેટ પાસે પોતાના વાહન પાસે ઉભેલા ચાલકના પગ ઉપરથી પુરપાટ જઇ રહેલા ટ્રેઇલરના પૈડા ફરી વળ્યા હોવાની, અંજારના માથક ખાતે રહેતા અને રાધાક્રીષ્ના ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા 35 વર્ષીય પરેશભાઇ રામજીભાઇ ડાંગર ગત સવારે સાડા આઠના સુમારે ફ્રી ટ્રેડ ઝોનમાં આવેલા લાલગેટ પાસે રોડ પર ઉભા હતા તે દરમિયાન ઝોનમાંથી પૂરપાટ આવેલા ટ્રેઇલર ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા અને ટ્રેઇલરજો જોટો તેમના બન્ને પગ ઉપરથી ફરી વળતાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાસેઝમાં હાઇડ્રા અડફેટે વેપારીના યુવાન પુત્રનો જીવ ગયો
મુળ ઉપલેટાના હાલે ગાંધીધામના સેક્ટર-2 માં રહેતા 60 વર્ષીય જાવેદ યાકુબ નાથાણીએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ જીવલેણ અકસ્માતની ઘટના તા.28/5 ના રોજ બપોરે સાડા બારના અરસામાં બન્યો હતો જેમાં તેમનો 30 વર્ષીય પુત્ર ફીરોજ કસ્ટમના કામસર એક્ટીવા લઇને નીકળ્યો ત્યારે ગેલકેપ્સ કંપનીના પાછળના ભાગે હાઇડ્રા ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે ફિરોજનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાશી જનાર હાઇડ્રા ચાલક વિરૂધ્ધ યાકુબભાઇએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...