ગંગાએ ભુજના યુવકનો ભોગ લીધો:લાખિયારવિરાના યુવકનું હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જવાથી મોત, રવિવારે લાશ મળી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની તસવીર - Divya Bhaskar
મૃતકની તસવીર
  • શનિવારે નદીમાં સ્નાન કરતી વખતે ડૂબ્યો

હાલ મોટી સંખ્યામાં કચ્છ સહિત ગુજરાતના યાત્રિકો હરિદ્વાર સહિત ચારધામની યાત્રાએ પહોંચ્યા છે. તેવામાં કચ્છથી હરિદ્વાર પહોંચેલા પરિવાર સાથે એક કરૂણ ઘટના બની ગઇ છે. નખત્રાણા તાલુકાના લાખિયારવિરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગની છવાઇ છે. શનિવારે હરિદ્વારમાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે રવિવારે મળી હતી.

હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા ગયો હતો
મૃતદેહ સોમવારે લાખિયારવિરા લઇ આવ્યા બાદ અંતિમક્રિયા પૂર્ણ કરાઇ હતી.આ અંગે મળતી વિગતો મુજબ શનિવારે લાખિયારવિરાના કલ્પેશ નરશી ડુંગરાણી (ઉ.વ. 19) હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. તે પોતાના પરિવારજનો સહિત અન્ય યાત્રિકોના સંઘ સાથે હરિદ્વાર પહોંચ્યો હતો. આ દરમિયાન યુવકોના સમૂહમાંથી કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. ગંગામાં ડૂબી કલ્પેશની શોધખોળ ચાલુ કરાઇ હતી.

કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો અને ડૂબી ગયો
પોલીસને રવિવારે બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને આપી દેવાયો હતો. ગંગાના આ વિસ્તારમાં નદીની ઊંડાઈ ઘણી વધારે હતી. જેનો કલ્પેશ અંદાજો લગાવી શક્યો નહીં અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો અને ડૂબી ગયો. રાત પડવાને કારણે યુવકનું સર્ચ ઓપરેશન થઈ શક્યું ન હતું અને બીજા દિવસે તેની લાશ મળી હતી.

ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો
લાખિયારવિરાના અગ્રણી આઇદાનભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, મૃતક કલ્પેશ ત્રણ બહેનોનો એકનોએક ભાઇ હતો. તે પોતાના મોસાળના પરિવારજનો સાથે હરિદ્વાર ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે. યુવકની અંતિમક્રિયા સોમવારે ગામમાં પૂર્ણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...