સફેદ રણને વિશ્વ પ્રસિદ્ધ કરવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અથાગ પ્રયત્નો કર્યા તેમજ રણોત્સવ અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ જેવા કાર્યક્રમો યોજી પ્રબળ માર્કેટિંગ કર્યું છે. આજે પ્રવાસન વિભાગને તેમજ ગુજરાત સરકારને લાખો પ્રવાસીઓની ભેટ માટે જે ડબલ એન્જિન પુરવાર થયેલ છે તે કચ્છના રણમાં યોજનારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023’માં રાજ્યકક્ષાના મંત્રી કે નેતાની હાજરી ન હોય તે સ્વભાવિક ખૂંચે તેવું છે. સ્થાનિક નેતાઓ સાંસદ, છ ધારાસભ્યો અને અધિકારીઓ આ કાર્યક્રમમાં હોય તે સ્વાભાવિક છે, પરંતુ રાજ્ય સરકારનો એક પણ મંત્રી જો સમય ન કાઢી શકે તો કચ્છ માટેની વડાપ્રધાનની લાગણીને પણ નજર અંદાજ કરી છે એમ કહી શકાય.
ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 13મી જાન્યુઆરીના શુક્રવારે સફેદ રણ, ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. પતંગોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો છે. સફેદ રણમાં કોવિડ-19 દરમિયાન ત્રણ વર્ષ સુધી આ ઉત્સવ રાખવામાં આવ્યો નહોતો એટલે હવે ફરીથી યોજનારા આ આયોજનમાં 18 રાષ્ટ્રના પતંગવીરો તેમજ ભારતના આઠ રાજ્યના પતંગબાજો ભાગ લેશે.
જ્યારે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા તેમજ સ્થાનિકો તેને માણવા માટે ધોરડો સુધી આવતા હતા, પરંતુ ધીમે ધીમે ઉત્સાહ પણ ઘટતો ગયો તેમ રાજ્ય સરકારે કરવા ખાતર આયોજન કર્યું હોય તેમ સ્થાનિક લોક પ્રતિનિધિઓને હાજરી આપવા કહીને ઉચ્ચકક્ષાના નેતાઓ ઠંડીમાં આવવાનું ટાળ્યું છે.
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તેમજ ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે તેમજ પ્રદ્યુમનસિંહ જાડેજા અતિથિ વિશેષ તરીકે રહેશે તો કચ્છ કલેકટર દિલીપ રાણા, બોર્ડર રેન્જ આઇજી જે.આર. મોથાલીયા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પોલીસ વડા સૌરભ સિંઘ, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાહુસેન ગુલબેેગ કાર્યક્રમમાં જોડાશે. આ સમગ્ર કાર્યક્રમ સવારે 8:00 વાગ્યાથી સફેદ રણના વોચ ટાવર પાસે યોજવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં કચ્છના પતંગવીરો પણ કૌવત દાખવશે
શુક્રવારે સફેદ રણમાં યોજાનારા પતંગ ઉત્સવમાં રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે ત્યારે કચ્છ કલા કાઈટ ગ્રુપના ભુજ અને માંડવીના પતંગબાજો પણ જોડાશે. જેમાં કેનીટોન, ટેરી બોય, લી ફૂટર, જનક પરમાર, ચિરાગ પરમાર, રાજન પરમાર, ફોરમ પરમાર જ્યારે ભુજના વિરાટ સોલંકી, જય સિસોદિયા, યુવરાજ સિસોદિયા અને ભાર્ગવ ચાવડા જી -20 ની થીમ પર મહાકાય પતંગ રણમાં ચગાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.