ઉમેદવારોમાં ચિંતા:મતદાનના દિને લગ્નના સાચા મૂરતિયાઓ પણ પરણશે; કચ્છભરમાં લગ્નસરાની ધૂમ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણય મુહૂર્તોના કારણે લોકશાહીના પ્રસંગે મતદાન મથકોની ભીડને અસર કરી શકે

ગુજરાત વિધાનસભાની 182 બેઠકની સામાન્ય ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને પ્રચારના પડઘમ વાગી રહ્યા છે. કચ્છમાં 1 ડિસેમ્બરના ભુજ સહિત તમામ છ બેઠક માટે મતદાન થવાનું છે અને એ દિવસ સુધીના મુરતિયાઓ તેમને મત મળે તેની માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, કારણ કે તેઓ તેમના મત માટે ચિંતિત છે. બીજી બાજુ પરિણય પ્રસંગના મુહૂર્ત નવેમ્બરના અંત ભાગના દિવસો ઉપરાંત 1 ડિસેમ્બરના પણ હોવાથી સંસાર માંડનારા મૂરતિયાઓ પણ પરણીને તેમનું મુહૂર્ત સાચવશે. ડિસેમ્બર માસના પહેલા અઠવાડિયામાં મોટા પ્રમાણમાં લગ્નની શરણાઈઓ વાગવાની છે.

જે ચૂંટણીની કુંડળીમાં ગ્રહણ સમાન બનવાની પ્રબળ સંભાવના ધરાવે છે. લગ્ન સંબંધિત વ્યવસાય ધરાવતા મંડપ, ડેકોરેશન, કેટર્સ, રસોઈયા, કર્મકાંડી બ્રાહ્મણો વગેરે ધંધાર્થે વ્યસ્ત રહેવાના છે. પાર્ટી પ્લોટ, સમાજવાડી વગેરે ભરાયેલી રહેશે. લગ્નમાં જોડાયેલા પરિવારો પણ વ્યસ્ત રહેશે અને તેમાંથી સમય કાઢીને મતદાન કરવા પહોંચી શકે કે કેમ તે મુદ્દો પણ ચર્ચામાં રહેશે. મતદાન મથકે લગ્નસરાના લોકોની ઓછી સંખ્યા જોવા મળી શકે છે.

લગ્ન સંબંધિત તમામ ધંધાર્થીઓમાં ભારે ઘરાકી સાથે ઉત્સાહનો માહોલ
લગ્ન સંબંધિત મંડપ, ડેકોરેશન, ફોટોગ્રાફર, કેટરર્સ, ટ્રાવેલ્સ, કર્મકાંડી બ્રાહ્મણો વગેરે ચૂંટણીના દિવસે વ્યસ્ત રહેશે. મંડપ વ્યવસાય સાંભળતા ભૂપતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમના કારીગરો સહિત આ ક્ષેત્રના વ્યવસાયિકો કાર્યરત રહેશે, તો ફોટોગ્રાફર કપિલભાઈ ગોરે જણાવ્યું હતું કે તેમની લાઈનના લોકો પણ કામના ગુંથાયેલા રહેશે. એસ.ટી. નિગમના કર્મચારીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અગાઉથી બસોની માંગણી કરાઇ લેવામાં આવી છે એટલે લગ્નમાં ઓછી સંખ્યા બસ ફાળવી શકાશે. તો બીજી તરફ એ જ રીતે વિવિધ સમાજવાડીઓ અને હોટેલ પણ ભરાયેલા રહેશે.

નાગરિકની જવાબદારી સાથે મતદાન કરીને પરિણયની ખુશી
દેશના જવાબદાર નાગરિક તરીકે નવ દંપતી સહિત લગ્નમાં જોડાનારાઓ મતદાનની પવિત્ર ફરજ બજાવવા પણ જતા હોય છે. લગ્નસરા દરમિયાન ચૂંટણીઓ આવતી હોય ત્યારે ઘણા યુગલો અથવા યુવક યુવતીઓ હસ્તમેળાપ પહેલાં પહેલી આંગળી ઉપર મત આપ્યાની શ્યાહી લગાવવા પણ હોંશભેર પહોંચતા હોય છે. યુવાનોની આવી નૈતિક ફરજથી લોકશાહી મજબૂત બને છે ત્યારે લોકશાહી મહાપર્વ નિમિત્તે મતદાન અને લગ્નના મુહૂર્ત પણ સચવાય એ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...