ગુડ ગવર્નન્સ:ટોલ ફ્રી હેલ્પલાઇન 1800-233-8646 બંધ ?

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘ક્ષમા કરે આપકે દ્વારા ડાયલ કિયા ગયા નંબર ઉપલબ્ધ નહીં હૈ, કૃપયા નંબર ચેક કરે ઔર ડાયલ કરે’
  • સામાન્ય પ્રશ્નો માટે લોકોને જિલ્લા મથકે ન જવું પડે તે માટે તા.27-9થી શરૂ કરાઇ છે સેવા

કચ્છના અરજદારોને વહીવટી તંત્રને લગતા સામાન્ય પ્રશ્નો માટે જિલ્લા મથકે ધક્કો ખાવો ન પડે અને અેક માત્ર ફોનથી લોકોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તેવા શુભ અાશય સાથે કચ્છ કલેક્ટર દ્વારા તા.27-9-21થી 1800-233-8646 હેલ્પલાઇન શરૂ કરાઇ હતી, જે હેલ્પલાઇન બંધ થઇ ગઇ હોવાના હેવાલ મળી રહ્યા છે અને અરજદારોઅે પોતાના પ્રશ્નો માટે અા ટોલ ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરતાં તેમને ફોનમાં ‘ક્ષમા કરે અાપકે દ્વારા ડાયલ કિયા ગયા નંબર ઉપલબ્ધ નહીં હૈ, કૃપયા નંબર ચેક કરે અાૈર ડાયલ કરે’ તેવું સાંભળવા મળે છે. જો કે, તંત્રના કહેવા મુજબ અા હેલ્પલાઇન ચાલુ છે.

મળતી વિગતો મુજબ કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા તા.27-9-2021ના લોકોને સામાન્ય પ્રશ્નો માટે જિલ્લા મથકે જવું ન પડે તે માટે ટોલ ફ્રી 1800-233-8646 હેલ્પલાઇન શરૂ કરાઇ હતી. વધુમાં અા હેલ્પલાઇન પર ફોન કર્યા બાદ જો તે ફોન પર અન્ય કોઇ અરજદારની ફરિયાદ ચાલુ હોય અને તે વખતે ફોન વ્યસ્ત અાવે તો બીજા અરજદારે કરેલો ફોન પોતાની મેળે અન્ય લેન્ડલાઇન નંબર પર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા કરાઇ હતી.

જે હેલ્પલાઇન લોકો માટે ખુબ જ ઉપયોગી છે કેમ કે, અા હેલ્પલાઇન શરૂ થયાના ટુંકાગાળામાં જ અેટલે કે, તા.6-10-21 સુધીમાં જિલ્લાના વિવિધ વિભાગોને લગતી 153 ફરિયાદો અાવી હતી, જેમાંથી વૃદ્ધ સહાય, કિસાન નિધિ સહાય સહિત વિવિધ સહાય યોજનાઅોને લગતા 40 પ્રશ્નોનો ત્વરીતતાથી નિકાલ કરાયો હતો. ઉપરાંત દબાણ વગેરેને લગતા 24 પ્રશ્નોનો વચ્ચગાળાના તબક્કે નિકાલ માટે જે-તે વખતે મૂકવામાં અાવ્યા હતા.

લોકો ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઅો, મામલતદાર, પીજીવીસીઅેલ, પુરવઠા વિભાગ, જમીન માપણી, કલેક્ટર કચેરી, અેસ.ટી., પોલીસ, મામલતદાર કચેરી, રોડ સહિત જિલ્લાની વિવિધ કચેરીઅોને લગતા સામાન્ય પ્રશ્નો અંગે અા હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે.

હેલ્પલાઇન શરૂ થયાને અાગામી તા.27-9-22ના અેક વર્ષ થવાનો છે. જો કે, અા વચ્ચે તા.8-9-22, ગુરૂવારના અમુક અરજદારોઅે પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે અા હેલ્પલાઇન પર મોબાઇલ ફોનથી ફરિયાદ કરવાનો પ્રયાસ કરતાં તેમને ‘ક્ષમા કરે અાપકે દ્વારા ડાયલ કિયા ગયા નંબર ઉપલબ્ધ નહીં હૈ, કૃપયા નંબર ચેક કરે અાૈર ડાયલ કરે’ તેવું સાંભળવા મળ્યું હતું.

અમુક અરજદારોઅે તો અેવો પણ અાક્ષેપ કર્યો હતો કે, અા હેલ્પલાઇન લાંબા સમયથી બંધ છે. જો કે, અા અંગે નિવાસી અધિક કલેક્ટર મિતેષ પંડ્યાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, અરજદારો માટેની ટોલ ફ્રી હેલ્પલાઇન બંધ નથી થઇ અને ચાલુ જ છે તેમ છતાં તપાસ કરાવી લઉં છું.

દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજવાનું કરાયું હતું નક્કી
જિલ્લામાંથી અાવતી ફરિયાદોના નિકાલ માટે જે-તે વિભાગના અધિકારીઅો સાથે ટેલીફોનિક, વીડિયો કોન્ફરન્સથી જાણ કરાય છે પરંતુ ત્યારબાદ પણ જે-તે પ્રશ્નનો નિકાલ અાવ્યો કે નહીં તેની સમીક્ષા કરાય છે. ઉપરાંત સંબંધિત ફરિયાદીને ફોન કરીને પણ સમસ્યાનો નિવેડો અાવ્યો કે નહીં તેની પૂછપરછ કરાય છે. વધુમાં જે-તે વખતે અેવું પણ નક્કી કરાયું હતું કે, દર અઠવાડિયે બેઠક યોજીને સંબંધિત અાવેલી ફરિયાદો મુદ્દે સમીક્ષા કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...