વિધાનસભાના ચૂંટણી જંગમાં ધીમે ધીમે ગરમાવો અાવી રહ્યો છે અને અાજે તા.14-11, સોમવારના ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હોઇ ઉમેદવારોનો રાફડો ફાટશે. તા.15-11ના ફોર્મની ચકાસણી અને તા.17-11ના દાવેદારી પાછી ખેંચવાની સાથે ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.તા.5-11થી કચ્છની 6 વિધાનસભા બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા અારંભાઇ હતી, જેના પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન જિલ્લાની 6 બેઠકો પર અેકપણ ઉમેદવારે દાવેદારી નોંધાવી ન હતી. ફોર્મ ભરવાના ચોથા દિવસથી ઉમેદવારોના દર્શન થયા હતા. અબડાસા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને રાપર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હજુપણ ઉમેદવારી નોંધાવી નથી.
હવે તા.14-11, સોમવારના નામાકનપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે, જેથી બાકી રહેલા ભાજપ, કોંગ્રેસ, અાપના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે જ અને છેલ્લો દિવસ હોઇ મુખ્ય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટશે.તા.15-11, મંગળવારના ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં અાવશે અને તા.17-11, ગુરૂવારના ઉમેદવારો નામાંકનપત્રો પાછા ખેંચી શકશે અને અા સાથે ગુરૂવારે બપોરે 3 વાગ્યે વિધાનસભાની 6 બેઠકો પૈકી કઇ બેઠક પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને ઉમેદવારો ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઅો પ્રચારને વેગવાન બનાવશે.
2017ની ચૂંટણી વખતે મોદીઅે કચ્છથી પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો : અાજે કચ્છ અાવતા મુખ્યમંત્રી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે અબડાસા મત વિસ્તારમાં અાવતા લખપત તાલુકાના માતાના મઢ ખાતે કચ્છ ધણિયાણી મા અાશાપુરાના દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. અા વખતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અાજે તા.14-11, સોમવારના કચ્છ અાવી રહ્યા છે અને સવારે 10.30 કલાકે મુન્દ્રા તાલુકાના કુકડસરમાં પાંજરાપોળ નજીક અાવેલા મેદાનમાં સભાને સંબોધશે અને માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરૂધ્ધ દવેને ઉમેદવારીપત્ર ભરાવશે. બપોરે 12 કલાકે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા જશે, જયાં જંગલેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં સભા સંબોધશે. ત્યારબાદ અબડાસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરીઅે જશે.
ભુજ મતદાન વિભાગના ખર્ચ નિરીક્ષક જાહેર
ભારતના ચૂંટણી પંચ દ્વારા 3-ભુજ વિધાનસભા મતદાર વિભાગની વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે પ્રદિપસિંઘ ગૌતમની ખર્ચ નિરીક્ષક તરીકે નિયુકિત કરવામાં આવી છે, તેમના મોબાઇલ નં.9427742159 અને લેન્ડલાઇન નં.02832-221861 છે. ભુજ મત વિસ્તારમાં ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇપણ રજુઆત કે, ફરિયાદ લોકો અા નંબર પર કરી શકશે અેમ અતિરાગ ચપલોત ચૂંટણી અધિકારી, ભુજ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી-ભુજ દ્વારા જણાવાયું છે.
ચૂંટણીપંચે મત વિસ્તારવાર જનરલ અોબ્ઝર્વર નિમ્યા
કચ્છમાં ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જિલ્લાના 6 મત વિસ્તારવાર જનરલ અોબ્ઝર્વર નિમ્યા છે, જેઅોને પ્રવાસના દિવસો સિવાય નિયત કરાયેલા સ્થળ અને સમયે મળી શકાશે. અબડાસા મત વિસ્તાર માટે બાલાજી દિગમ્બર મંજુલે, મો.નં.9427742069, સાંજે 4થી 5 નખત્રાણા સર્કિટ હાઉસ, માંડવી મત વિસ્તારમાં મધુમિતા સિંહા રોય, મો.નં.9427742357, સવારે 10થી 12 અેજન્સી બંગ્લો, સલાયા રોડ, માંડવી ખાતે, ભુજ મત વિસ્તાર માટે ખત્રાવત રવીન્દ્ર નાયક, મો.નં.9427742076 સવારે 10.30થી 11.30 ઉમેદ ભવન, ભુજ ખાતે અંજાર મત વિસ્તારમાં અાનંદકુમાર સિંઘ મો.નં.9427742356, સવારે 10.30થી 11.30 સર્કિટ હાઉસ-અંજાર, ગાંધીધામ મત વિસ્તાર માટે કાંતિલાલ દાન્ડે, મો.નં.9428050844, સાંજે 4થી 5 દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ, ગેસ્ટહાઉસ, ગાંધીધામ અને રાપર મત વિસ્તારમાં નવીન મિત્તલ મો.નં.9428051844 સવારે 9.30થી 10.30 વાગ્યા સુધી ભચાઉમાં વિશ્રામગૃહના રૂકમાવતી રૂમમાં મળી શકશે અેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.