રાજ્યમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા:કચ્છ, વલસાડ, દાહોદ સહિતમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ કરા પડ્યા, ખેતરોમાં પાણી ભરાયા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ સહિત રાજ્યના અનેક પંથકમાં આજે માવઠું વરસ્યું હતું. કચ્છના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તેમજ અનેક સ્થળે કરા પણ પડ્યા હતા. ખેતરોમાં તેમજ રસ્તા પર પાણી ભરાયા હતા. ભુજમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાનુશાળી નગર સહિતના વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાયા હતા. બે કલાકથી વીજળી ગુલ થઈ હતી.

ફાગળ માસમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા
કચ્છમાં ફરી આજે બપોરે કમોસમી વરસાદ પડ્યો છે જિલ્લાના ભુજ, માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. તો રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર અને આસપાસના ગામોમાં કરા સાથે ભારે વરસાદ ખાબકી પડ્યો છે. ફાગળ માસમાં એકધારો વરસાદ પડતા વાગડના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પવન સાથે પડેલા વરસાદથી માહોલમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કરા પડતા માર્ગ પર મોતી વેરાયા હોય એવા દ્રશ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ કચ્છના અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો છે. ભુજ, માંડવી અને અબડાસાના અમુક ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. જ્યારે પૂર્વ કચ્છના રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોગર, માણાબા, મેવાસા, કાનમેર અને સાય વગેરે ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ખાસ કરીને માણાબા અને મેવાસામાં મોટા-મોટા સફેદ બરફના કરા પડતા માર્ગ પર મોતી વેરાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ એકધારો વરસાદ પડતાં આ વિસ્તારના અનેક ગામોના ખેતરમાં પાણી ભરાયા છે.

દાહોદમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
દાહોદ જિલ્લાના ગરબાડમાં સતત બીજા દિવસે પણ કમોકસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજના કમોસમી વરસાદની સાથે સાથે કરા પડ્યાં હતાં. ગરબાડામાં કમોસમી વરસાદને પગલે ભર ઉનાળે ચોમાસા જેવી ઋતુનો અહેસાસ થયો છે. દાહોદ જિલ્લા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ફાગણ મહિનામા અષાઢ જેવો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને સાથે પંથકમાં કરા પડતા ભર ઉનાળે ચોમાસુ જામ્યું હતું. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યુ છે.

અચાનક કરા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ​​​​​​​
ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે કરા અને વરસાદની આગાહી વચ્ચે શનિવારે નેત્રંગ પંથકમાં વતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કરા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત વાગરા તાલુકાના બદલપુરા ગામ ખાતે એક વ્યક્તિ ઉપર અચાનક વીજળી પડતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ
રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ચ મહિનામાં રસ્તાઓ પણ પાણી પાણી જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ખેતીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ ડિઝાસ્ટર વિભાગના ચોપડે વરસાદ નોંધાયો નથી.

ભાવનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
ભાવનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે, રાત્રીના સમયે સુતેલા લોકો અચાનક જાગી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે કરા પણ પડ્યા હતા. ભાવનગર શહેરમાં સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

અમરેલી અને ગોધરામાં વરસાદ બાદ લાખોનું નુકસાન
અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ બાદ માલપુર તાલુકામાં 700 વિઘામાં ઘઉંનો પાક તરતો જોવા મળ્યો હતો. ખેડૂતોને લાખોનું નુકસાન થતા સહાય માટે માગ કરી છે. ગોધરા શહેરના ભરચક વિસ્તાર એવા લાલબાગ બસ સ્ટેન્ડની પાછળ અવર-જવર કરવા માટે જાહેર મુખ્ય માર્ગ આવેલું છે. જ્યાં ગઈકાલે માત્ર 15થી 20 મિનિટ જેટલા પડેલા વરસાદના લીધે જાહેર માર્ગ ઉપર ઘુંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે અહિયાથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો તેમજ સ્કૂલમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...